SC-ST FIR: ખંભાતના નગરા ગામના દલિત યુવક પર ભાટ તલાવડી ગામના 6 સલાટ ખેડૂતોએ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ભાટ તલાવડી ગામે ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવા ગયેલા નગરા ગામના એક ખેડૂતને છ શખ્સોએ અપમાનિત કરીને માર માર્યો હતો. આ ઘટના બાદ ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ખંભાત રૂરલ પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાતના નગરા ગામના યુવકે ઉછીના પૈસા આપ્યા હતા
આ કેસની મળતી માહિતી મુજબ, ફરિયાદી વિપુલકુમાર ભઈલાલભાઈ ચૌહાણ નગરાના વણકરવાસમાં રહે છે. તેઓ છેલ્લા બે-ત્રણ વર્ષથી ગામના નરેન્દ્રસિંહ ભગુભા ગોહિલની આશરે 40 વીઘા જમીનમાં ભાડેથી ખેતી કરે છે. એકાદ વર્ષ પહેલા તેમણે ભાટ તલાવડીના રાકેશભાઈ રતિલાલ સલાટને રૂ. 3.50 લાખ, ગેલાભાઈ રમણભાઈ સલાટને રૂ. 3.85 લાખ, અનિલભાઈ ગગજીભાઈ સલાટને રૂ. 70 હજાર અને ઈશ્વરભાઈ ગગજીભાઈ સલાટને રૂ. 90 હજાર ઉછીના આપ્યા હતા. આમ કુલ રૂ. 8.95 લાખ છ મહિનાના વાયદે ખંભાત ખાતે આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કડીની દલિત સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા
વાયદો પુરો થયા પછી પણ પૈસા પરત ન કરી ધમકી આપી
છ મહિના પૂરા થવા છતાં પૈસા પરત ન મળતા વિપુલકુમારે પોલીસ મથકે અરજી કરી હતી. તે સમયે અઢી મહિનામાં પૈસા પરત કરવાનો વાયદો કરવામાં આવતા સમાધાન થયું હતું. જોકે, વાયદા મુજબ પૈસા ન મળતા, ગત 24 ડિસેમ્બરના રોજ વિપુલકુમાર પાલડીના સરપંચ તેમજ તેમના બે મિત્રો પિયુષભાઈ સોમાભાઈ રાઠોડ અને જયેશભાઈ પ્રકાશભાઈ ચુનારા સાથે ભાટ તલાવડી ગામે આવેલા સલાટવાડામાં ઉઘરાણી કરવા ગયા હતા. ત્યાં રતિલાલ બીજલભાઈ સલાટે પૈસા આપવાનો ઇનકાર કર્યો અને અપમાનજનક ગાળો બોલી હતી.
‘પૈસા પાછા નહીં મળે, તારાથી થાય તે કરી લે’
ગાળો બોલવાની ના પાડતા, રતિલાલ ઉશ્કેરાઈ ગયા અને પૈસા નહીં મળે તેમ કહી અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ ઝપાઝપી કરીને વિપુલકુમારને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા અને તેમને ઈજાઓ થઈ હતી. બૂમાબૂમ સાંભળીને અનિલ, ઈશ્વરભાઈ અને ગેલાભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ અપમાનજનક ભાષાનો પ્રયોગ કરીને ગાળો બોલી હતી.
આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે
6 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
આ દરમિયાન મોટરસાઈકલ પર અર્જુનભાઈ સલાટ અને અમૃતભાઈ સલાટ પણ આવી પહોંચ્યા હતા અને ગાળો બોલીને મારવા સામે થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ વિપુલકુમારે ખંભાત રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રતિલાલ બીજલભાઈ સલાટ, અનિલભાઈ ગગજીભાઈ સલાટ, ઈશ્વરભાઈ ગગજીભાઈ સલાટ, ગેલાભાઈ રમણભાઈ સલાટ, અર્જુન અમૃતભાઈ સલાટ અને અમૃત જેકાભાઈ સલાટ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?










