Gujarat liquor ban: એક બાજુ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમસાણ જામ્યું છે, ત્યારે હવે આ મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે રાજસ્થાનના BAP સાંસદ રાજકુમાર રોતે ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પ્રતિબંધ હોવા છતાં પણ આજે ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે.
રાજસ્થાનના આદિવાસી સાંસદે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો
ગુરુવારે સંસદમાં રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોતેએ યુવાઓમાં દારૂ-ડ્રગ્સના વ્યસન મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. દારૂબંધીનો અમલ થઈ રહ્યો નથી તે મામલે તેમણે દૃષ્ટાંત આપ્યું કે, પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે. સ્થિતિ એવી છે કે, ગુજરાતમાં રૂ. 500ની દારૂની બોટલ રૂ.1500માં વેચાઈ રહી છે. તેમાંય આધ્યાત્મિક સ્થળની આડમાં નશાનો ધૂમ કારોબાર થઈ રહ્યો છે. બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે આ દૂષણ વકરી રહ્યું છે. રાજકુમારે એમ પણ કહ્યું કે, આ જ દર્શાવે છે કે ફક્ત પ્રતિબંધો સમસ્યાનો ઉકેલ નથી.
આ પણ વાંચો: ‘IAS-IPS દારૂ-ડ્રગ્સ-જુગારમાંથી કમાઈને દ્વારકામાં ધજા ચડાવે છે’
મેવાણીએ રાજકુમાર રોતના સવાલની ટ્વિટ કરી
આ તરફ, કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટિ્વટ કર્યું કે, રાજસ્થાનના સાંસદ પણ ગુજરાતની દારૂબંધીને લઈને સંસદમાં ચર્ચા કરવા માંડ્યા છે. ભાજપ સરકારની નિષ્ફળતાને લઈને ગુજરાત આજે બદનામ થઈ રહ્યું છે છતાંય મુખ્યમંત્રીએ મૌન ધારણ કર્યું છે. આમ, ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે તેવો સરકારનો દાવો છે પણ સંસદમાં ચર્ચા થતાં સરકારની આબરુ ઘૂળધાણી થઈ છે.
બે વર્ષમાં માત્ર રૂ.191 કરોડનો દારૂ પકડાયો
ગુજરાતમાં ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને લીધે દારૂ-ડ્રગ્સના દૂષણને ડામવું અઘરું બન્યું છે. હપ્તારાજને લીધે બુટલેગરોને ઉની આંચ આવે તેમ નથી. ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યા હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂછુટ્ટી એ જ ખબર પડતી નથી. બે વર્ષમાં જ ગુજરાતમાં રૂ. 2.87 કરોડનો દેશી દારૂ અને રૂ. 11 કરોડનું બિયર પકડાયું છે. દારૂ પકડી પોલીસ-ગૃહ વિભાગ પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે પણ દારૂબંધીના અસરકારક અમલને લઈને કોઈ હરફ ઉચ્ચારવા તૈયાર નથી.
આ પણ વાંચો: નર્મદા AAP જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની ખેપ મારતો ઝડપાયો
પોલીસ કાર્યવાહી નહીં કરે તો મહિલાઓ જનતા રેડ કરશે
ડ્રગ્સ અને દારૂના મુદ્દે જનસમર્થન સાંપડતાં સરકાર બેકફુટ પર આવી છે જ્યારે વિપક્ષ આક્રમક મૂડમાં છે.આવતી કાલથી મહિલા કોંગ્રેસ દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન શરુ કરશે. જિલ્લા અને તાલુકાની મહિલા કાર્યકરોની જોડી જ્યાં પણ દારૂ, ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડા હશે, તેની પોલીસને જાણ કરાશે. આમ છતાંય પોલીસ પગલાં નહીં લે, તો મહિલાઓ જનતારેડ પાડશે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દુષણ સામે લડવા માટે કોંગ્રેસે નશા મુક્ત ગુજરાત અભિયાનની શરુઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસે એક હેલ્પલાઇન પણ જાહેર કરી છે. આ નંબર પર મિસ્ડ કોલ કરીને જનતા અભિયાનને સમર્થન આપી શકાય છે.
આ પણ વાંચો: દારૂબંધી ક્યાં છે? ચોટીલામાં છેક પંજાબથી કરોડોનો દારૂ પહોંચી ગયો










