માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે નક્કર રૂપરેખા તૈયાર કરીને હાજર થવા માટે આદેશ કર્યો છે.
gujarat high court

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં માથે મેલું ઉપાડવાની પ્રથાને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારને નક્કર રૂપરેખા તૈયાર કરીને કોર્ટમાં હાજર થવા માટે નિર્દેશ આપ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મેન્યુઅલ સ્કેવેજિંગના કારણે થતા સફાઈકર્મીઓના મોતને હતાશાજનક અને નિરાશાજનક ગણાવ્યા હતા.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, જ્યારે ગટર સફાઈની જરૂરિયાત વધુ હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સફાઈ કામદારો માટે પૂરતાં સુરક્ષા સાધનો ન હોવાને હાઈકોર્ટે ગંભીર બાબત ગણાવી હતી. કોર્ટે ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રથા રાજ્યમાંથી સંપૂર્ણ રીતે નાબૂદ થવી જ જોઈએ. આ માટે રાજ્ય સરકારે નક્કર પગલાં લેવા જરૂરી છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં મેન્યુઅલ સ્કેવેજિંગ દરમિયાન એક સફાઈ કામદારના મોતની ઘટના પર ખાસ ધ્યાન દોર્યું. કોર્ટે રાજ્ય સરકારને આ ઘટનામાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાયા તેની માહિતી માગી. જવાબમાં સરકારે જણાવ્યું કે, કસૂરવાર કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠેરવીને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, હવે કોન્ટ્રાક્ટરો પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવે છે કે, કોઈપણ કામદારને ગટરમાં ઉતારવામાં નહીં આવે અને મેન્યુઅલ સ્કેવેજિંગ નહીં કરાવાય.

આ પણ વાંચો: પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી

જાહેર હિતની અરજીની સુનાવણીમાં તાજેતરમાં રાજ્યભરમાં મેન્યુઅલ સ્કેવેજિંગ દરમિયાન મૃત્યુ પામેલા કામદારોના પરિવારોને વળતર ચૂકવવા અંગેની માહિતી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી. રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, આવી ઘટનાઓ અટકાવવા અને કામદારોની સુરક્ષા માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવો જરૂરી છે. કોર્ટે આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે, કોઈપણ વ્યક્તિને ગટરમાં સફાઈ માટે ઉતારવાની ફરજ પાડવી ગેરકાયદેસર છે, અને આ કામ માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ થવો જોઈએ.

ચોમાસાની ઋતુમાં ગટર સફાઈની જરૂરિયાત વધુ તીવ્ર બને છે, જેના કારણે સફાઈ કામદારોના જીવનું જોખમ વધે છે. હાઈકોર્ટે ખાસ નોંધ્યું કે, અમદાવાદ જેવા મહાનગરમાં પણ જો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સફાઈ કામદારો માટે પૂરતાં સુરક્ષા સાધનો નથી, તો આ ગંભીર ચિંતાનો વિષય છે. કોર્ટે રાજ્ય સરકારને આવી ઘટનાઓ રોકવા માટે તાત્કાલિક અને લાંબાગાળાના પગલાં લેવા હુકમ કર્યો.

રાજ્ય સરકારે કોર્ટમાં સ્વીકાર્યું કે, મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રથા બંધ કરવી જરૂરી છે. સરકારે જણાવ્યું કે, આ પ્રથા પર પ્રતિબંધ છે અને ગટર સફાઈ માટે યાંત્રિક સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે, હાઈકોર્ટે આ નિવેદનને પૂરતું ન ગણતા રાજ્યભરમાં આ પ્રથાને સંપૂર્ણ નાબૂદ કરવા માટે વધુ નક્કર અને વ્યવસ્થિત યોજનાની માગણી કરી.

હાઈકોર્ટે રાજ્ય સરકારને ૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં મેન્યુઅલ સ્કેવેજિંગ નાબૂદ કરવા માટે એક વિગતવાર બ્લુ પ્રિન્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. આ બ્લુ પ્રિન્ટમાં યાંત્રિક સફાઈના સાધનોનો ઉપયોગ, કામદારોની સુરક્ષા માટેના ધોરણો, અને કોન્ટ્રાક્ટરો પર કડક નિયંત્રણોની વિગતો સામેલ હોવી જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ મામલે કોઈપણ ઢીલાશ સહન કરવામાં નહીં આવે.

આ પણ વાંચો: ઉમરપાડામાં ચાલુ વરસાદમાં આદિવાસી અધિકાર બચાવો રેલી યોજાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x