thangadh unakand bhanubhai wankar case update: ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિતોની સ્થિતિ કફોડી બની છે. થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ અને ભાનુભાઈ વણકરના આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં દાયકાઓની લડત પછી પણ રાજ્ય સરકારની કાનૂની બેદરકારી અને દલિત વિરોધી માનસિકતાને કારણે ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારના અનેક ગંભીર બનાવોમાં આજદિન સુધી ન્યાય મળ્યો નથી. ભારતના બંધારણ અને એસસી એસટી એક્ટ(SC-ST Act) 1989 તથા તેના નિયમો, 1995 ના નિયમ-15 મુજબ પીડિતોના પુનઃવસનની ફરજ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં હાલ દલિત અત્યાચારના અતિગંભીર કેસોની શું સ્થિતિ છે, તેના પર નજર કરશો તો ખ્યાલ આવશે કે મોટાભાગના કેસોમાં રાજ્ય સરકારની દલિત વિરોધ માનસિકતાને કારણે ન્યાય મળી શક્યો નથી.
થાનગઢ હત્યાકાંડ(2012)માં સરકારે સી સમરી ભરી દીધી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં પોલીસે ત્રણ નિર્દોષ દલિત યુવાનોને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ કેસમાં આજદિન સુધી ન્યાય મળ્યો નથી. કેસમાં સી-સમરી ભરી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કેસ રફેદફે કરાયો છે. નિયમ-15 મુજબ પીડિત પરિવારોનું પુનર્વસન પણ કરાયું નથી. અગાઉ સરકારે આ કેસની તપાસનો રિપોર્ટ પણ દબાવી રાખ્યો હતો. આ તમામ બાબતો સરકારની દલિત વિરોધી માનસિકતાને છતી કરે છે.
આ પણ વાંચોઃ એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો
ઉનાકાંડમાં 9 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી
વર્ષ 2016માં ગૌરક્ષકોની આડમાં જાતિવાદી ગુંડાઓએ નિર્દોષ દલિત પરિવારના ચાર યુવકોને કાર પાછળ બાંધી પોલીસ સ્ટેશન સામે જાહેરમાં માર મારીને પરેડ કરાવી હતી. આ ઘટનાએ આંતરાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવ્યો હતો. ભાજપની આનંદીબેન પટેલ સરકારે આ કેસમાં પીડિત પરિવારને 6 મહિનામાં ન્યાય અપાવવાની વાત કરી હતી, પરંતુ આજે 9 વર્ષ પછી પણ પીડિત પરિવારો ન્યાયથી વંચિત છે. એટ્રોસિટી એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પુનર્વસનની કાનૂની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે. આરોપીઓ પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યાં છે, દલિત પરિવારને જીવનું જોખમ છે.
અમરેલીના કેસમાં નિર્દોષ દલિતોને 8 વર્ષ સુધી જેલમાં પુરી રાખ્યા
ઉનાકાંડ બાદ રેલી દરમિયાન એક પોલીસકર્મીના મૃત્યુના કેસમાં નિર્દોષ દલિતોને ખોટી રીતે 8 વર્ષ સુધી જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. કાંતિભાઈ વાળા સહિતના દલિત આગેવાનો આખરે નિર્દોષ છૂટ્યાં, પરંતુ સરકારની જવાબદારી કોણ લેશે? શું સરકાર તેમને આ દલિતોની જિંદગીના અણમોલ 8 વર્ષ પાછા અપાવી શકશે? આ રાજકીય બેદરકારી નથી તો બીજું શું છે? ઉનાકાંડ પછી રાજ્યભરમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં દલિતો પર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જે આજ દિન સુધી પરત ખેંચવામાં આવ્યા નથી.
