Crime News: ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણે સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફિરોઝાબાદ કોર્ટે દલિત એક માનસિક વિકલાંગ દીકરી પર બળાત્કાર કરવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરાય તો આરોપીને વધારાની એક વર્ષની સજા થશે.
નગલા સિંઘી વિસ્તારમાં આ ઘટના 2023માં બની હતી. દલિત દીકરી તરફથી તેના કાકાએ 13 ઓક્ટોબર, 2023ના રોજ FIR નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની 24 વર્ષની ભત્રીજી બપોરે ખેતરમાં બકરા ચરાવવા ગઈ હતી. લગભગ 4 વાગ્યે તેમને માહિતી મળી કે તેમની ભત્રીજી ખેતરમાં ઘાયલ હાલતમાં પડી છે. તેને તાત્કાલિક સરકારી ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સઘન સારવાર કરવામાં આવી હતી.
તપાસ અને નિવેદનોના આધારે, ગામના વિપિન યાદવ ઉર્ફે વિપન વિરુદ્ધ બળાત્કાર, SC/ST એક્ટ અને અન્ય કલમો સહિત વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. પોલીસે બાદમાં વિપિનની ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ તપાસ પૂર્ણ કરી અને કોર્ટમાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરી.
આ પણ વાંચો: જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી
આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ (SC-ST એક્ટ) નવનીત કુમાર ગિરીની કોર્ટમાં થઈ. એડીજીસી નરેન્દ્ર સિંહ સોલંકીએ ફરિયાદ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. તમામ પુરાવા અને દલીલો ધ્યાનમાં લીધા પછી, કોર્ટે વિપિન યાદવને દોષિત ઠેરવ્યા. કોર્ટે દંડની 50 ટકા રકમ પીડિતાને વળતર તરીકે આપવાનો પણ આદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે ઘટના બાદ વિપિન યાદવની પોલીસ સાથે ઝપાઝપી બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન, તેમની સામે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે તેમને હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટના આરોપોમાંથી મુક્ત કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.
આ પણ વાંચો: કચ્છમાં તાંત્રિકે વિધિના નામે મહિલાને બેભાન કરી કપડાં ઉતાર્યા











