મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘૂનડા ગામમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. અહીં એક દલિત ખેતમજૂર પર વાડીના માલિક સહિત ચાર શખ્સોએ લાકડીથી હુમલો કરી, માર માર્યો હતો અને જાતિવાચક અપશબ્દો કહીને અપમાન કર્યું હતું. પોલીસે દલિત ખેતમજૂરની ફરિયાદના આધારે વાડી માલિક સહિત ચાર શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબીના ટંકારા તાલુકાના ઘૂનડા ગામની ઘટના
આ ઘટનાની મળતી માહિતી મુજબ ટંકારાના ઘૂનડા ગામે મડિયાભાઈ પ્રતાપભાઈ મખોડ (29) અને તેમના મોટાભાઈ સરદારભાઈએ ગામના જ હરેશભાઈ પટેલની વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી. જો કે, ખેતર માલિક હરેશભાઈ ખેતરના કામ ઉપરાંત વારંવાર સરદારભાઈને તેમની ગૌશાળાનું કામ કરવા માટે લઈ જતા હતા. સરદારભાઈએ ગૌશાળાનું કામ કરવાની ના પાડતા હરેશભાઈએ તેમને સામાન લઈને ઘરે જતા રહેવા કહ્યું હતું.
આ પણ વાંચો: દલિત રિક્ષાચાલકે સાઈડ ન આપતા રસ્તો રોકી હત્યા કરી દેવાઈ
ચાર શખ્સોએ જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો
ત્યારબાદ સરદારભાઈએ વાડીની ઉપજમાં પોતાનો ભાગ માંગ્યો હતો, જે વાડી માલિક હરેશભાઈ પટેલને ગમ્યું નહોતું. આ બાબતનું મનદુઃખ રાખીને વાડી માલિક હરેશભાઈ જગાભાઈ પટેલ, જગાભાઈ જસમતભાઈ પટેલ અને બે અજાણ્યા શખ્સોએ મડિયાભાઈ અને તેમના ભાઈ સરદારભાઈને જાતિસૂચક અપશબ્દો કહીને લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દાહોદના વતની મડિયાભાઈ ટંકારામાં મજૂરી અર્થે આવ્યા છે
આ મામલે દલિત સમાજમાંથી આવતા મડિયાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, મડિયાભાઈ મૂળ દાહોદ જિલ્લાના વતની છે અને હાલમાં ટંકારાના ઘૂનડા ગામે અરવિંદભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરે છે. મડિયાભાઈની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: આદિવાસી દંપતી કમાવા શહેર ગયું, જાતિવાદીઓએ ઘર-જમીન વેચી મારી