ભાજપના નેતાઓ દરેક વૈજ્ઞાનિક બાબતોને છાશવારે હિંદુત્વ સાથે જોડવા માટે જાણીતા છે. ખુદ પીએમ મોદી પણ ગણપતિનું ઉદાહરણ આપીને લોકોને ગેરમાર્ગે દોરી ચૂક્યા છે ત્યારે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હનુમાનજીને પહેલા અંતરિક્ષયાત્રી ગણાવીને વિવાદ છેડ્યો છે.
ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરનું હાસ્યાસ્પદ નિવેદન
એક સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં અનુરાગ ઠાકુર વિદ્યાર્થીઓને પૂછે છે કે અંતરિક્ષયાત્રા કરનાર સૌ પ્રથમ કોણ હતા? જેના જવાબમાં સામે બેઠેલા સેંકડો બાળકો એક સ્વરમાં કહે છે – નીલ આર્મસ્ટ્રોંગ. પરંતુ હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકના ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર બાળકોના જવાબને વચ્ચેથી જ કાપતા કહે છે, ‘મને લાગે છે કે તે હનુમાનજી હતા.’ એ પછી સાંસદ અનુરાગ ઠાકુર સ્ટેજ પર ઉભા રહીને હસે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ‘તું નીચી જાતિનો છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય, અભડાઈ જાય!’
વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં ગેરમાર્ગે દોરતું નિવેદન કર્યું
જ્યારે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સભામાં કહ્યું કે, મને લાગે છે કે હનુમાનજી અવકાશમાં મુસાફરી કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. એ પછી સભાખંડમાં હાજર તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુસપુસ કરવા લાગે છે. ભાજપના સાંસદે તર્ક કરતા કહ્યું – કારણ કે અત્યાર સુધી આપણે ફક્ત આટલું જ જોઈએ છીએ. જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન, સંસ્કૃતિથી વાકેફ નહીં થઈએ, ત્યાં સુધી આપણે ફક્ત એ જ જોઈ શકીશું જે અંગ્રેજોએ આપણને બતાવ્યું છે. અનુરાગ ઠાકુરે શિક્ષકો અને પ્રોફેસરોને વિનંતી કરી કે તેઓ પાઠ્યપુસ્તકમાંથી બહાર આવીને આપણા વેદ, પરંપરા અને જ્ઞાન તરફ આગળ વધે, તો આપણને ઘણું બધું જોવા મળશે.
हनुमान जी दुनिया के पहले अंतरिक्ष यात्री थे : अनुराग ठाकुर
क्या इन लोगों ने ठान लिया है कि भारत को हजारों साल पीछे ले जाना है? कम से कम स्कूल के बच्चों को तो उल्टा ज्ञान नहीं देना चाहिए। pic.twitter.com/wKjGjOXpWP
— Manraj Meena (@ManrajM7) August 24, 2025
સોશિયલ મીડિયામાં લોકોએ મજાક ઉડાવી
સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ આવવા લાગી. એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું, ‘શું આ લોકોએ ભારતને હજારો વર્ષ પાછળ લઈ જવાનું નક્કી કર્યું છે? કમ સે કમ વિદ્યાર્થીઓને તો ખોટું જ્ઞાન ન આપવું જોઈએ.’
વિનય નામના યુઝરે લખ્યું – જો મંત્રીજી પણ અભ્યાસ છોડીને કહાની-કિસ્સાઓને સાયન્સ ગણાવવા માંડશે, તો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાશે. ઇતિહાસ અને પૌરાણિક કથાઓનું સમ્માન તેના સ્થાને છે, પરંતુ શિક્ષણમાં ફક્ત સત્ય અને વિજ્ઞાન હોવું જોઈએ.
કોણ છે અનુરાગ ઠાકુર?
અનુરાગ સિંહ ઠાકુર હાલમાં લોકસભાના સાંસદ છે. તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુર સંસદીય મતવિસ્તારથી પાંચમી વખત સાંસદ ચૂંટાયા છે. તેમણે 2008 માં પેટાચૂંટણીમાં આ મતવિસ્તારમાં પ્રવેશ કર્યો હતો, અને ત્યારથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તેમણે ભાજપ સરકારમાં રમતગમત મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. અગાઉ તેઓ ‘દેશ કે ગદ્દારો કો…’ જેવા વિવાદિત નિવેદનો પણ આપી ચૂક્યા છે. અગાઉ તેમણે સંસદમાં વિપક્ષના એક સાંસદને તેમની જાતિને લઈને વાંધાજનક નિવેદન કર્યું હતું અને હોબાળો મચી ગયો હતો. અનુરાગ ઠાકુરના પિતા પ્રેમકુમાલ ઘુમલ હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
આ પણ વાંચો: કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું