જાતિવાદ એક એવી માનસિક બીમારી છે, જેમાં સપડાયેલો માણસ માણસાઈ ભૂલી જાય છે અને મોતને મલાજો પણ જાળવતો નથી. અત્યાર સુધી આપણે મોટાભાગના કિસ્સાઓમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતોની સ્મશાનયાત્રા રોકી હોવાના કિસ્સાઓ જોયા-સાંભળ્યા છે. પરંતુ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બદરખા ગામે જાતિવાદી તત્વોએ એક આદિવાસીની અંતિમક્રિયા અટકાવી દીધી હતી.
જાતિવાદી ગુંડાઓએ સ્મશાનનો રસ્તો બંધ કરી દીધો
મળતી માહિતી મુજબ, શિવપુરી જિલ્લાના બદરખા ગામમાં શનિવારે સ્થાનિક આદિવાસી સમાજને તેમના એક સભ્યના અંતિમ સંસ્કાર કરવામાં ગંભીર અડચણોનો સામનો કરવો પડ્યો. ગામના સુમ્મેર આદિવાસીના નિધન પછી, મુક્તિધામ (શ્મશાન) સુધી પહોંચવાનો રસ્તો સ્થાનિક માથાભારે તત્વોએ બંધ કરી દીધો હતો.(સવર્ણ મીડિયાએ દર વખતની જેમ આ કેસમાં પણ આરોપીઓની જાતિ-નામ બંને છુપાવ્યા હોવાથી આરોપીઓ કોણ હતા તે બહાર આવી શક્યું નથી.) એક રસ્તો તળાવના પાણીથી ભરાયેલો હતો, જ્યારે બીજો રસ્તો માથાભારે તત્વોએ બંને બાજુથી વાડ કરીને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. જેના કારણે આદિવાસી સમાજ મૃતકના મૃતદેહને અંતિમક્રિયા માટે સ્મશાન સુધી લઈ જઈ શક્યો નહોતો. જાતિવાદી ગુંડાઓએ રસ્તો બંધ કરી દેતા રોષે ભરાયેલા આદિવાસી સમાજે મૃકરના શબને રસ્તા વચ્ચે મૂકીને ધરણા-પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
સરપંચ, તલાટીએ રસ્તો ખોલાવ્યો
આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક પંચાયત સચિવ અનૂપ ગુપ્તા અને સરપંચ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જાતિવાદી ગુંડાઓ સાથે ચર્ચા કરી અને રસ્તો તરત ખોલવાનો આદેશ આપ્યો હતો. એ પછી મૃતકની અંતિમક્રિયા થઈ હતી. આ મામલે ગામના તલાટીએ જણાવ્યું કે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટીડીઓ અને પોલીસ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને રસ્તાને માર્ગ તરીકે વિકસિત કરવાની શક્યતાઓ પણ તપાસવામાં આવશે.
આદિવાસી સમાજે શું કહ્યું?
આદિવાસી સમાજે તંત્રને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ જાતની સમસ્યા ફરી ઉભી ન થાય, તેની ખાતરી કરવી જરૂરી છે. તેમણે માંગ કરી છે કે જાતિવાદી ગુંડાઓની માનસિકતા પર અંકુશ લગાવવો અને સૌને સમાન અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
તંત્ર આદિવાસીઓને ન્યાય અપાવશે?
આ ઘટના ગ્રામીણ ક્ષેત્રોમાં સામાજિક અસમાનતા અને આદિવાસી સમાજના લોકોના મૂળભૂત હક્કો માટેની સંઘર્ષને દર્શાવે છે. આ મામલો ગામડાઓમાં જાતિવાદી ગુંડાઓ અને આદિવાસીઓ વચ્ચેની અસમાનતાને પણ ઉજાગર કરે છે. તંત્ર તરફથી ઝડપી અને સ્થાયી પગલાં ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. આદિવાસીઓને આશા છે કે સરકારી અધિકારીઓ આ મામલાની ગંભીરતા સમજીને જરૂરી કાર્યવાહી કરશે અને તેમને ન્યાય અપાવશે.
આ પણ વાંચો: ટંકારામાં વાડી માલિક સહિત 4 શખ્સોએ દલિત મજૂર પર હુમલો કર્યો











