Ahmedabad News: ગુજરાતના સરકારી તંત્રમાં કઈ હદે ભ્રષ્ટાચાર અને લોલંલોલ ચાલે છે તેના અનેક ઉદાહરણો મીડિયામાં ચમકતા રહે છે. જો કે, મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં જે ભ્રષ્ટાચારનો નમૂનો સામે આવ્યો છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં એક આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતા હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ ઉંઘમાંથી જાગ્યા છે અને તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ, કડી તાલુકાના વડાવી ગામમાં 45 વર્ષથી વસેલા તરસનિયા પરાનો સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના મહામંત્રીએ ‘નકલી પુત્ર’ ઉભો કરી આદિવાસીની જમીન હડપી
ગામના રેવન્યૂ સર્વે નંબર 333 પર તરસનીયા પરૂ વર્ષોથી વસેલું છે. પરામાં ઠાકોર, રબારી જ્ઞાતિના આશરે 500 વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામના કુલ 289 જેટલા મતદારો મતદાન બુથ નંબર વડાવી 3 તસરનીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978 માં થયેલી છે.
કેવી રીતે આખો ખેલ પાડ્યો તે સમજો
પરામાં મહાદેવનુ મંદિર, આંગણવાડી પણ આવેલી છે. જે સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણોતીયા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976માં બિનઅમલી કરાતાં તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યાં હતાં. જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી બે-બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલિન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત્ રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 10મી ડિસેમ્બર 2025ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજીસ્ટાર કચેરીમાં કરી લીધો હતો. તેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધ્યાને આવતાં તેમણે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી હતી.
આ પણ વાંચો: પોલીસે મર્ડરમાં 5 નિર્દોષ આદિવાસીને ફસાવ્યા, પૈસા ન હોવાથી જમીન લઈ લીધી
અમદાવાદના બિલ્ડરે દસ્તાવેજ કરી લીધો છતાં ખબર ન પડી
ત્યારબાદ તપાસ કરતાં જે જમીન ઉપર તરસનીયા પરૂ વસેલું છે અને પ્રાથમિક શાળા, આંગણવાડી કાર્યરત છે તે સર્વે નંબર 333 વાળી જમીનનો કડીની સબ રજીસ્ટાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરીને કોઈ અમદાવાદના બિલ્ડરે કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી. જે અંગે ટીપીઓને જાણ કરતાં તેમની સૂચનાને પગલે આચાર્ય સંજય ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કડી મામલતદાર, સબ રજીસ્ટાર, ટીડીઓ, પ્રાંત અધિકારી સહિતને આપવામાં આવી છે.
મામલતદાર, રેવન્યૂ તલાટી, સર્કલ ઓફિસર અંધારામાં
કડી મામલતદાર માધવીબેન પટેલે જણાવ્યા મુજબ, કડી તાલુકાના વડાવી ગામના તરસનીયા પરાનો દસ્તાવેજ થયો હોવાની જાણ થતાં રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પંચનામું કરવા મોકલવામાં આવ્યાં છે. સર્વે નંબર 333માં શાળા અને મંદિર હોવા છતાં દસ્તાવેજ કેવી રીતે થયો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ ઘટનાએ ગુજરાતમાં સરકારી તંત્રમાં કેવી લોલંલોલ ચાલે છે તેને ઉઘાડી પાડી દીધી છે.
આ પણ વાંચો: ‘મેડમ, અમારી જમીન બચાવી લો, નહીંતર જીવ આપી દઈશું..’











