Kadi-Mehsana: મહેસાણાના કડીમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે ચાર થપ્પડ મારતા તેણે શાળાના બીજા માળેથી કૂદકો મારી દેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકના પરિવારે આ ઘટના માટે શાળાના શિક્ષકોને દોષી ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે શિક્ષકો તેને સતત ત્રાસ આપતા હતા, જેના કારણે તે આ હદ સુધી પહોંચી ગયો. ઘટના કડીની હોલી ફેમિલી સ્કૂલમાં બની હતી.
છોકરાના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું
શાળાના આચાર્ય શૈલજા નાયરે જણાવ્યું હતું કે, “અમને બીજા માળેથી એક વિદ્યાર્થી કૂદી પડ્યો હોવાના સમાચાર મળતાં જ અમે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. છોકરાના જમણા પગમાં ફ્રેક્ચર છે. તેના પરિવારનો આરોપ છે કે તેના વર્ગ શિક્ષકે તેનું હોમવર્ક જમા ના કરાવતા તેને થપ્પડ મારી હતી.”
આ પણ વાંચો: અયોધ્યામાં વિદ્યાર્થી ભૂલ કરશે તો ‘રામ’ લખવાની સજા કરાશે!
ઠંડી હોવા છતાં બાળકને થપ્પડ મારી બહાર બેસાડ્યો!
આ તરફ વિદ્યાર્થીના પિતા જિગ્નેશ રામીએ જણાવ્યું હતું કે, “જ્યારે મારા બાળકે કહ્યું કે તે ઘરેથી તેનું હોમવર્ક લાવવાનું ભૂલી ગયો છે, ત્યારે શિક્ષકે તેને ચાર થપ્પડ મારી અને તેને વર્ગખંડની બહાર કાઢી મૂક્યો હતો. તેને ચોથા લેક્ચર સુધી વર્ગમાં બેસવા દેવામાં આવતો નહોતો. જ્યારે તેણે કહ્યું કે બહાર ઠંડી અતિશય છે, ત્યારે પણ તેને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો હતો.”
આ પણ વાંચો: અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ
શાળા દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા
તેમણે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, “મારા દીકરાએ તેના શિક્ષકો દ્વારા સતત ત્રાસ આપવાને કારણે શાળાની ઇમારત પરથી કૂદકો માર્યો હતો. શાળાએ આવા શિક્ષક પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જો તેઓ કાર્યવાહી નહીં કરે તો હું કાર્યવાહી કરીશ.
ઉલ્લેખનીય છે કે, છોકરાના પરિવારે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે પરંતુ અત્યાર સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી. બીજી તરફ શાળાના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે વિદ્યાર્થીને સજા આપનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. આ શિક્ષકે જ તેને વર્ગખંડની બહાર બેસાડ્યો હતો અને તેનું હોમવર્ક પૂર્ણ કરવા માટે દબાણ કર્યું હતું.
આ પણ વાંચો: બાળકી સ્કૂલે મોડી પડી, શિક્ષકે 100 ઊઠ-બેસ કરાવતા મોત થયું!










