એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ

એક દલિત રેલવે મંત્રીના આઈડિયા પર 56 વર્ષ પહેલા દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ હતી. કોણ હતા એ મંત્રી અને કેવી રીતે દેશમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનો શરૂ થઈ તેનો રસપ્રદ ઈતિહાસ.
Rajdhani Express train

આજે દેશના લગભગ દરેક રાજ્યના મુખ્ય શહેરમાંથી દેશની રાજધાની દિલ્હીને જોડતી રાજધાની એક્સપ્રેસ(Rajdhani Express) ટ્રેન દોડી રહી છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, રાજધાની એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો આઈડિયા કોનો હતો? ચાલો જાણીએ.

૫૬ વર્ષ પહેલાં, બિહારના એક દલિત નેતાએ દેશમાં રાજધાની એક્સપ્રેસ ચલાવવાનો આઈડિયા આપ્યો હતો. ૧૯૬૯માં દિલ્હીથી હાવડા સુધી પહેલી રાજધાની એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી. ત્યારથી દિલ્હીથી ઘણા રાજ્યોની રાજધાનીઓ સુધી આવી ૨૬ ટ્રેનો દોડી રહી છે. આ ટ્રેનો આરામદાયક અને ઝડપી પણ છે. આ ટ્રેનોને હજુ પણ ભારતમાં શ્રેષ્ઠ ટ્રેનો માનવામાં આવે છે. હાલમાં પણ  લગભગ ૬ વર્ષ પછી દિલ્હીથી ઐઝોલ સુધી રાજધાની એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. શું તમે જાણો છો કે એ કોણ નેતા હતા, જેમનું નામ રાજધાની એક્સપ્રેસ સાથે કાયમ માટે જોડાઈ ગયું છે? આજે ભલે કોઈને તેમનું નામ યાદ ન હોય, પરંતુ એક સમયે તેઓ બિહારના જાણીતા નેતા હતા.

રાજધાની એક્સપ્રેસનો ક્રાંતિકારી આઈડિયા

તેમનું નામ રામ સુભાગ સિંહ(Ram Subhag Singh) હતું. તેઓ દલિત સમાજમાંથી આવતા હતા. વર્ષ ૧૯૬૯માં, રેલવે મંત્રી તરીકે તેમને દેશની રાજધાનીને બંગાળની રાજધાની સાથે જોડતી ટ્રેન ચલાવવાનો વિચાર આવ્યો. તેથી તે ટ્રેનનું નામ રાજધાની એક્સપ્રેસ રાખવામાં આવ્યું. ત્યારબાદ દેશના અન્ય રાજ્યોની રાજધાનીઓ પણ રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી સાથે જોડાઈ ગઈ. સપ્ટેમ્બર 2025 ના આંકડા મુજબ, ભારતમાં કુલ 26 રાજધાની એક્સપ્રેસ ટ્રેનો દોડી રહી છે.

Rajdhani Express train

રામ સુભાગ સિંહ(Ram Subhag Singh) બિહારના સાંસદ હતા. તેમણે આ રાજ્યના અનેક મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાસ કરીને અહીંની સાસારામ, બિક્રમગંજ અને બક્સર બેઠક પર તેમનો દબદબો હતો. તેઓ તેમના સમયના દિગ્ગજ નેતાઓમાંના એક ગણાતા હતા. તેમણે વિદેશની મિસૌરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

પત્રકારત્વમાં પીએચડી કરવા અમેરિકા ગયા

તેઓ સુભાગ સિંહ તરીકે પણ જાણીતા હતા અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો. 1942ના ભારત છોડો આંદોલનમાં તેમણે ગાંધીજી સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ નેહરુના નજીકના સાથી હતા. તેમનો જન્મ જુલાઈ 1917માં બિહારના ભોજપુર જિલ્લામાં થયો હતો. પત્રકારત્વમાં પીએચડી મેળવવા માટે તેઓ એ જમાનામાં અમેરિકાના મિસૌરી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો: ધ્રોલના MLAના પુત્રે પીએમ આવાસ યોજનાનો લાભ લઈ ઘર બનાવ્યું

1952માં તેઓ બિહારના સાસારામ મતવિસ્તારમાંથી પ્રથમ લોકસભા માટે ચૂંટાયા હતા અને ચાર વખત લોકસભાના સભ્ય રહ્યા (૧૯૫૨, ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૧). ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૯ થી ૪ નવેમ્બર ૧૯૬૯ સુધી તેઓ ઇન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય રેલવે મંત્રી હતા.

