ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંના જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના પરિણામે પ્રાચી તીર્થ ખાતે આવેલું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મધુવંતી નદીના પાણી પણ ગામોમાં ઘૂસી ગયા છે. શિંગોડા ડેમ અને હિરણ-2 ડેમના તમામ 7 દરવાજા ખોલી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
કાજલી માર્કેટિંગ યાર્ડ પાસેના પુલ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જૂનાગઢનાં માણાવદરનાં આઠ ગામો સંપર્કવિહોણા બન્યા છે. ભારે વરસાદથી ગામોમાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે પવન ફૂંકાતા માછીમારો માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયામાં રહેલી તમામ બોટને તાત્કાલિક અસરથી પરત ફરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જૂનાગઢમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધાતરવાડી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે હિરણ, ઉમરેઠી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિંગોડા અને હિરણ-૨ ડેમ 100% ભરાયા છે, જ્યારે અન્ય ડેમ 80% ભરાયાં છે. જેના કારણે વેરાવળ, તાલાલા અને કોડિનાર તાલુકાનાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ગાંધીનગર સમાચાર’ના મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ
ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું
ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે. જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરએ નાગરિકોને અનુરોધ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે, અનેક નદી-નાળા છલકાઈ ગયા છે, અને ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
જિલ્લા કલેક્ટરે વરસાદ અંગે સાવચેતીના પગલાં લીધાં
હવામાન તંત્રની આગાહીને અનુલક્ષી આગામી કલાકોમાં હજુ ભારે વરસાદ પડે તો જરૂરી પગલા અને સાવચેતી રાખવા સંદર્ભે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લામાં ક્યાંય પણ વૃક્ષો ધરાશાયી થયા હોય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી અને રસ્તો ખૂલ્લો કરાવવામાં આવી રહ્યો છે. કેટલાક ગામોને બાદ કરતાં હાલ વીજળીનો પુરવઠો પણ અવિરત ચાલુ છે. જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરી અને ત્વરિત પુરવઠો ચાલુ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે જિલ્લામાં ઉપસ્થિત થયેલી સ્થિતિનો ચિતાર આપતાં કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજ સવાર થી બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો સરેરાશ 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
આજરોજ સવારથી જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહેલ છે. ખાસ કરીને મેંદરડા, વંથલી અને કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડી રહેલ છે.(1/2)@CMOGuj @RaghavjiPatel @JayantiRavi @revenuegujarat @InfoGujarat pic.twitter.com/sEsnqP2fEr
— Collector Junagadh (@collectorjunag) August 20, 2025
મેંદરડામાં સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો
જૂનાગઢના મેંદરડામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ત્યારે બીજી બાજુ જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને કેશોદમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. વંથલીમાં પણ છ કલાકના ગાળામાં 9.80 તો કેશોદમાં પણ 9.69 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પોરબંદરમાં ચાર કલાકના ગાળામાં 5.31 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. જેના લીધે રોડ અને હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. લોકોનું જીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. જ્યારે ભાવનગરના મહુવામાં પણ 5 ઈંચથી વધારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જુનાગઢના મેંદરડામાં માત્ર 6 કલાકમાં 12.55 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, જુનાગઢના વંથલીમાં 9.80 ઇંચ અને કેશોદમાં 9.69 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પોરબંદરના કુતિયાણામાં 5.31 ઇંચ અને ભાવનગરના મહુવામાં 5.31 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દિયોદરમાં પોલીસકર્મીઓએ વાલ્મિકી મહિલાઓને ઢોર માર માર્યો
હવામાન વિભાગની આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 18 જિલ્લામાં રેડ એલર્ટ અને 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જિલ્લા કચ્છ, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત, 18 જિલ્લા સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને મેંદરડા તાલુકામાં ભારે વરસાદ પડી જતા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લાની ટીમ મેંદરડામાં પહોંચી હતી. મહાનગરપાલિકા જૂનાગઢની ફાયર ટીમે દાત્રાણા ગામે 15 ગ્રામજનોને પૂરના પાણીમાં રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા.@CMOGuj @InfoGujarat pic.twitter.com/cZcam4Giqx
— Info Junagadh GoG (@InfoJunagadhGoG) August 20, 2025
અમરેલીનો દરિયો બન્યો તોફાની: 7 માછીમારો ગુમ, 18નું રેસ્ક્યુ કરાયું
ભારે વરસાદને પગલે જાફરાબાદની બે અને ગીર સોમનાથની એક બોટ દરિયામાં ડૂબી જતાં 7 જેટલા માછીમારો ગુમ થયા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 18 માછીમારોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ 60 થી 70 જેટલી બોટ દરિયામાં હોવાથી માછીમારોની સલામતી અંગે ચિંતા વધી છે. તંત્ર દ્વારા ગુમ થયેલા માછીમારોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાની વર્તમાન ખરાબ સ્થિતિને જોતા જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારો અને સ્થાનિકોને દરિયાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસે દલિત યુવકના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી, યુવક બેભાન?