અમદાવાદના નારણપુરમાં થયેલી દલિત વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીઓની SC-ST Act હેઠળ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપીઓના પરિવારની યુવતીએ મૃતક દલિત વૃદ્ધના પુત્ર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેની દાઝ રાખીને આરોપીઓએ વૃદ્ધ સફાઈકર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
યુવતીએ ઈન્ટરકાસ્ટ મેરેજ કરતા તેના મનદુઃખમાં આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્નના મન દુઃખના કારણે યુવતીના પરિવારજનોએ યુવકના માતાપિતાને ઢોર માર માર્યો હતો. યુવકના પિતા ભાઈલાલ વાઘેલા આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે નારણપુરા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મામલો શું હતો?
નારણપુરા વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં આઉટ સોર્સમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કૈલાશબેન અને ભાઈલાલ વાઘેલાના નાના દીકરા સની વાઘેલાએ આરોપી રાજુ પરમારની નાની દીકરી જ્યોત્સના સાથે ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. દીકરીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા જયોત્સનાના પરિવારજનો નારાજ થઈ ગયા હતા. જે બાદ જ્યોત્સનાને ઘરે પરત આવવા માટે કહ્યું હતું પરંતુ, જ્યોત્સના આવવા માટે તૈયાર નહોતી. જેથી, તેના પરિવારે અવારનવાર ઝઘડો કરીને દીકરીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી જ્યોત્સનાએ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ માંગી હતી છતાં પણ યુવતીના પરિવારજનો દીકરીને પરત આપવા માટે યુવકના પરિવારજનોને પણ દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’
યુવતીના વૃદ્ધ સાસુ-સસરા પર હુમલો કર્યો
તા. 30 ઓક્ટોબર 2025ના રોજ યુવકના માતા-પિતા કૈલાસબેન અને ભાઈલાલ વાઘેલા નોકરી પર આવ્યા હોવાની જાણ જ્યોત્સનાના પરિવારજનોને મળી હતી. જેથી, યુવતીના પિતા રાજુ પરમાર સહિતના પરિવારજનો રિક્ષા લઈને યુવકના માતા-પિતા જ્યાં કામ કરતા હતા ત્યાં પહોંચ્યા હતા. ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન પાસે આવેલા એક પેટ્રોલપંપ પાસે લાકડીઓ વડે સની વાઘેલાના માતા અને પિતાને માર મારવામાં આવ્યો હતો. જે બાદ રાજુ પરમાર સહિતના પરિવારજનો સનીના માતા અને પિતાને બળજબરી પૂર્વક રીક્ષામાં બેસાડીને રાણીપ ડી માર્ટ પાસે ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા. જ્યાં લાકડીઓ વડે આરોપીઓએ ભાઈલાલભાઈ અને તેમની પત્ની કૈલાશબેનને ઢોર માર માર્યો હતો. મારામારીની ઘટનામાં બૂમાબૂમ થતા લોકો એકઠા થઈ હતા. જેથી આરોપીઓ બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં છોડીને ભાગી ગયા હતા. આ હુમલામાં ભાઈલાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ધરપકડ કરી
હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જે બાદ મૃતક ભાઈલાલભાઈ વાઘેલાની પત્ની કૈલાશબેન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી, ફરિયાદના આધારે આરોપીઓ કોણ કોણ છે તેની માહિતી એકત્ર કરી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. નારણપુરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનારા 6 આરોપીઓને ધરપકડ કરી છે. રાજુ પરમાર, મહેશ પરમાર, લીલાબેન પરમાર, કલાવતીબેન સોલંકી, મહેશ રાઠોડ અને પ્રેમ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમજ જ્યોતિ રાઠોડ નામના આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા અને એક એક્ટિવા પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?
પોલીસ અધિકારીઓએ શું કહ્યું?
આ ઘટનાને લઈને ઝોન-1 ACP એચ.એમ. કણસાગરાએ જણાવ્યું હતું કે, હત્યા કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે હત્યાની ઘટનાના પુરાવા એકઠા કરવા માટે FSLની મદદ કરવામાં આવી છે તેમજ FSLને સાથે રાખી પંચનામુ પણ કરવામાં આવ્યુ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને આરોપી વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજુ પરમાર મુખ્ય આરોપી છે. તેની નાની દીકરી જ્યોત્સનબેન સાથે ભાઈલાલભાઈના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ રાખીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. સની વાઘેલાની પૂછપરછ કરવામાં આવતા વધુ વિગતો સામે આવશે. આરોપીઓ મૂર્તિ બનાવવાનું અને રિક્ષા ચલાવવાનું કામ કરે છે.
પ્રેમ લગ્નના કારણે મનદુઃખ થયું હોવાથી માર મારવા માટે આરોપીઓ ગયા હતા. લાકડીઓ વડે વધારે માર મારવામાં આવતા ભાઈલાલભાઈ વાઘેલાનું મોત થયું છે. પોસ્ટમોર્ટમનાં રિપોર્ટના આધારે મોતનું ચોક્કસ કારણ જાણી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: 10 વર્ષમાં SC-ST સામેના ગુનાઓમાં 46 અને 91 ટકાનો વધારો થયો!











Users Today : 818