દલિત મહિલા સાંસદને જે.પી.નડ્ડાના કાર્યક્રમમાં પ્રવેશવા ન દીધાં?

દલિત મહિલા સાંસદને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા. પોલીસ અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ.
dalit news

ભાજપમાં દલિત સમાજમાંથી આવતા સાંસદો, ધારાસભ્યો કે કાર્યકરોની કેટલી અને કેવી ઈજ્જત કરવામાં આવે છે તે જગજાહેર છે. પરંતુ તાજો દાખલો મધ્યપ્રદેશના જબલપુરમાંથી સામે આવ્યો છે. અહીં દલિત સમાજમાંથી આવતા મહિલા સાંસદને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને હોબાળો મચી ગયો હતો. આ મામલે મહિલા સાંસદ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં સાંસદના ચશ્મા તૂટી ગયા હતા.

દલિત સાંસદને ભાજપ પ્રમુખના કાર્યક્રમમાં જતા અટકાવાયા

ઘટના 25 ઓગસ્ટ 2025ને સોમવારની છે. રાજ્યસભાના સાંસદ સુમિત્રા વાલ્મિકીને જબલપુરમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની સભામાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સાંસદ સુમિત્રા વાલ્મિકી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને તેમના સમર્થક કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. બાદમાં સિનિયર નેતાઓની દરમિયાનગીરી બાદ માંડ માંડ તેમને નડ્ડાના કાર્યક્રમમાં જવા દેવામાં આવ્યા હતા. કાર્યકરોનો આરોપ છે કે પોલીસે સાંસદને પણ ધક્કો માર્યો હતો.

માંડ માંડ મામલો શાંત પડ્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંસદ સુમિત્રા વાલ્મિકી દલિત સમાજમાંથી આવતા હોવાથી પોલીસે તેમને ગંભીરતાથી લીધા નહોતા અને તેમને કાર્યક્રમમાં જતા અટકાવ્યા હતા. કાર્યક્રમમાં જવાને લઈને તેમની સાથે સામાન્ય કાર્યકરો જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમને ભીડનો હિસ્સો ગણીને અંદર જવા દેવામાં આવ્યા નહોતા. બાદમાં તેમના સમર્થક કાર્યકરોએ હોબાળો મચાવતા અને પક્ષની દલિત વિરોધી છાપ મજબૂત થશે તેવા ડરે પોલીસને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  પંજાબમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરશો તો આજીવન કેદ થશે!

બોલાચાલી દરમિયાન સાંસદના ચશ્મા તૂટી ગયા

બાદમાં સાંસદ સુમિત્રા વાલ્મિકીએ જણાવ્યું હતું કે, પોલીસે મને મને કાર્યક્રમમાં જતા અટકાવી હતી. જેમાં મારા ચશ્મા તૂટી ગયા હતા. મારા કાર્યકરો પક્ષના અધ્યક્ષને મળવા અને તેમની સાથે સેલ્ફી પડાવવા માટે ઉત્સાહી હતા. પરંતુ અમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. અમે સુરક્ષા ગાર્ડને અમને જવા દેવા કહ્યું, પરંતુ તેમણે સુરક્ષાનું કારણ બતાવી ગેટ બંધ કરી દીધો હતો. જેને લઈને બોલાચાલી થતા મારા ચશ્મા તૂટી ગયા હતા. જ્યારે ચશ્મા પડી ગયા ત્યારે મને પણ સમજાયું નહીં કે અંદર જવું કે બહાર, તેથી હોબાળો થયો હતો. આખરે કોઈએ મારી ઓળખાણ આપતા મને અંદર જવા દેવામાં આવી હતી.

દલિત સાંસદને સ્ટેજ પર સ્થાન મળ્યું નહીં

આ પહેલી વાર નથી જ્યારે સાંસદ સુમિત્રા વાલ્મિકીનું ભાજપના કાર્યક્રમમાં આ રીતે અપમાન થયું હોય. બે વર્ષ પહેલાં, 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જબલપુરમાં રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ રાજ્યસભાના સાંસદ સુમિત્રા વાલ્મિકીને સ્ટેજ પર સ્થાન મળ્યું ન હતું. તેમને પાછળ બેસાડવામાં આવ્યા હતા, આ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે કલેક્ટર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. સુમિત્રા વાલ્મિકીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશ પ્રમુખ વીડી શર્માને ફરિયાદ કરી હતી. પરંતુ તેમ છતાં તેમની ફરિયાદનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું.

પ્રચાર માટે બોલાવ્યા અને અપમાન કર્યું

વર્ષ ૨૦૨૨માં સુમિત્રા વાલ્મિકીને ભાજપ દ્વારા મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં પ્રચાર માટે સાગર બોલાવવામાં આવ્યા હતા. દલિત મતદારોને આકર્ષવાના હેતુથી તેમને બોલાવવામાં આવ્યા હતા. તેમને સરકારી આતિથ્ય સાથે સર્કિટ હાઉસના રૂમ નંબર ૩માં રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રચારમાંથી પાછા ફર્યા પછી તેમનો સામાન તેમની પરવાનગી વિના બીજા રૂમમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને આ રૂમ રાજ્યના એક સિનિયર મંત્રીને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વૈકલ્પિક રસ્તાના અભાવે ગંભીરા બ્રિજ આસપાસના ગામલોકો રોષે ભરાયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x