અમદાવાદમાં ગરીબોનું રહેવું તંત્રે હરામ કરી નાખ્યું છે. એએમસીના કર્મચારીઓ પૈસાદારોના દબાણ પર નજર પણ કરી શકતા નથી પરંતુ ગરીબોના ઝૂંપડા પર રાતોરાત બુલડોઝર ફેરવી દે છે. અગાઉ અમદાવાદના ચંડોળા તળાવમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું. હવે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં પણ આવું જ મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે ત્યારે તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈસનપુર તળાવની આસપાસના ગરીબો ક્યાં જશે?
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરમાં આવેલા તળાવો પરના દબાણો દૂર કરવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ છે. ઈસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સવાલ એ થાય કે, આવી કડકડતી ઠંડીમાં ડિમોલિશન હાથ ધરાતા ગરીબો ક્યાં જશે.

આ પણ વાંચો: અમદાવાદમાં પૂના કરાર પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર યોજાઈ
20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી કાર્યવાહી
વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસ કર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
અગાઉ ચંડોળામાં પણ દબાણ દૂર કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 29 એપ્રિલથી શરૂ થયેલી આ કામગીરી પહેલાં આ વિસ્તારમાંથી 800થી વધુ જેટલા શંકાસ્પદ (ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી)ની અટકાયત કરવામાં આવી હતી.બે ફેઝમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરના ઉપયોગથી દબાણ સાફ કરવામાં આવ્યા હતા.
જેમાં ઘરો સિવાય અનેક ગેરકાયદે ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. ફેઝ-1માં 4,000 કાચા-પાકા બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કેવર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. તો 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચા-પાકા બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી

આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ











