સવર્ણોને તેમની જાતિના કારણે સદીઓથી જે વિશેષાધિકારો ભોગવતા આવ્યા છે તેની સામે દેશના દલિતોને આજે પણ તેમના મૂળભૂત અધિકારો-હકો માટે વર્ષોના વર્ષ સંઘર્ષ કરવો પડે છે. જાતિવાદી તત્વો દલિતોને અનામત થકી મળતો પ્રતિનિધિત્વનો અધિકાર છીનવી લેવા આઝાદી મળી ત્યારથી સક્રિય છે. પરંતુ તેમને સદીઓથી દલિતો સાથે થતો ભેદભાવ, અસ્પૃશ્યતા, જાતિવાદ દૂર કરવો નથી.
દેશના મોટાભાગના ગામડાઓમાં દલિતો સાથે ગામની માથાભારે કથિત સવર્ણ જાતિઓ ભેદભાવ દાખવતી રહે છે. તેમને કારણ વિના માર મારે છે, ચંપલ પહેરીને નીકળતા નથી દેતા, માથામાં તેલ નાખવાની મનાઈ છે, દલિતો સારા કપડાં પહેરે, ડીજે સાથે ઉત્સવ મનાવે, લગ્નમાં ઘોડી પર બેસીને વરઘોડો કાઢે આ તમામ બાબતો સવર્ણ જાતિઓને ખટકે છે. દલિતોને પ્રગતિ તેમનાથી જરાય જોવાતી નથી. પરિણામે આજની તારીખે પણ દલિતો તેના બંધારણીય અધિકારોથી વંચિત છે.
કર્ણાટકના કુડલીગીના કલ્લાહલ્લી ગુલ્લારહટ્ટીની ઘટના
સવર્ણ હિંદુઓ દલિતો સાથે કઈ હદે અન્યાયી વર્તન કરે છે, તેનું એક ચોંકાવનારું ઉદાહરણ કર્ણાટકના એક ગામમાંથી સામે આવ્યું છે. અહીં આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો છે. આટલા વર્ષથી સવર્ણો દલિતોને ગામમાં પ્રવેશવા દેતા નહોતા.
આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું
મામલો કર્ણાટકના કુડલીગી તાલુકાના કલ્લાહલ્લી ગુલ્લારહટ્ટી ગામનો છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, અહીં દલિત સમાજના લોકોને દેશ આઝાદ થયાના 78માં વર્ષે ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય એન.ટી. શ્રીનિવાસ અને તાલુકાના અધિકારીઓના પ્રયાસોથી આઝાદી સમયથી દલિતો પર લાગુ પાડવામાં આવેલો પ્રતિબંધ તોડી નાખવામાં આવ્યો હતો.
યાદવોની દાદાગીરીઃ પેઢીઓથી દલિતોને ગામમાં પ્રવેશવા ન દીધાં
મીડિયા રિપોર્ટ મુજબ ગામમાં યાદવોના લગભગ 130 ઘરો છે અને તેમણે પેઢીઓથી દલિતોના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. યાદવોએ અંધશ્રદ્ધાની આડ લઈને દલિતોને ગામમાંથી બહાર કરી દીધા હતા. યાદવોએ એવી અંધશ્રદ્ધા ફેલાવી હતી કે, જો દલિતો ગામમાં પ્રવેશ કરશે તો ગામ પર સંકટ આવશે. દલિતોનો પ્રવેશ ગામ માટે અશુભ છે. આ અંધશ્રદ્ધા અને પોતાની જાતિના વર્ચસ્વના જોરે યાદવોએ પેઢીઓ સુધી દલિતોને ગામમાં પ્રવેશવા દીધા નહોતા. દેશ આઝાદ થઈ ગયો તો પણ યાદવોએ અહીં પોતાની સમાંતર સરકાર ચલાવીને દલિતોને ગામમાં પ્રવેશવા દીધાં નહોતા. આ પ્રતિબંધ છેલ્લાં 78 વર્ષથી ચાલ્યો આવતો હતો.
સર્વે કરવા આવેલા દલિત અધિકારીને પણ પ્રવેશવા ન દીધાં
આ ગામમાં જાતિવાદની સ્થિતિ કઈ હદે વકરી ચૂકી હતી તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે, તાજેતરમાં એક દલિત સરકારી અધિકારી સર્વે કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે તેમને પણ જાતિવાદી યાદવોએ પ્રવેશતા અટકાવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મામલતદાર વી.કે. નેત્રાવતી તેમના સ્ટાફ સાથે ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોને જાતિવાદ અને પોતે ઉભા કરેલા નિયમો છોડી દેવાની કડક ચેતવણી આપી હતી. અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં યાદવોને બંધારણમાં દરેક માણસને સમાન હકો આપવામાં આવ્યા હોવાનું સમજાવ્યું હતું. સાથે જ જો યાદવો દલિતો સાથે ભેદભાવ ચાલુ રાખશે તો તેના કાયદાકીય પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા
એ પછી જાતિવાદી યાદવો ઢીલા પડ્યા હતા અને દલિતોને ગામમાં પ્રવેશવા માટે મંજૂરી આપી હતી. કાયદાનું રાજ શા માટે જરૂરી છે તે પણ આ ઘટના પરથી સમજાય છે. જે જાતિવાદી યાદવોએ આઝાદીના 78 વર્ષ સુધી દલિતોને ગામમાં પ્રવેશવા નહોતા દીધાં તેમણે કાયદાના ડરને કારણે દલિતોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવું પડ્યું હતું.
મહિલાઓ સાથે પણ ભેદભાવ કરાય છે
આ ગામમાં અંધશ્રદ્ધા અને જાતિવાદ કઈ હદે વકરી ચૂક્યા છે તેનો અંદાજ એના પરથી પણ આવે છે કે, આજે પણ અહીં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન અલગ ઝૂંપડીમાં ગોંધી રાખવામાં આવે છે.
સ્થાનિક ધારાસભ્ય શ્રીનિવાસે દલિતોના ગામપ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે, “જાણી જોઈને કે અજાણતાં, દલિતો સાથે કરવામાં આવતો ભેદભાવ આ દેશના બંધારણની વિરુદ્ધ છે. ગામલોકોએ દલિતોનું સ્વાગત કરવાનો નિર્ણય કરીને પ્રગતિ તથા સામાજિક ન્યાય તરફ એક પ્રગતિશીલ પગલું ભર્યું છે. હું દિલથી તેનું સ્વાગત કરું છું.”
‘દેશ ભલે 78 વર્ષ પહેલા આઝાદ થયો, અમે આજે આઝાદ થયા’
સ્થાનિક દલિતોનું કહેવું છે કે, અંધશ્રદ્ધાની આડમાં આઝાદીના 78 વર્ષ સુધી તેમની સાથે અન્યાય અને ભેદભાવ કરવામાં આવ્યો. આટલા વર્ષ સુધી કેટલીયે સરકારો આવીને ગઈ, પણ કોઈ તેમને ગામમાં પ્રવેશ કરાવી શકી નહીં. આજે બંધારણના કારણે અમને ગામમાં એન્ટ્રી મળી છે. દેશ બે દિવસ પછી આઝાદીના 78 વર્ષની ઉજવણી કરશે, પરંતુ અમારા માટે તો આ પહેલી આઝાદી છે.
આ પણ વાંચો: ‘આ ડાકણ છે’ કહી એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાયા