મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના આલદાંડી ટોલાની રહેવાસી 24 વર્ષીય આશા સંતોષ કિરંગા નવ મહિનાની ગર્ભવતી હતી. પ્રસૂતિ માટે તેણીને પગપાળા 6 કિલોમીટર સુધી ચાલીને દવાખાને જવું પડ્યું, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. ગઢચિરોલીમાં મહિલાનું ગામ મુખ્ય માર્ગથી કપાયેલું છે અને પ્રસૂતિ માટે કોઈ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા ગઢચિરોલીમાં ત્રણ નગરપાલિકાઓ માટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ હતી, અને આ ચૂંટણીની આગેવાની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. તેઓ આ જિલ્લાના “ગાર્ડિયન મિનિસ્ટર” પણ છે.
મીડિયા સાથે વાત કરતા, એક અધિકારીએ જણાવ્યું હતું કે ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લી તાલુકાના અલદાંડી ટોલાની રહેવાસી આશા સંતોષ કિરંગા (24) નવ મહિનાની ગર્ભવતી હતી.
આ પણ વાંચો: પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી પદયાત્રા અટકી
તેમણે કહ્યું, “મહિલાનું મૂળ ગામ, આલદાંડી ટોલા, મુખ્ય રસ્તાથી કપાયેલું છે અને ત્યાં પ્રસૂતિની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. સમયસર મદદની આશા રાખીને મહિલા 1 જાન્યુઆરીએ તેના પતિ સાથે જંગલના રસ્તાઓ પર છ કિલોમીટર ચાલીને તેની બહેનના ઘરે પહોંચી હતી. જોકે, ગર્ભાવસ્થા અંતિમ તબક્કામાં હોવાથી આ કઠિન મુસાફરીએ તેના શરીરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.”
અધિકારીએ વધુમાં કહ્યું, “2 જાન્યુઆરીની સવારે, તેણીને પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડી હતી. તેણીને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરીની કાલી અમ્મલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ડોક્ટરોએ સિઝેરિયન કરવાનો નિર્ણય લીધો, પરંતુ ખૂબ મોડું થઈ ગયું હતું. બાળક ગર્ભાશયમાં મૃત હાલતમાં મળી આવ્યું હતું. તે મહિલાનું પણ થોડા સમય પછી હાઈ બ્લડ પ્રેશરને કારણે મૃત્યુ થયું.”
આ પણ વાંચો: હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ
માહિતી માટે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે, ગઢચિરોલીના જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રતાપ શિંદેએ જણાવ્યું કે મહિલાની નોંધણી આશા કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.
તેમણે કહ્યું, “અચાનક પ્રસૂતિની પીડા અને સમસ્યાઓ પગપાળા ચાલવાને કારણે થઈ હશે. ડોક્ટરોએ તેણીને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તાલુકા આરોગ્ય અધિકારી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવશે.”
આ પણ વાંચો: વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત











