Adivasi News: ગુજરાતમાં સરકારી શિક્ષણની રીતસરની ઘોર ખોદી નાખવામાં આવી છે તેમ કહીએ તો તેમાં જરાય અતિશ્યોક્તિ નહીં ગણાય. ખુદ સત્તાપક્ષના નેતાઓ જ તેમના વિસ્તારોમાં સરકારી શાળાઓનું સ્તર સુધરે તે માટે રસ દાખવતા નથી. મર્જરના નામે એક પછી એક સરકારી શાળાઓ કાં તો બંધ થઈ રહી છે અથવા પરાણે ચાલી રહી હોય તેવી સ્થિતિ છે. સામાન્ય રીતે, સરકારી શાળાઓમાં ગરીબ પરિવારના બાળકો ભણતા હોય છે.
જેમાં મોટાભાગના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના હોય છે, જેઓ રૂપિયા ખર્ચીને પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ અપાવી શકે તેમ નથી હોતા. જો કે, સરકારી શાળાઓની સ્થિતિ એ હદે કથળેલી હોય છે કે, તેમાં બાળકો કેવી રીતે ભણે તે જ સવાલ થાય. આવી જ એક ઘટના ડાંગ જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક ગામમાં 135 આદિવાસી બાળકો ખૂલ્લી જગ્યામાં એક ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર છે.
આ પણ વાંચો: ‘મારા પિરિયડ્સ ચાલુ છે, રજા આપો’ સુપરવાઇઝરે કહ્યું, ‘કપડાં ઉતારો!’
ધો. 1 થી 8 ના 135 બાળકો ઝાડ નીચે ભણે છે!
મામલો ડાંગ જિલ્લાનો છે. અહીંના વઘઈ તાલુકાના ડોકપાતળ ગામે શાળાના મકાનનું કામકાજ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને પૂર્ણ ન થતા 135 આદિવાસી બાળકો ખુલ્લા કાચા ઘરના ઓટલા પર, ઝાડની છાયામાં ભણવા મજબૂર બન્યા છે. સરકાર એક તરફ ‘ભણશે ગુજરાત’ની વાત કરે છે, ત્યારે બીજી તરફ ડાંગના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની આ દયનીય સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે. ડોકપાતળ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 135 આદિવાસી બાળકો ભણી રહ્યાં છે.
આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?
શૌચાલય ન હોવાથી બાળકીઓને ભારે હાલાકી
ડોકપાતળ ગામે નવી પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ જૂની શાળા તોડી પાડ્યા બાદ બાળકો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. પરિણામે, માસૂમ બાળકો કકડતી ઠંડી, ધૂળ અને પવન વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે. બાળકો જમીન પર બેઠા, પાણીની કોઈ વ્યવસ્થા નથી. અહીં ન પીવાના પાણીની સુવિધા છે, ન તો શૌચાલયની. જેના કારણે ખાસ કરીને બાળકીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શિયાળાની ઋતુમાં ડાંગના પહાડી વિસ્તારમાં તાપમાન અત્યંત નીચું હોય છે, જે બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. તંત્રની બેદરકારીના કારણે બાળકોનો ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયો છે. ડોકપાતાળ ગામે નવી પ્રાથમિક શાળા નિર્માણ થઈ રહી છે જેથી બાળકો ને ઘર ના ઓટલા પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવે છે, પરંતુ ડોકપાતળ ગામની આ સ્થિતિ તંત્રની કાર્યક્ષમતા પર સવાલ ઊભા કરે છે.
આ પણ વાંચો: ક્યાંથી ભણે ગુજરાત? 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું










