નડિયાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક સોસાયટીમાં દશામાના વ્રત કરતો એક પરિવાર પરોઢે માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો એ દરમિયાન ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂ. 1 લાખથી વધુ કિંમતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પરિવાર માતાજીની મૂર્તિ પધરાવીને ઘરે આવ્યો ત્યારે તેમને ચોરી થયાનો ખ્યાલ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘટના નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ કર્મવીર સુંદરવન સોસાયટીની છે. રિક્ષાચાલક જીગ્નેશભાઈ ગુલવાણી પરિવાર સાથે અહીં રહે છે. ગઈકાલે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાના સુમારે જીગ્નેશભાઈ અને તેમનો પરિવાર દશામાનું જાગરણ કર્યા બાદ ઘરને તાળું મારી રિક્ષામાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા કોલેજ રોડ પર આવેલ નહેર ખાતે ગયા હતા. આ તકનો લાભ લઈને તેમના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 1 લાખની કિંમતની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: ટોળાએ 3 દલિત કિશોરોને રાષ્ટ્રધ્વજના થાંભલા સાથે બાંધીને માર્યા
તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે ઘરનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તસ્કરોએ મકાનમાંની તિજોરી ખોલી અંદર આવેલ લોકરને તોડ્યું હતું. લોકરમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 25 હજાર મળી કુલ રૂપિયા 1,01,700ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જીગ્નેશભાઈ અને તેમના પરિવારજનો માતાજીની મૂર્તિ પધરાવી વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના સુમારે રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. આ સમયે તેમણે મકાનનો દરવાજો ખુલ્લો જોયો હતો. ઘરમાં પ્રવેશતાં તેમણે સરસામાન વેરવિખેર પડેલો જોતાં ચોરી થયાની જાણ થઈ હતી. ઘટનાની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