Dalit News: મધ્યપ્રદેશના દેવાસમાં ત્રણ દલિત યુવકોને પોલીસે કસ્ટડીમાં લઈને ઢોર માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે. ત્રણેય યુવકોને હાલ દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્રણેયના પગથી નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ પર ત્રણેય યુવકોના નખ પણ ખેંચવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને લઈને હોબાળો મચી ગયો છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થયા છે.
મૂર્તિઓની તોડફોડ મામલે ત્રણેયની અટકાયત કરાઈ
આ ઘટના 6 ઓગસ્ટની છે. જ્યારે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક મૂર્તિની દુકાનમાં ગણપતિ અને માતાજીની મૂર્તિ તોડવાના મામલામાં પોલીસે 3 દલિત યુવાનોની અટકાયત કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય યુવકો પર આ કાર્યવાહી કરી હતી. આ ઘટનાના કેટલાક ફોટા પણ સામે આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા યુવાનોમાં રવિ અજમેરી (21), રિતેશ અજમેરી (23) તેમજ રિતેશ સીનમ (23)નો સમાવેશ થાય છે. આરોપ છે કે, પોલીસે ત્રણેય યુવકોને કસ્ટડીમાં લઈને નિર્દયતાથી માર માર્યો હતો અને તેમના નખ પણ ખેંચી કાઢ્યા હતા. ઘટના દેવાસના બાવડિયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં બની હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: પાટણના દાત્રાણામાં સરપંચ સહિત 14 લોકોએ દલિત પર હુમલો કર્યો
ઘટનાને લઈ રાજકારણ પણ ગરમાયું
બીજી તરફ આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અરુણ યાદવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું હતું કે, મધ્યપ્રદેશ પોલીસની ગુંડાગીરી ચરમસીમાએ છે. તેમણે ડીજીપીને આ મામલામાં જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી.
પોલીસે શું કહ્યું?
આ મામલે અધિક પોલીસ અધિક્ષક જયવીરસિંહ ભદોરિયાએ જણાવ્યું હતું કે, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન અને ઈન્ડસ્ટ્રીય એરિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જે અંતર્ગત આ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પરિવારના સભ્યોએ કેટલાક મુદ્દાઓની તપાસ માટે આવેદનપત્ર આપ્યું છે. જેમાં તબક્કાવાર તપાસ કરવામાં આવશે. આ માટે શહેર પોલીસ અધિક્ષકને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, તેમણે આ ત્રણેય યુવકોને ટોર્ચર કરવામાં આવ્યા હોવા વિશે વધુ કશું કહ્યું નહોતું.
યુવકોના પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપ
ગુજરાતી રવિદાસ સમાજે પણ પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. સમાજના પ્રતિનિધિઓએ એસપી અને કલેક્ટર ઓફિસમાં અરજી કરીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે પોલીસે કોઈ નક્કર પુરાવા વિના દલિત સમાજના ત્રણેય યુવકોની ધરપકડ કરી છે. યુવકોના પરિવારજનોનો દાવો છે કે ત્રણેય યુવાનો તેમણે બુક કરાવેલી મૂર્તિઓનું કામ કેટલે પહોંચ્યું તે જોવા માટે ગયા હતા. એ દરમિયાન જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડ કરી હતી. પરિવારજનોએ પોલીસ પર ત્રણેય યુવકોને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા, જાણો પછી ગામલોકોએ શું કર્યું