દેશમાં દલિતો સાથે ગમે ત્યારે નજીવી બાબતમાં હુમલાઓ થવાની ઘટનાઓ દેશમાં સતત વધતી જઈ રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં એક બ્રાહ્મણ શખ્સે વાલ્મિકી યુવક પર સાથે બેસીને દારૂ પીવા બાબતે, “તને મારી સાથે દારૂ પીવાનો અધિકાર નથી, તું નીચલી જાતિનો છે…” કહીને ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ મોટો પથ્થર ઉપાડીને દલિત યુવકના માથામાં મારી દીધો હતો. જેના કારણે દલિત યુવક લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
ગ્વાલિયરની મહાવીર કોલોનીની ઘટના
મામલો પેશાબકાંડ અને આદિવાસી અત્યાચારો માટે કુખ્યાત મધ્યપ્રદેશનો છે. અહીના ગ્વાલિયરમાં જિલ્લામાં એક બ્રાહ્મણ શખ્સે તેના દલિત મિત્રને જાતિસૂચક અપશબ્દો કહીને તેના પર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો અને પછી પથ્થરથી તેનું માથું કચડી નાખ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, અને ઘાયલ દલિત યુવકની સારવાર ચાલી રહી છે. આ ઘટના ગઈકાલે સાંજે ઓલ્ડ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મહાવીર કોલોની પાસે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મહાવીર કોલોનીના રહેવાસી બલવીર વાલ્મીકી અને વિજય શર્મા મિત્રો હતા. રવિવારે બપોરે વિજયે તિઘરા રોડ પર બદનપુરા નજીક બલવીરને દારૂ પીવા માટે આમંત્રણ આપ્યું હતું. બંનેએ સાથે દારૂ પીધો, પરંતુ જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ તેમની વચ્ચે ઉગ્ર ઝઘડો શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત
વાલ્મીકી યુવક પર ચાકૂથી હુમલો કર્યો
મળતી માહિતી મુજબ બ્રાહ્મણ વિજય શર્માએ બલવીર વાલ્મીકીને કથિત રીતે જાતિ આધારિત અપશબ્દો કહેવાનું શરૂ કર્યું હતું. વિજયે બલવીરને કહ્યું, “તું નીચલી જાતિનો છે; તને મારી સાથે દારૂ પીવાનો કોઈ અધિકાર નથી.” જ્યારે બલવીરે આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે વિજય વધુ ગુસ્સે ભરાયો હતો. પોલીસે જણાવ્યું કે, હિંસક ગુસ્સામાં વિજયે છરી કાઢીને બલવીરના ગળામાં ઘા મારી દીધા હતા. જ્યારે બલવીર લોહીથી લથપથ હાલતમાં નીચે પડી ગયો તો, વિજય શર્માએ એક ભારે પથ્થર ઉપાડ્યો અને તેના માથા પર મારી દીધો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો.
બલવીર આખી રાત બેભાન પડ્યો રહ્યો
ચોંકાવનારી વાત એ છે કે, આ ઘટના બાદ બલવીર આખી રાત બેભાન અવસ્થામાં ત્યાં જ પડ્યો રહ્યો હતો. બીજા દિવસે સવારે ત્યાંથી પસાર થતા લોકોનું તેના પર ધ્યાન જતા તેમણે પોલીસને જાણ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ જણાવ્યું કે તેની હાલત હવે સ્થિર છે, જોકે તેને ગળા અને ખોપરીમાં ઊંડા ઘા વાગ્યા છે. બલવીરેના નિવેદનના આધારે, પોલીસે કેસ નોંધ્યો છે અને તરત જ આરોપી વિજય શર્માની શોધખોળ શરૂ કરી દીધી છે. સ્ટેશન ઓફિસર રત્નંબર શુક્લાના નિર્દેશનમાં, ટીમે વિજય શર્માની તેના નિવાસસ્થાન નજીક ધરપકડ કરી લીધી છે.
અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
મધ્યપ્રદેશમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ઓક્ટોબરમાં, ગ્વાલિયરના એક દલિત ડ્રાઇવરે આરોપ લગાવ્યો હતો કે ભિંડ જિલ્લામાં ત્રણ માણસોએ તેનું અપહરણ કરી માર મારી પેશાબ પીવા મજબૂર કર્યો હતો. થોડા દિવસ પહેલા કટનીમાં ગેરકાયદેસર ખાણકામનો વિરોધ કરતા એક દલિત યુવાન પર પેશાબ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો.
દેશમાં જાતિ આધઆરિત હિંસાની ઘટનાઓ વધી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) 2023 ના અહેવાલ મુજબ, દેશભરમાં અનુસૂચિત જાતિઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે, ગયા વર્ષે 57,789 કેસ નોંધાયા હતા, જે 2022 કરતા વધુ છે. એકલા મધ્યપ્રદેશમાં આવા 8,232 કેસ નોંધાયા હતા, જે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પછી જાતિ આધારિત ગુનાઓની દ્રષ્ટિએ ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ










