amend marriage laws: ગુજરાતમાં ચોક્કસ જાતિના લોકો દ્વારા પ્રેમલગ્નોમાં માતાપિતાની સહમતિ ફરજિયાત કરવા માટે સરકાર પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરકાર આ દબાણ સામે ઝૂકી હોય તેવી જાણકારી મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનારા યુગલો માટે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે લગ્ન રજિસ્ટ્રેશન કરાવતા પહેલા માતા-પિતાને જાણ કરવી ફરજિયાત બનશે. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં આ સુધારેલા નિયમો રજૂ કરી શકે છે. જેમાં મુખ્યત્વે યુવતીના માતા-પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવવી જેવા કડક નિયમોનો સમાવેશ થાય છે. પાટીદાર આગેવાનોએ આ મુદ્દાને ઉઠાવવા બદલ મીડિયાનો આભાર માન્યો છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની સાસરિયાઓએ હત્યા કરી
ગાંધીનગરમાં પ્રેમલગ્ન અને ખાસ કરીને માતા-પિતાની મંજુરી વિના ભાગીને થતા લગ્નોના કિસ્સામાં સરકારે પ્રેમીયુગલો પર કાયદાકીય ગાળિયો કસવાની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે કાયદામંત્રી અને કાયદાશાસ્ત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં આ નવા કાયદાનો ડ્રાફ્ટ (ખરડો) તૈયાર કરવામાં આવશે. જો બધું આયોજન મુજબ રહ્યું, તો આવતીકાલે મળનારી રાજ્ય મંત્રીમંડળની (કેબિનેટ) બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે મૂકવામાં આવી શકે છે.
નવા સુચિત નિયમો મુજબ, હવેથી જ્યારે કોઈ યુગલ ભાગીને લગ્ન કરશે અને નોંધણી માટે અરજી કરશે, ત્યારે રજિસ્ટ્રાર કચેરી દ્વારા સૌથી પહેલા તેમના માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસનો જવાબ આપવા માટે વાલીઓને 30 દિવસનો સમય આપવામાં આવશે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી લગ્નનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવશે નહીં. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય માતા-પિતાને અંધારામાં રાખીને થતા લગ્નો પર રોક લગાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે.
આ પણ વાંચો: કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
બીજો સૌથી મોટો ફેરફાર લગ્ન નોંધણીના સ્થળ (Jurisdiction) ને લઈને કરવામાં આવશે. અત્યાર સુધી યુગલો ભાગીને કોઈપણ જિલ્લામાં જઈને લગ્ન નોંધણી કરાવી લેતા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ, યુવતીના આધારકાર્ડમાં જે સરનામું હશે, તે જ વિસ્તારની સંબંધિત કચેરીમાં લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બનશે. આનાથી યુવતીના પરિવારજનોને જાણ થયા વિના બીજા જિલ્લામાં છૂપી રીતે થતા રજિસ્ટ્રેશન પર બ્રેક લાગશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અને ઠાકોર સમાજના કહેવાતા આગેવાનો લાંબા સમયથી આ સુધારાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓમાં હાલની કાયદાકીય છટકબારીઓનો લાભ લેવામાં આવતો હતો, જેનાથી પરિવારો તૂટી રહ્યા હતા. આ નવા નિયમો સામાજિક માળખાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થશે.
જો સરકાર આ પ્રકારનો કાયદો લાવે છે તો તેનો સીધો અર્થ એ થશે કે, ચોક્કસ જાતિના લોકો તેમની દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન ન કરે તે માટે સરકાર પર દબાણ લાવવામાં સફળ રહ્યાં છે. આ દેશનું બંધારણ દરેક પુખ્ય વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની સ્વતંત્રતા આપે છે, ત્યારે આ પ્રકારના કાયદાઓ કઈ રીતે લાદી શકાય તે સવાલ ચોક્કસ ઉભો થશે.
આ પણ વાંચો: પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે











જો માતા પિતા ની મંજૂરી નહીં હોય તો! આતો સ્વતંત્રતા નો અધિકાર ભંગ થઈ શકે છે.
કહેવાય છે કે પ્રેમ માં બહું જ તાકાત હોય છે, પ્રેમ થી સિંહ જેવા ખુંખાર શિકારીઓ ને પણ શાંત કરી શકાય છે જીતી શકાય છે, પરંતુ દેશ હંમેશા પ્રેમથી જોડાયેલા પ્રેમ સંબંધ નો કેમ વિરોધ કરી રહ્યાં છે એ સમજવું મુશ્કેલ છે,
દેશમાં અવારનવાર પ્રકાશ માં આવે છે કે માતા અથવા પિતાએ અથવા માતા પિતા એ પોતાની દીકરી પાસે દેહવ્યાપાર કરાવ્યો અથવા દેહવ્યાપારમા ધકેલી અથવા દલાલી કરાવી અથવા શારીરિક શોષણ થી પૈસા કમાવા મજબુર કરી આવાં હજારો લાખો ન્યુઝ દબાતા પગલે પણ ક્યારેક ક્યારેક પ્રકાશમાં આવી જાય છે, અથવા તો જબરદસ્તી દારૂડિયા જુગારી,અવરએઈઝ નાં કે દલાલી કરીને લગ્ન કરી દેવામાં આવતા હોય છે,
શોષિત સંતાનો ખૂબ યાતનાઓ ભોગવી રહ્યા હોય છે, અને પ્રકાશમાં નહીં આવતા હોય એવાં લાખો સંતાનો ની યાતનાઓ નો અંદાજ લગાવવો મુશ્કેલ છે,
પોતાના જ માતા પિતા થી ઉતપિડિત બાળકો નું શું?
જો પ્રેમ લગ્ન માં માતા પિતા ની મંજુરી ફરજિયાત કરવામાં આવે તો શોષિત સંતાનો ની યાતનાઓ લાખો ગણી વધી જાય માટે દેશમાં જીવન સાથી પસંદગી માટે દરેક અધિકાર હોવો જોઈએ કોઈ ની દખલગીરી નહીં,
દેશમાં પ્રેમ લગ્ન માટે સરકાર શ્રી તરફથી યોગ્ય નાણાકીય સહાય અને વધુ કાયદાકીય પ્રોટેક્શન ની સખ્ત જરૂરિયાત છે…