Dalit News: જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં એક દલિત યુવકને હિંદુ બનવું મોંઘું પડી ગયું. અહીંના બરેલીમાં એક દલિત યુવક પોતાની બાઈક પર I LOVE MAHADEV સ્ટીકર લગાવવા માટે દુકાને ગયો હતો. જ્યાં દુકાનદારે તેના પર છરીથી હુમલો કરી દીધો હતો. હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તેની હાલત વધુ ખરાબ થઈ જતા તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શહેરમાં તંગદિલીનો માહોલ છે.
I LOVE MAHADEV ના સ્ટીકરને લઈને બબાલ થઈ
સિરૌલીના મુરાવ ટોલાનો રહેવાસી વિપિન વાલ્મિકી બુધવારે સાંજે ગુરવા રોડ ખાતે એક દુકાનમાં બાઇક પર સ્ટીકર લગાવવા ગયો હતો. તેણે દુકાનદારને બાઇક પર “આઈ લવ મહાદેવ” સ્ટીકર લગાવવાનું કહ્યું હતું. આનાથી વિવાદ થયો હતો. યુવકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, દુકાનદારે સ્ટીકરને લઈને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વિપિને તેનો વિરોધ કર્યો, ત્યારે દુકાનદાર વધુ આક્રમક બન્યો. એવો આરોપ છે કે તેણે જાતિવાદી અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: Dalit યુવકને પ્રેમિકાના પરિવારે નગ્ન કરી માર્યો, યુવક ટ્રેન સામે કૂદી ગયો
યુવકના ગળા પર ચાકૂ મારી દેતા લોહીલુહાણ થયો
જ્યારે વિપિને દુકાનદારનો સામનો કર્યો, ત્યારે દુકાનદારે અચાનક છરી ઉપાડી અને તેના ગળામાં ઘા મારી દીધો, જેના કારણે તે સ્થળ પર જ લોહીલુહાણ થઈને પડી ગયો. એ પછી નજીકના લોકોએ જ્યારે દેકારો મચાવ્યો, ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડે તેને ઘેરી લીધો. માહિતી મળતાં જ સિરૌલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ યુવકને સારવાર માટે આરોગ્ય સેન્ટરમાં લઈ ગઈ. ત્યાંના ડોક્ટરોએ તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યો કારણ કે તેની હાલત ગંભીર હતી. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આરોપીની અટકાયત કરી છે.
હિંદુત્વવાદી સંગઠનો રાજકીય લાભ ખાટવા પહોંચી ગયા
જ્યારે સવર્ણ હિંદુઓ દલિતો પર અત્યાચાર કરે છે, માર મારે છે ત્યારે કથિત હિંદુત્વવાદી સંગઠનો દલિતોની મદદે આવતા નથી. પરંતુ જેવો મામલો હિંદુત્વનો હોય ત્યારે તરત ત્યાં પોતાના રાજકીય રોટલા શેકવા પહોંચી જાય છે. આવું જ કંઈક આ મામલામાં પણ જોવા મળ્યું હતું. મહાદેવના નામે દલિત યુવક પર હુમલો થયાની જાણ થતા જ હિન્દુ રક્ષા દળના જિલ્લા પ્રમુખ આશિષ કઠેરિયા તેમના કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. સંગઠનના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે ધાર્મિક લાગણીઓનું અપમાન થયું છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચો: ‘જો બેમાંથી એકેય વરરાજા ઘોડીએ ચડ્યાં, તો જોઈ લેજો શું થાય છે’
પોલીસે શું કહ્યું?
વિવાદની માહિતી મળતાં જ મીરગંજના પોલીસ અધિકારી અજય કુમાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા. તેમણે સંગઠનના અધિકારીઓ અને ઘાયલ યુવકના પરિવારજનો સાથે વાત કરી. તેમણે કાર્યવાહીનું આશ્વાસન આપીને પરિસ્થિતિ શાંત કરી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને દુકાનદારની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
અધિકારીઓનું કહેવું છે કે રિપોર્ટ દાખલ કરવામાં આવશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો










