હાલ દેશભરમાં સીધી લડાઈ બ્રાહ્મણવાદ વિ. આંબેડકરવાદની ચાલી રહી છે. જાતિવાદી તત્વોને મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોને મારી શકે તેમ ન હોવાથી તેમણે ડૉ.આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આવી જ એક ઘટના ગઈકાલે સામે આવી છે. જેમાં મધરાતે ત્રણ જાતિવાદી તત્વોએ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડીને ફેંકી દીધી હતી. જેને લઈને દલિત-બહુજન સમાજમાં રોષ ફેલાયો હતો. સેંકડો લોકો ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તરત મોરચો સંભાળી લીધો હતો અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની ઘટના
ઘટના ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના શુક્રતાલ વિસ્તારની છે. અહીં કેટલાક જાતિવાદી તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાને તોડી નાખી હતી. જેને લઈને આ વિસ્તારના દલિત-બહુજન સમાજમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ગુસ્સે ભરાયેલા દલિત સમાજના લોકોએ સરકાર અને વહીવટીતંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરી પ્રતિમા ફરીથી સ્થાપિત કરવાની માંગ કરી હતી. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપીને દલિતોને શાંત પાડ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા એસપી ગ્રામીણ અજય સહદેવે તપાસ કરીને આરોપીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો
મધરાતે ત્રણ વાગ્યે પ્રતિમા તોડી નાખી
મંગળવારે રાત્રે લગભગ ત્રણ વાગ્યે અહીંના સંત શિરોમણી રવિદાસ આશ્રમની બહારના ચોકમાં બે જાતિવાદી યુવકોએ ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને ભાગી ગયા હતા. પ્રતિમા તોડવાની ઘટનાની જાણ થતા દલિત સમાજના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સરકાર તથા વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રોષે ભરાયેલા બહુજન સમાજે દેશ અને રાજ્યની ભાજપ સરકાર પર દલિતો સામે ભારે શોષણ અને અન્યાયના ગંભીર આરોપો લગાવ્યા.
રવિદાસ મંદિરના મહંતે ફરિયાદ નોંધાવી
બસપાના જિલ્લા પ્રભારી સંજય રવિ, ગુરુ સત્યાનંદ મહારાજ, નરેશ ગૌતમ, બ્રહ્મસિંહ નરખારિયાએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જો આ પ્રકારની ઘટનાઓ બંધ નહીં થાય તો રસ્તા પર ઉતરી આંદોલન કરવામાં આવશે. બનાવ અંગે રવિદાસ મંદિરના સેવાદાસ ગુરૂ લોકદાસ મહારાજે ભોપા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તેમની સાથે મોટી સંખ્યામાં આંબેડકરવાદીઓ પણ જોડાયા હતા.
બહુજન સમાજે કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું
ડો.આંબેડકરની પ્રતિમા તોડી પાડવાના વિરોધમાં દલિત સમાજના લોકોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કરીને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંયુક્ત બહુજન સંઘર્ષ સમિતિના અધિકારીઓએ ડીએમ ઓફિસ પહોંચીને ડીએમ અને એસએસપીને આવેદનપત્ર પાઠવી
ડૉ.આંબેડકરની પ્રતિમા તોડી પાડવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ સમિતિએ ચેતવણી આપી હતી કે જો પ્રતિમાની તોડફોડ કરનારા લોકોની ધરપકડ કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. સમિતિના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લોકો જિલ્લાનું વાતાવરણ બગાડવા માંગે છે, આવા તત્વોને પકડીને પાઠ ભણાવવો જરૂરી છે.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં ગણપતિ યાત્રામાં ડાન્સ કરતા બાળકો પર DJનો ટેમ્પો ફરી વળ્યો
*ભારતને ચારેય દિશાઓથી સુરક્ષિત રાખવું હશે તો જાતિવાદના મૂળિયાં ખતમ કરવા પડશે, એમાં કોઈ સંદેહ રહેતો નથી. કોઈ એક સમાજ ભારતનો માલિક બની શકે નહીં! કે મનુવાદી સત્તાના જોરે નોકરીઓ મેળવી શકે નહિ! જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન!