Dalit News: જ્યારે દલિતોના સામાજિક ન્યાયની વાત આવે છે ત્યારે મનુવાદી તત્વો પોતાને કાયદો અને કોર્ટ માનવા લાગે છે. ભારત એક સ્વતંત્ર લોકશાહી દેશ હોવા છતાં, આજે પણ મનુવાદીઓ દલિતો જાણે તેમના ગુલામ હોય તેમ વર્તે છે. દેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે.
સામાન્ય બાબતમાં દલિત યુવક પર હુમલો કર્યો
જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે દલિતો પર ગુસ્સો આવી જાય તે કહી શકાતું નથી. તદ્દન નજીવી બાબતને પણ તેઓ પોતાનું અપમાન ગણીને દલિતો પર હુમલો કરી દેતા હોય છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવક પર પાંચ જાતિવાદી તત્વોએ લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કરી દીધો હતો. યુવક હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. હવે આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.
આ પણ વાંચો: રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?
લોખંડના સળિયાથી દલિત યુવક પર હુમલો
મામલો જાતિવાદનો ગઢ ગણાતા યુપીનો છે. અહીંના કાનપુરમાં એક દલિત યુવાન મેળામાંથી મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કેટલાક જાતિવાદી તત્વોએ તેને ‘સામે કેમ જુએ છે?’ તેમ કહીને ઘેરી લીધો હતો. જ્યારે યુવકે તેમનો વિરોધ કર્યો, ત્યારે જાતિવાદી તત્વોએ તેને પહેલા તેની જાતિ પૂછી હતી અને જ્યારે તે દલિત હોવાનો ખ્યાલ આવ્યો કે તરત તેને જાતિસૂચક અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે યુવકે તેમને અપશબ્દો ન બોલવા કહ્યું, તો જાતિવાદી તત્વોએ તેને લોખંડના સળિયાથી નિર્દયતાથી માર માર્યો હતો.
હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ
મામલો કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક દલિત યુવાન પર પાંચ જાતિવાદી શખ્સોએ હુમલો કર્યો હતો. દલિત યુવક કૈધામાં યોજાયેલા મેળામાંથી પરત ફરી રહ્યો હતો. એ દરિયાન કેટલાક જાતિવાદી તત્વોએ તેને આંતરીને જાતિસૂચક અપશબ્દો કહીને માર માર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો: દુષ્કર્મ પીડિતા દલિત સગીરાએ સમાધાનની ના પાડતા પોલીસે માર માર્યો?
મેળામાંથી પરત ફરતી વખતે મધરાતે હુમલો કર્યો
મઠ્ઠાપુરવા ગામના રહેવાસી દલિત યુવક સંદીપ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટના 7 ઓક્ટોબરના રોજ રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. તે કૈધા મેળામાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગજપુરવાના કેટલાક માથાભારે તત્વોએ તેને ઘેરી લીધો હતો અને તેના પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ પહેલા તેને લાત અને મુક્કા માર્યા અને પછી લોખંડના સળિયાથી માથામાં ફટકા માર્યા. જેનાથી તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
દલિત યુવકે 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
જ્યારે પીડિત સંદીપ કુમાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે તેણે ખુલાસો કર્યો કે આરોપીઓમાં મંગલ સિંહ, વિકાસ સિંહ, હિમાંશુ સિંહ, મુકેશ સિંહ, મહેન્દ્ર (માઈકલ) સિંહ અને બે અજાણ્યા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે તેણે તેમનો સામનો કર્યો ત્યારે હુમલાખોરોએ તેને જાતિવાદી અપશબ્દો કહ્યા અને તેના પર હુમલો કરી દીધો.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
પીડિત સંદીપ કુમારે એમ પણ જણાવ્યું કે આરોપીઓએ તેને ધમકી આપી હતી કે, જો તે ફરિયાદ નોંધાવશે તો હુમલાખોરો તેને મારી નાખશે. પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે દલિત યુવક સંદીપ કુમારની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આદિવાસી યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી, 18 ઘાયલ, 100ની અટકાયત











Users Today : 771