Jignesh Mevani exposed the corrupt IAS-IPS: ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ના પ્રથમ તબક્કાનું ગઈકાલે મહેસાણાના બેચરાજીમાં સમાપન થયું હતું. એ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
મેવાણીએ કહ્યું કે, “ગૃહ વિભાગના ભ્રષ્ટ IAS-IPS-મંત્રીઓ જનતાનું કરી નાખે છે અને કાળા કારોબારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે.” મેવાણીએ ખેડૂતોની ₹27ની દૈનિક આવકથી લઈને રાજ્યમાં દરરોજ 206 મહિલા અત્યાચાર અને 634 બળાત્કારના કેસ સુધીના આંકડા ટાંકીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે ધર્મસ્થળોની 2-3 કિ.મી.ની ત્રિજ્યામાં ચાલતા દારૂ-જુગાર-કુટણખાનાના અડ્ડા અંગે પણ જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી
જિગ્નેશ મેવાણીએ ખેડૂતોની દયનીય સ્થિતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ મુજબ ખેડૂત પરિવારની માસિક આવક માત્ર 10 હજાર છે એટલે કે એક દિવસની આવક માંડ 27 રૂપિયા. બીજી તરફ અંબાણી-અદાણીની 16 લાખ કરોડની આવક છે. ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી જન આક્રોશ યાત્રા ચાલુ રહેશે.”
કોણ મંત્રી ડ્રગ્સમાંથી કરોડો કમાઈ રહ્યાં છે?
મેવાણીએ કહ્યું કે, રાજ્યની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 72 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું તો ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી અમારો સવાલ છે કે કોણ હતો એ માણસ જેણે 72 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતની ધરતી પર ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ઘૂસાડવાની કોશિશ કરી? અને કોણ હતો એ માણસ જે આ 72 હજાર કરોડનો ઓર્ડર ખરીદવા માટે તૈયાર થયો હતો? અને કયો મંત્રી આ ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે?
ધર્મસ્થળોની બે-ત્રણ કિ.મી.ની આસપાસના અડ્ડા ક્યારે બંધ થશે?
મેવાણીએ વધુમાં જણાવ્યું કે, મીડિયામાં છડેચોક લખવામાં આવ્યું કે દારૂ-જુગારના અડ્ડાઓની બાબતમાં સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ અને આમ જનતાએ 48 હજાર ફરિયાદો કરી અને છતાં દારૂના અડ્ડા બેચરાજી, દ્વારકા, અંબાજી, સોમનાથ, વડતાલ, ખોડલધામ, ઉમિયાધામ સહિતના હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક એવા ધર્મસ્થળોની બે-ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાંથી પણ બંધ થઈ રહ્યા નથી.
આ પણ વાંચો: ‘બોલ, હું તારો બાપ છું…’ કહી શાકભાજી વેચતા દલિત યુવકને ફટકાર્યો
ગુજરાતમાં 19.5 લાખ સ્ત્રી-પુરૂષો ડ્રગ્સનું સેવન કરે છે
મેવાણીએ જણાવ્યું કે આ ગુજરાતમાં ઓલરેડી રિપોર્ટ આવી ચૂક્યો છે. ગુજરાતમાં 19.5 લાખ પુરુષ અને સ્ત્રીઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, એટલે વારંવાર આ સવાલ પૂછું છું કે કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી જે કમાય એ ગુજરાત અને ભારતનો ગદ્દાર કહેવાય કે નહીં? આની સામેની લડત કોઈપણ સંજોગોમાં રોકાવાની નથી.
આજની તારીખે પણ કહું છું કે, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, નર્મદા આ બધી બોર્ડરોને રાજ્યની સરકાર જડબેસલાક સીલ નથી કરી રહી. મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં ટ્રકો ભરી ભરીને દારૂ આવી રહ્યો છે. મતલબ કે ગાંધીનગર અને કમલમના સંપૂર્ણ આશીર્વાદ છે કે ભલે ગુજરાતની બેન-દીકરીઓ, માતાઓ વિધવા થતી, ભલે ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં ડ્રગ્સનો કાળો કારોબાર ઘૂસતો.
‘સરકારમાં તાકાત હોય તો તેને જેલ ભેગો કરો’
મેવાણીએ વધુમાં કહ્યું કે, “બેચરાજી મંદિરની 100-200 મીટરની આસપાસ દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે. એક સ્યુસાઇડ નોટમાં અમિત ઠાકરના ભત્રીજાનું નામ ખુલ્યું છે, સરકારમાં તાકાત હોય તો તેને જેલ ભેગો કરો. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી દેવામાં આવ્યા છે, કાયદો-વ્યવસ્થા નામની કોઈ વસ્તુ રહી નથી.” આ યાત્રા દરમિયાન કોંગ્રેસે ખેડૂતોની આત્મહત્યા, યુવાનોનું ભવિષ્ય અને સરકારની નિષ્ફળતાઓને મુખ્ય મુદ્દા બનાવ્યા હતા. પ્રથમ ચરણના સફળ સમાપન બાદ હવે બીજા ચરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘દારૂ-જુગારમાંથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે જ!’