આકોલાળીના દલિત યુવાનને જીવતો સળગાવાયો, પરિવાર હજુ રઝળે છે
વર્ષ 2012માં ઉના તાલુકાના આકોલાળી ગામે દલિત યુવકને જાતિવાદી તત્વોએ તેમના જ ઘરમાં જીવતા સળગાવી દીધા હતા. યુવકના પરિવારે જીવ બચાવવા માટે રાતોરાત હીજરત કરવી પડી હતી. આજે 17 વર્ષ પછી પણ આ પરિવાર રખડતું-ભટકતું જીવન જીવવા મજબૂર છે. આરોપીઓને આજીવન કેદની સજા મળી હોવા છતાં પીડિત હિજરતી પરિવારનું પુનઃવસન આજદિન સુધી કરાયું નથી. આરોપીઓ સતત આ પરિવારને જાનથી મારી નાખવાની આડકતરી ધમકીઓ આપે છે, છતાં પોલીસ તેમને સ્થાયી રહેઠાણ અને ખેતીની જમીન આપીને પુનર્વસન કરાવતી નથી.
ભાનુભાઈ વણકર આત્મહત્યા કેસમાં સી સમરી ભરી દેવાઈ
પાટણ કલેક્ટર કચેરી ખાતે દલિત પરિવારને ન્યાય માટે પોતાની જાતને સળગાવી દેનાર શહીદ ભાનુભાઈ વણકરના કેસમાં સરકારે યોગ્ય તપાસ વગર સી-સમરી ભરી દીધી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થયેલી લેખિત સમજૂતીનો અમલ આજદિન સુધી થયો નથી. દલિત પરિવાર માટે જીવ આપી દેનાર ભાનુભાઈ વણકરના પરિવારને અન્યાય થયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ
બાપુનગરની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારા હજુ પકડાયા નથી
વર્ષ 2009માં અમદાવાદના બાપુનગરમાં 7 વર્ષની દલિત બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દેવાઈ હતી. આજે આ ઘટનાને 16 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં આજ દિન સુધી આરોપીઓની ઓળખ કે ધરપકડ થઈ નથી. કેસ હજુ ઉકલ્યો છે.
બોટાદના સરવઈના દલિત યુવાનના કેસમાં ન્યાય નહીં
બોટાદના સરવઈના યુવાન રાજુભાઈ પરમારના કેસમાં ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવતી નથી. પીડિત પરિવાર છેલ્લાં 10 દિવસથી કલેક્ટર કચેરી સામે ધરણાં પર બેઠો છે, પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
સરકાર દલિત અત્યાચારના કેસોમાં ઢીલ દાખવે છે
હત્યા, બળાત્કાર, અપહરણ, સામૂહિક બળાત્કાર, આત્મહત્યાની દુષ્પ્રેરણા જેવા ગંભીર ગુનાઓમાં દલિત પીડિતોને પેન્શન, જમીન, મકાન, નોકરી અને બાળકો માટે શિક્ષણ જેવી સુવિધાઓ આપવાની કાનૂની ફરજ હોવા છતાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
નિયમ 15-ડી હેઠળ સરકારી નોકરી પણ નથી અપાતી
અન્ય રાજ્યોમાં દલિત અત્યાચારના કેસોમાં પીડિત પરિવારના એક સભ્યને ખાસ કિસ્સામાં સરકારી નોકરી આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં એકપણ કેસમાં આવી નોકરી આપવામાં આવી નથી. જે ભાજપની દલિત વિરોધી માનસિકતા પ્રગટ કરે છે.
ખાલસા કરેલી દલિત જમીનો પરત આપો
અનુસૂચિત જાતિના લોકોની ખેતીની જમીનો જે સરકારે ખાલસા કરી છે, તે જમીનો આજીવિકા માટે રી-ગ્રાન્ટ કરીને પરત આપવામાં આવે અને તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી દલિત સમાજમાં માગ ઉઠી છે.
ઉપર જણાવ્યા તે તમામ કેસોમાં નિયમ 15 મુજબ તાત્કાલિક પુનર્વસન, ખોટા કેસો પરત ખેંચવા, અત્યાચાર પીડિત પરિવારના એક સભ્યને ખાસ કિસ્સામાં સરકારી નોકરી, હિજરતી પરિવારોને જમીન, મકાન અને સુરક્ષા, બેદરકાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની જોગવાઈ હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર સતત આંખ આડા કાન કરી રહી છે. ત્યારે ગુજરાતના દલિત સમાજે હવે શું કરવું તે વિચારવું રહ્યું.
આ પણ વાંચોઃ ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે
આ પણ વાંચોઃ બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે













