Adivasi News: જાતિના દાખલા સહિતની પડતર માગણીઓ મુદ્દે નીકળેલી આદિવાસી સમાજની પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રાને પોલીસે સિદ્ધપુરના કાણોદર પાસે અટકાવી દીધી છે. ડીવાયએસપીએ કહ્યું કે, ‘પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં’. બીજી તરફ આદિવાસી સમાજનું કહેવું છે કે, જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછેહઠ નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે, જાતિના દાખલાની સમસ્યાને લઇને દાંતાના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં ગઇકાલે પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજની પદયાત્રા નીકળી હતી. મંજૂરી વગર પદયાત્રા કાઢતાં પાલનપુર તાલુકા પોલીસે મધરાતે જ MLA કાંતિ ખરાડી સહિત 50 લોકોની અટકાયત કરી હતી, જોકે તેમને વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યા હતા. એે બાદ આજે સિદ્ધપુરમાં પણ યાત્રાને અટકાવવામાં આવતાં કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જઇને ધરણાં પર બેઠા છે.
આ પણ વાંચો: નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!
પાલનપુર પોલીસે આદિવાસી આગેવાનોને છોડી મૂકતાં આગેવાનો અને MLA કાંતિ ખરાડી સિદ્ધપુર પહોંચ્યા હતા, જોકે અહીં પણ મંજૂરીના અભાવે સિદ્ધપુર પોલીસે કાકોશી ચાર રસ્તા પાસે આ યાત્રાને અટકાવી હતી. DySP કે.કે. પંડયાએ પરમિશન વગર એક ડગલું આગળ નહીં મૂકવા દઉં કહેતાં આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે સામાન્ય રકઝક થતાં મામલો ગરમાયો હતો.
પોલીસતંત્રના જણાવ્યા અનુસાર, આ પદયાત્રા યોજવા માટે આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી લેવામાં આવી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ હેતુથી પોલીસે મંજૂરી વગર શરૂ થતી આ પદયાત્રાને કાકોશી ચાર રસ્તા પાસે જ અટકાવી દીધી હતી. બીજી તરફ આદિવાસી આગેવાનો પોતાની માગણીઓ પર મક્કમ જોવા મળ્યા હતા. એ બાદ કોંગી નેતાઓ અને આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જઇ ધરણાં પર બેઠા છે, અને જ્યાં સુધી પોલીસ પદયાત્રાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી કાણોદરમાં ધરણાં કરવાની કાંતિ ખરાડીએ ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’
આ તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દાખલા ન મળે ત્યાં સુધી અમે જપીને બેસીશું નહીં, કારણ કે આવનારી પેઢીનો સવાલ છે. ભણેલા છોકરાઓ ઘરે બેઠા છે. જાતિના દાખલા માટે 1950નો પુરાવો અમારે આપવાનો? આ કયો નિયમ છે? આ પુરાવા તો સરકાર પાસે પડ્યા છે, અમારી પાસે નથી. જે કર્યું એ સરકારે કર્યું છે, અમે નથી કર્યું. અમારી એક જ માગ છે કે પહેલાં મળતા હતા એવી રીતે અમને દાખલા આપો, અમારે ગાંધીનગર નથી આવવું. જો દાખલા ન આપો તો અમે 100 ટકા ગાંધીનગર આવીશું અને પીછેહઠ કરવાના નથી.
કાંતિ ખરાડીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ગમે તે કરીને આદિવાસીઓ ગાંધીનગર ન પહોંચે એવા પ્રયત્ન કરે છે. આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. ગઇકાલે અમે પાલનપુરથી નીકળ્યા તો ગમે તે બાના હેઠળ તાનાશાહી કરીને અમને કાણોદરમાં અટકાવ્યા, જે બાદ રાત્રે અમને ડિટેન કર્યા. સરકારે તમને સત્તા આપી હોય તો અમને અહીં દાખલા આપી દો, અમે દાખલા લઇને રવાના થઇ જઇશું, જો ન આપો તો અમને ગાંધીનગર જવા દો એવી અમારી માગ છે. ઉપરથી દબાણ આવતાં પોલીસ મંજૂરી આપવામાં વિલંબ કરે છે.
આ પણ વાંચો: વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત
કાંતિ ખરાડીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે અમે નીકળ્યા ત્યારથી પોલીસ માનસિક અત્યાચાર ગુજારે છે. પરમિશન માટે મારા લેટરપેડ પર લખીને ઇ-મેલ કર્યો છે, પણ આમને ક્યાં કોઇ નિયમ લાગુ જ પડે છે. રાત્રે મને આદિવાસી આગેવાનો સાથે મને ડિટેન કર્યો. ત્રણ-ચાર કલાક બેસાડી રાખીને અમને છોડી મૂક્યા. હું પોલીસને કહેવા માગું છું કે તમે જેટલી વાર ડિટેન કરશો ને અમને છોડી મૂકશો, જેટલા હેરાન કરવા હોય એટલા કરો, પણ અમે ભૂખ્યા રહીશું, તરસ્યા રહીશું અને મરવું પડશે તો મરીશું, પણ અમારી લડત ચાલુ રાખીશું. આજે આદિવાસી સમાજનો મુદ્દો છે આવતીકાલે અઢારે વરણનો મુદ્દો હશે. એટલે બધા સાથે ચાલીને આ મુશ્કેલીનું નિવારણ લાવીએ.
કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે ઉપર બેઠેલા લોકોના નશાના કારણે પોલીસ નાચી રહી છે. હું હર્ષ સંઘવીને કહું છું કે જો તમારામાં પાણી હોય તો સામે ચાલીને અથવા તમે કોઇ પ્રતિનિધિને અહીં મોકલી આપો ને જુઓ અહીં આદિવાસીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. તમે ધરમના ધક્કા ન ખવડાવો. બબ્બે વર્ષથી દાખલા નથી મળતા.
અહીં વહીવટી તંત્ર એમ કહે છે કે અમારામાં નથી આવતું, રાજ્ય સરકારમાં આવે છે અને અમને ગાંધીનગર જવાની પરમિશન નથી આપતું. અમે હક માટે આવ્યા છીએ, લડત કરવા માટે નથી આવ્યા. જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી અમે નહીં જપીએ. તમે માનવતાના ધોરણે દાખલા આપી દો, અમારે ગાંધીનગર નથી આવવું.
આ પણ વાંચો: ‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’











