અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ એકસાથે ફિનાઈલ પી લીધી

અમરેલી એસટી ડેપોના ત્રણ દલિતકર્મીઓએ ડેપો મેનેજર સહિતના લોકોની સતત હેરાનગતિથી કંટાળીને આખરે ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે.
amreli three dalit attempt to suicide

ગુજરાતમાં જાતિવાદનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં સમયાંતરે દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. અગાઉ અહીં એક દલિત યુવકની માત્ર બેટા કહેવા બદલ જાતિવાદી તત્વોએ હત્યા કરી નાખી હતી. આ ઘટના લોકો હજુ ભૂલ્યા પણ નથી ત્યાં અમરેલી એસટી ડેપોના ત્રણ દલિત કર્મચારીઓએ ગઈકાલે જાતિવાદી તત્વોની હેરાનગતિથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમરેલી એસટી ડેપોના મેનેજર સહિતના લોકો દ્વારા આ ત્રણેય દલિતકર્મીઓને સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ ત્રણ પૈકી બે ડ્રાઈવર અને એક કંડકટરની એસટીની સેન્ટ્રલ ઓફિસમાંથી બીજા ડિવિઝનમાં બદલી કરી નાખી, દલિત સમાજ સાથે રાગદ્વેષ રખાતો હોવાના આક્ષેપ સાથે ત્રણેય કર્મચારીએ આજે ફીનાઈલ પી લેતા તેમને સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્રણેય કર્મચારીઓએ એકસાથે ફિનાઈલ પીધી

અમરેલી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.40), કંડકટર તરીકે ફરજ બજાવતા મનિષભાઈ કાંતિભાઈ વાળા (ઉ.વ.38) તથા ડ્રાઈવર પરેશભાઈ મનુભાઈ ચૌહાણ (ઉ.વ.33)એમ ત્રણેય કાયમી કર્મચારીએ ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. આ ત્રણેય કર્મચારીએ આજે બપોરે ચિતલ રોડ પર એરપોર્ટની દિવાલ પાસે બગીચામાં બેસી એક સાથે ફિનાઈલ પી લીધી હતી.

આ પણ વાંચોઃ અમરેલીના દલિત યુવકના હત્યારાને આજીવન કેદની સજા કરાઈ

હકની માગ કરી તો બદલી કરી દેવામાં આવી?

મળતી માહિતી મુજબ, આ ત્રણેય કર્મચારીઓની તાજેતરમાં સેન્ટ્રલ ઓફિસ દ્વારા નડીયાદ, જૂનાગઢ અને રાજકોટ ડિવિઝનમાં બદલી કરવામાં આવી હતી. આ બદલી વહિવટી કારણોસર કરાયાનું એસટી વિભાગે જણાવ્યું હતું. પરંતુ ત્રણેય કર્મચારીના મતે, તેઓ બે માસ પહેલા કર્મચારીઓને થતા અન્યાય બાબતે થયેલા આંદોલનમાં જોડાયા હોવાથી તેમના પ્રત્યે દાઝ રાખી આ બદલી કરવામાં આવી હતી. આ ત્રણેય કર્મચારીઓ તે સમયે અન્ય સામાજિક કાર્યકરો સાથે કર્મચારીઓને થતા અન્યાય અંગે રજૂઆત કરવા ડીસી સમક્ષ ગયા હતા. એ પછી અચાનક તેમની બદલી કરી નાખવામાં આવી હતી. આ ઘટનાના એસટી કર્મચારી વતુર્ળમાં ઘેરા પડઘા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એસટી સત્તાવાળાઓ સામે બે માસ પહેલા આંદોલનમાં અનેક કર્મચારી જોડાયા હતા. જે પૈકી 5 કર્મચારીને અન્ય ડિવિઝનમાં મુકી દેવાયા છે. જે તમામ દલિત સમાજમાંથી આવે છે. જે પૈકી ત્રણે આજે ફીનાઈલ પી લીધી હતી.

આ પણ વાંચોઃ અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?

એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ ઉઠી

અમરેલીના ચિત્તલ ગામના સામાજિક કાર્યકર નરેશભાઈ વાળાએ આ મામલે જણાવ્યું હતું કે, ત્રણેય એસટી કર્મચારીઓ સાથે તેમની જાતિને ધ્યાનમાં રાખીને રાગદ્વેષથી બદલી કરવામાં આવી છે. આ કર્મચારીઓ એસટી વિભાગની પડતર માગણીઓને લઈને થયેલા આંદોલનમાં જોડાયા હતા, જેની દાઝ રાખીને તેમની બદલી કરવામાં આવી છે. ત્રણેય કર્મચારી સારવારમાંથી સાજા થઈ ગયા બાદ તેમને લઈને કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરીશું. નરેશભાઈ વાળાએ માંગણી કરી હતી કે આ કર્મચારીઓને ઝેર પીવા મજબુર કરનાર એસટીના વિભાગીય નિયામક અમરેલી ડેપો મેનેજર, ડીડીઓ ઉપરાંત સેન્ટ્રલ ઓફિસના જવાબદારો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.

દલિત કર્મચારીઓને હેરાન કરવા બદલી કરાઈ?

ઉલ્લેખનીય છે કે, એસટી વિભાગમાં હંગામી કર્મચારીઓની ભરતી દરમિયાન પ્રથમ રાઉન્ડમાં ઈન્ટરવ્યુમાં જે ઉમેદવારો પાસ થઈ ગયા હતા તેમને કામ પર લેવાના બદલે બીજા રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપી કામે લેવાયા હતા. જેની સામે નરેશ વાળાએ કલેકટર કચેરી સામે ઉપવાસ કર્યા હતા અને કર્મચારીઓને લઈ ડીસી સુધી ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટનાનો બદલો લેવા માટે આ ત્રણેય દલિત કર્મચારીઓને હેરાન કરવા બદલી કરાઈ હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમરેલીના દલિત યુવકના હત્યારાને આજીવન કેદની સજા કરાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x