Kunbi caste and their history: મહારાષ્ટ્રના મરાઠા અનામત આંદોલનના કેન્દ્રમાં ત્યાંના કુણબી(Kunbi) સમાજનું નામ વારંવાર આવી રહ્યું છે. મરાઠાઓ(maratha) માંગ કરી રહ્યા છે કે તેમને કુણબીમાં સમાવવામાં આવે અને ઓબીસી અનામત(OBC Reservation)નો લાભ આપવામાં આવે. મનોજ જરંગે(manoj jarange)ના નેતૃત્વમાં મરાઠા કાર્યકરો માંગ કરી રહ્યા હતા કે તેમને કુણબી જાતિમાં સમાવવામાં આવે. આનાથી તેઓ સરકારી નોકરીઓમાં ઓબીસી અનામતનો લાભ મેળવી શકશે. કુણબી સમાજને OBC કેટેગરીમાં 19 ટકા અનામત મળે છે. મરાઠાઓનું કહેવું છે કે 1948માં હૈદરાબાદના નિઝામનું શાસન ખતમ થયું ત્યાં સુધી તેઓ કુણબીઓમાં ગણાતા હતા. આવી સ્થિતિમાં તેમને આ કેટેગરી મુજબ અનામત પણ મળવી જોઈએ. મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મહાગઠબંધન સરકારે મનોજ જરંગેની માંગણી સ્વીકારીને હૈદરાબાદ ગેઝેટ બહાર પાડ્યું છે.
પરંતુ કુણબી લોકો આ સાથે સહમત નથી. તેઓ સ્પષ્ટપણે કહે છે – ‘અમે અલગ છીએ. મરાઠાઓ શક્તિશાળી છે. સત્તા અને વહીવટમાં તેમનો દબદબો છે. તેઓ ઓબીસી કેવી રીતે હોઈ શકે?’ મરાઠાઓની કુણબી બનવાની આકાંક્ષા ‘ઇતિહાસના શિર્ષાસન’નું સૌથી સચોટ ઉદાહરણ છે. કેવી રીતે? તે અહીં આપણે જાણીશું, પરંતુ પહેલા આપણે સમજીએ કે મરાઠા કોણ છે અને કુણબી કોણ છે.
કુણબી કોણ છે અને મરાઠા કોણ છે?
જો સરળ રીતે સમજીએ તો, મરાઠી ભાષા બોલતી દરેક વ્યક્તિને ‘મરાઠા’ કહી શકાય. ઇતિહાસના પુસ્તકો આપણને આ જ કહે છે. ઈ.સ. 1340માંભારત આવેલા આરબ પ્રવાસી ઇબ્નેબતુતાએ પોતાના પુસ્તકમાં ભારતીયોની ઓળખ આપતા દૌલતાબાદની આસપાસ રહેતા લોકોને ‘મરાઠા’ કહ્યા હતા. શરૂઆતમાં ‘મરાઠા’ કોઈ જાતિસૂચક શબ્દ પણ નહોતો. તે એક પ્રાદેશિક ઓળખ હતી, જેમાં ખેડૂતો, કારીગરો, પૂજારીઓ, સૈનિકો દરેકનો સમાવેશ થતો હતો. પરંતુ ધીમે ધીમે મરાઠાનો અર્થ બદલાઈ ગયો. તે લડવૈયાઓ અને પ્રભાવશાળી વર્ગના લોકો માટેનું એક સંબોધન બની ગયું. જેમ જેમ પોતાને મરાઠા કહેતા લોકોએ ‘ક્ષત્રિય’ ને પોતાની ઓળખમાં પ્રભુત્વ આપ્યું, તેમ તેમ બીજી પેટાજાતિનો ઉદય થયો, જે ‘કુણબી’ તરીકે ઓળખાઈ.
ઈતિહાસકારો શું કહે છે?
લેખક અને ઇતિહાસકાર સંજય સોનાવણે, કુણબી અને મરાઠા વચ્ચે તફાવત દર્શાવતા કહે છે કે મરાઠાઓ જમીનદાર હતા. તેમની પોતાની જમીન હતી, જેની તેઓ માલિકી ધરાવતા હતા. સત્તામાં ગમે તે હોય, મરાઠાઓ હંમેશા સત્તા પ્રત્યે વફાદાર રહેતા હતા. તેમાના કેટલાક એવા હતા જેમની પાસે જમીન કે ખેતરો નહોતા. તેઓ બીજાની જમીન ‘ભાગીયા’ તરીકે ખેડવા રાખતા હતા. એટલે કે, તેઓ બીજાની જમીન પર ખેતી કરતા હતા અને પાક તૈયાર થયા પછી 25 કે 40 ટકા અથવા નક્કી થયેલો ભાગ જમીનના માલિકને આપતા હતા. આ લોકો કુણબી છે.