Rajdhani Express train

કટોકટીમાં ઈન્દિરા કોંગ્રેસ જોડી સંસ્થા કોંગ્રેસમાં જોડાયા

બિહારના રાજકારણમાં તેઓ દલિત નેતા તરીકે જાણીતા હતા. જોકે, જ્યારે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસનું વિભાજન કર્યું, ત્યારે તેઓ તેમના હરીફ કોંગ્રેસ (ઓ)માં રહ્યા. તેઓ ક્યારેય ઇન્દિરા ગાંધીની કોંગ્રેસમાં જોડાયા નહીં.આગળ જતા તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા. એટલું જ નહીં, તેમણે કટોકટી પછી જનતા પાર્ટીની રચનામાં પણ ખાસ ભૂમિકા ભજવી. ૧૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ દિલ્હીમાં ૬૪ વર્ષની વયે તેમનું અવસાન થયું.

૧૩૦ કિમીની ઝડપે દોડનારી પહેલી ટ્રેન

જ્યારે તત્કાલીન રેલવે મંત્રી રામ સુભાગ સિંહે ૧ માર્ચ ૧૯૬૯ ના રોજ પહેલી વાર રાજધાની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી, ત્યારે તેઓ ઇચ્છતા હતા કે ભારતમાં એક હાઇ-સ્પીડ, સંપૂર્ણ વાતાનુકૂલિત, આરામદાયક અને ઝડપી ટ્રેન સેવા હોય, જે દેશની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને રાજ્યોના વિવિધ રાજધાની શહેરો સાથે જોડે. તેનો હેતુ મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને ઝડપી મુસાફરી પુરી પાડવાનો હતો. તે સમયે આ ટ્રેનની ગતિ લગભગ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક હતી.

Rajdhani Express train

ઈન્દિરા ગાંધીએ ટ્રેનનું સ્વાગત કર્યું

પહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેન ૧૪૫૧ કિમીનું અંતર ૧૭ કલાક અને ૨૦ મિનિટમાં કાપતી હતી. આજે પણ તેનો સમય લગભગ એટલો જ છે. આ ટ્રેનને આ ગતિએ ચલાવવી એ તે સમયે ખૂબ જ ક્રાંતિકારી પગલું મનાતું હતું, કારણ કે તે સમયે ભારતમાં ટ્રેનો ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હતી. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ટ્રેનનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે વાત કર્યા પછી, ફેબ્રુઆરી ૧૯૬૯ ના રેલવે બજેટમાં આ ખાસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી. પછી તેને સુપરફાસ્ટ ટ્રેન કહેવામાં આવી.

Rajdhani Express train

દિલ્હી સ્ટેશન ખીચોખીચ ભરેલું હતું

હાવડા-દિલ્હી રૂટ પર પહેલી રાજધાની ટ્રેન ફક્ત એટલા માટે દોડાવવામાં આવી હતી કારણ કે તે ટેકનિકલ રીતે અદ્યતન હતી. તે સમયે દિલ્હી-હાવડા વચ્ચેની સૌથી ઝડપી ટ્રેનો પણ ૨૦ કલાકથી વધુ સમય લેતી હતી. તે ૯ કોચની ટ્રેન હતી, જેમાં ૨ પાવર કાર, ૫ એસી ચેર કાર, ૧ એસી ડાઇનિંગ કાર અને ૧ એસી ફર્સ્ટ ક્લાસ કોચનો સમાવેશ થતો હતો. તે સમયે તેની ટિકિટ માટે ઘણી હરિફાઈ રહેતી હતી.

આ પણ વાંચો: ‘દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ’, મેયરપુત્રે સરકારની પોલ ખોલી

એક દલિત નેતાના આઈડિયાએ કમાલ કર્યો

જ્યારે ટ્રેન ૧ માર્ચ, ૧૯૬૯ ના રોજ દિલ્હીથી રવાના થઈ ત્યારે સ્ટેશન પર ભારે ભીડ હતી. રાજધાની એક્સપ્રેસને લોકો ‘ચમત્કાર’ કહેતા હતા. ૩ માર્ચે તે જ ટ્રેન ફરી પાછી આવી. એ પછી અપ અને ડાઉન બંને ટ્રેનો શરૂ થઈ. શરૂઆતમાં, ટ્રેનમાં ફક્ત ત્રણ સ્ટોપેજ હતા – કાનપુર, મુગલસરાય (હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન) અને ગોમોહ. તે સમયે ટ્રેનમાં ભોજન ફરજિયાત હતું. ચેર કારનું ભાડું 90 રૂપિયા અને સ્લીપર ટિકિટનું ભાડું 290 હતું. શરૂઆતના દિવસોમાં ટિકિટની ભારે માંગ હતી. આજે પણ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્રીમિયમ રેલવે સર્વિસનું પ્રતીક છે અને તે એક દલિત નેતાના ભેજાની ઉપજ હતી.

આ પણ વાંચો: રેલવે બોર્ડના સીઈઓ પદે પહેલીવાર દલિત અધિકારીની નિમણૂંક

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x