ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં આજથી પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષની એક દલિત બાળકી પર બળાત્કાર ગુજારી તેની નિર્દયતાથી હત્યા કરી નાખનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ જંગલમાં લાકડા વીણતી પાંચ વર્ષની નિર્દોષ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવીને હત્યા કરી નાખી હતી. POCSO કોર્ટના જજે આરોપીને ફાંસીની સજાની સાથે 3.20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી તેની ધરપકડ થઈ ત્યારથી જેલમાં છે.
ઉત્તરપ્રદેશના વૃંદાવનની ઘટના
વૃંદાવનના એક ગામમાં રહેતા દલિત પરિવારની પાંચ વર્ષની બાળકી 26 નવેમ્બર 2020 ના રોજ સાંજે ચાર વાગ્યે લાકડા લેવા માટે નજીકના જંગલ વિસ્તારમાં ગઈ હતી. મોડી રાત સુધી બાળકી ઘરે પાછી ન ફરતાં પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાળકીના પિતાએ વૃંદાવન પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છોકરીની શોધ શરૂ કરી ત્યારે 27 નવેમ્બરના રોજ નજીકના જંગલમાં એક નાળા પાસે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ હતી કે બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. એ પછી, પોલીસે બાળકીના હત્યારાને શોધવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજમાં ઘૂસીને ગોળી મારી દીધી?
પોક્સો કોર્ટનો નરાધમ વિરુદ્ધ મજબૂત ચૂકાદો
વૃંદાવન કોતવાલી પોલીસે 28 નવેમ્બર, 2020 ના રોજ આ કેસમાં મહેશ સિંહ ઉર્ફે મસુઆની ગામ તરૌલીની ધરપકડ કરી હતી. પોલીસે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ADJ II એડિશનલ સ્પેશિયલ જજ POCSO એક્ટ બ્રજેશ કુમારની કોર્ટમાં ચાલી રહ્યો હતો. ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે કોર્ટે મહેશ ઉર્ફે મસુઆને દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાનો દોષી ઠેરવ્યો છે અને તેને ફાંસીની સજા અને 3.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આરોપી જંગલમાં રહેતો હતો
ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે પોલીસને બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાના પુરાવા જંગલમાં લાકડા વીણતી મહિલાઓ પાસેથી મળ્યા હતા. મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી મહેશ જંગલની વચ્ચે બનેલી એક કોટડીમાં રહે છે. તે જંગલમાં જતી મહિલાઓની સામે નગ્ન થઈ જાય છે. તેના આધારે, પોલીસે મહેશને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ કરીતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
બાળકીના પિતાનું આઘાતમાં જ મોત થઈ ગયું
બાળકી પર બળાત્કાર અને હત્યા થયા પછી તેના પિતાને ભારે આઘાત લાગ્યો હતો. તેમની તબિયત બગડવા લાગી હતી. કેસ લડવા માટે સમય ફાળવવાને કારણે તેઓ પરિવાર પર ધ્યાન આપી શકતા નહોતા. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે તેમને યોગ્ય સારવાર મળી શકી નહોતી. બાળકીની હત્યાના થોડા દિવસો પછી તેના પિતાનું મૃત્યુ થયું હતું.
આરોપીના પરિવારે તેની સાથે સંબંધો તોડી નાખ્યા
બળાત્કારી હત્યારા મહેશ સાથે તેના પરિવારે સંબંધ તોડી નાખ્યા હતા. ખાસ સરકારી વકીલ રામપાલ સિંહે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મહેશના એકેય સંબંધી કોર્ટમાં આવ્યા ન હતા. સુનાવણી દરમિયાન માત્ર તેના વકીલ કોર્ટમાં દલીલ કરવા માટે હાજર રહેતા હતા.
આરોપીના ચહેરા પર પશ્ચાતાપનો ભાવ ન દેખાયો
મહેશ, જેણે બાળકી પર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરી હતી, તેને તેના ગુના માટે કોઈ પસ્તાવો નહોતો. એડીજીસી સુભાષ ચતુર્વેદીએ કહ્યું કે કોર્ટના નિર્ણય પછી મહેશના ચહેરા પર પશ્ચાતાપનો કોઈ ભાવ નહોતો. જ્યારે કોન્સ્ટેબલ તેને જેલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે તે તેમની સાથે હસતાં હસતાં વાત કરી રહ્યો હતો અને હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કરી રહ્યો હતો.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકોને ઢોર માર મારી ‘જયશ્રી રામ’ બોલવા મજબૂર કર્યા?