આ પણ વાંચો: Kanshi Ram એ કેમ કદી અનામત બેઠક પરથી ચૂંટણી ન લડી?
સંજય સોનાવણે સમજાવે છે, ‘કુણ’ નો અર્થ ‘લોકો’ થાય છે. અને ‘બી’ નો અર્થ ‘બીજ’ થાય છે. એટલે કે, જે લોકો એક બીજમાંથી બીજા ઘણાં બીજ ઉત્પન્ન કરે છે તેમને ‘કુણબી’ કહેવામાં આવે છે. મરાઠી અને સંસ્કૃતમાં પણ, આ શબ્દ ફક્ત ખેતીવાડી કરતા લોકો માટે વપરાય છે.
સંજય સોનાવણે મરાઠાઓ વિશે કહે છે કે, મરાઠાઓનો સમાજ વટંદરી પર આધારિત હતો. તેમને ઇનામ તરીકે જમીન મળતી હતી, અને આ જમીનો ખૂબ મોટી હતી. ક્યારેક, આખા ગામને વટંદરીમાં સમાવવામાં આવતું હતું. પણ આટલી મોટી જમીન પર ખેતી કોણ કરશે? તેમાંથી પછી ‘ભાગીયા’ તરીકે ખેતી કરતા લોકો આવ્યા, જે કુણબી હતા.
સોનાવણેના મતે, મરાઠા અને કુણબી સ્પષ્ટપણે અલગ છે અને બંનેમાં જરાય સરખામણી થઈ શકે તેમ નથી. જાતિમાં કે સમાજમાં પણ નહીં, કારણ કે મરાઠા ખેડૂત નથી. મરાઠાઓ પાસે મોટી જમીનો હતી પરંતુ જમીનદારી નબળી પડવા લાગી કારણ કે તે પેઢી દર પેઢી તેમના વંશજોમાં વહેંચાયેલી હતી. સોનાવણે કહે છે કે આજના મરાઠા પહેલા કરતા ગરીબ છે અને તેથી તેઓ OBC માં જોડાઈને અનામત ઇચ્છે છે.
‘ધ હિન્દુ’ ના એક અહેવાલમાં, ઇતિહાસકાર રોઝાલિંડ ઓ હેનલોન જણાવે છે કે ‘મરાઠા’ શબ્દનો ઉપયોગ પહેલા વ્યાપકપણે થતો હતો. બધા મરાઠી ભાષી લોકોને ‘મરાઠા’ કહેવામાં આવતા હતા. છત્રપતિ શિવાજી મહારાજ અને પછી પેશ્વાના સમય સુધી એટલે કે ઈ.સ. 1818 સુધી આ શબ્દ જાતિ આધારિત નહોતો. પરંતુ ધીમે ધીમે ‘મરાઠા’ કહેવાતા ખેડૂત સમાજની અંદર કેટલાક પરિવારો પોતાને ‘ખાસ મરાઠા’ જણાવવા લાગ્યા અને ક્ષત્રિય દરજ્જાની માંગણી કરવાનું શરૂ કર્યું. બીજી બાજુ, કુણબી લોકોએ તેમનો સામાજિક દરજ્જો બદલવામાં કોઈ રસ દાખવ્યો નહીં અને તેઓ જેમના તેમ રહ્યા.
હેનલોનના મતે, યોદ્ધા મરાઠા અને ખેતી કરતા કુણબીઓનું મૂળ એક જ છે. ઈ.સ. 1400 થી 1600 વચ્ચે બહમાની સલ્તનત અને બાદમાં તેના પાંચ નાના રજવાડાઓને લશ્કરી સેવાઓ પૂરી પાડતા સરદારો માટે ‘મરાઠા’ શબ્દનો ઉપયોગ થતો હતો. આમાં ભોંસલે મરાઠા પરિવારનો પણ સમાવેશ થતો હતો, જેમની રહેણીકરણી સામાન્ય કુણબીઓથી અલગ થઈ ગઈ, કારણ કે તેઓ સત્તાધારીઓના દરબારો સાથે સંકળાયેલા હતા. આ લોકોની ઈચ્છા સમાજમાં ઉંચો દરજ્જો મેળવવાની હતી, ખાસ કરીને ક્ષત્રિયનો દરજ્જાની.
1828માં જેમ્સ ડફે ‘મરાઠાઓનો ઇતિહાસ’ નામનું પુસ્તક લખ્યું. તેનો મરાઠીમાં પણ અનુવાદ થયો. આનાથી મરાઠા શબ્દ વધુ ફેલાયો અને 1860-70 ના દાયકામાં, ઘણા કુણબી પરિવારોએ પણ પોતાને મરાઠા કહેવાનું શરૂ કર્યું. જેના લીધે બન્યું એવું કે જે પણ કુણબી પરિવાર થોડો સમૃદ્ધ બન્યો, તેની રહેણીકરણી બદલાઈ જતી અને તે પોતાને ‘મરાઠા’ કહેવાનું પસંદ કરતો. પછી એક કહેવત ખૂબ પ્રખ્યાત થઈ કે ‘કુણબી મજલા, મરાઠા ઝાલા’. એટલે કે જ્યારે કુણબી પ્રગતિ કરે છે, ત્યારે તે મરાઠા બની જાય છે.
OBC માં જવાની માંગ કેમ જોર પકડી રહી છે?
પરંતુ હવે આ પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો છે. ઇતિહાસનો આ એક વિચિત્ર ખેલ છે કે હવે કુણબીઓ મરાઠા બનવા માંગતા નથી, પણ મરાઠાઓ કુણબી બનવા માંગે છે. સંજય સોનાવણેના મતે, મંડલ કમિશન સમયે, મરાઠાઓ પણ ઓબીસી અનામતનો વિરોધ કરનારાઓમાં સામેલ હતા. પરંતુ પછીથી જ્યારે તેમણે અનામતના ફાયદા જોયા, ત્યારે તેમનો અભિપ્રાય બદલાવા લાગ્યો અને ધીમે ધીમે અનામત માટેની તેમની માંગ વેગ પકડવા લાગી.
આ પણ વાંચો: કોંગ્રેસે ફરી દલિતોની પીઠમાં ઘા કર્યો, કર્ણાટકમાં SC અનામતમાં ભાગલા પાડ્યાં
વર્ષ 2017-18 માં, દેવેન્દ્ર ફડણવીસની તત્કાલીન સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની (SEBC) શ્રેણી હેઠળ મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં 12 અને 13 ટકા ક્વોટા આપ્યો હતો, પરંતુ મે 2021 માં, સુપ્રીમ કોર્ટે અનામત પર 50 ટકાની મર્યાદાનો હવાલો આપીને આ નિર્ણયને ફગાવી દીધો હતો.
ત્યારબાદ ઓગસ્ટ 2023 માં, જાલનાના સામાજિક કાર્યકર મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે એક મોટું આંદોલન કર્યું હતું. તેઓ તેમની આ માંગણીને લઈને હાલ ફરીથી સમાચારમાં છે. તાજેતરમાં, તેમણે ફરીથી મુંબઈના આઝાદ મેદાનમાં અનામત માટેનું આંદોલન શરૂ કર્યું હતું. જોકે, સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકાર્યા પછી તેમણે આંદોલન સમેટી લીધું છે.
કુણબી કોને કહેવાય છે?
બ્રિટિશ અમલદાર આર.ઈ. એન્થોવેને ‘ટ્રાઇબ્સ એન્ડ કાસ્ટ્સ ઓફ બોમ્બે’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે જણાવ્યું છે કે ‘કુણબી’ એ જાતિ નથી પણ એક સામાજિક દરજ્જો છે. ઘણી જગ્યાએ, મરાઠા અને કુણબી શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે, પરંતુ કોંકણના કુણબીઓ ન તો પોતાને મરાઠા માને છે કે ન ક્ષત્રિય માને છે. આ જ કારણ છે કે આજે કોંકણના મરાઠાઓ મનોજ જરાંગેની અનામતની માંગનો વિરોધ કરી રહ્યા છે. તેમને ડર છે કે જો મરાઠાઓને OBC કુણબી ગણવામાં આવશે, તો તેમનો દરજ્જો ઘટી જશે.
સામાન્ય રીતે, ધોનોજે, ઘટોલે, હિંદ્રે, જાદવ, ઝારે, ખૈરે, લેવા, તિરોલે, માના, ગુજ જેવી જાતિઓને કુણબીઓમાં ગણવામાં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત, કુણબી લોકો ગુજરાતમાં પણ રહે છે. તેમને અહીં ‘કણબી’ કહે છે. અહીં, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં તેમની વસ્તી નોંધપાત્ર છે.
આ પણ વાંચો: SC-ST અનામતને ‘આવકના આધારે’ કરવાનો તખ્તો તૈયાર?