કેરળ કેવી રીતે ગરીબી મુક્ત રાજ્ય બન્યું, રહસ્ય શું છે?

કેરળ ભારતનું પ્રથમ ગરીબીમુક્ત રાજ્ય બન્યું છે. કેવી રીતે કેરળે ગરીબી મુક્ત કરી તેનું રહસ્ય સમજો.
Kerala poverty-free state

ચંદુ મહેરિયા

How did Kerala become a poverty-free state: ભારતીય રાજ્યોમાં ઘણી બાબતોમાં મોખરે રહેતા કેરળની પાઘડીમાં એક ઓર પીંછું ઉમેરાયું છે. પહેલી નવેમ્બર ૧૯૫૬ના રોજ રચાયેલા કેરળે તેના ૬૯મા સ્થાપના દિવસે(1 નવેમ્બર 2025) અતિ ગરીબીમાંથી મુક્તિ(poverty-free state) મેળવી છે. કેરળ(Kerala) ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જેણે અત્યધિક ગરીબીમાં સબડતા લોકોને તેમાંથી છૂટકારો અપાવ્યો છે. દક્ષિણી રાજ્ય કેરળ અગાઉ દેશનું પહેલું સાક્ષર રાજ્ય બન્યું હતું. તેની આરોગ્ય સેવાઓ વિકસિત દેશોની હરોળની હોવાનો પરચો કોવિડ ૨૦૧૯ દરમિયાન દેશને મળ્યો હતો.

સામાજિક અને માનવીય વિકાસમાં આ સામ્યવાદી શાસન તળેનું રાજ્ય ઉજળો હિસાબ આપી ચૂક્યું છે. આઝાદી પછી દેશમાં પહેલી સામ્યવાદી સરકાર કેરળમાં રચાઈ હતી. ગરીબો અને શ્રમિકો સામ્યવાદી પક્ષના પહેલી હરોળના સમર્થકો છે અને તેમનું કલ્યાણ સામ્યવાદી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે એટલે તેનું અતિ ગરીબી મુક્ત બનવું સહજ લાગવું જોઈએ.

સતત અને સઘન પ્રયત્નોથી જ લોકકલ્યાણકારી રાજ્યનો સમૃધ્ધ ઈતિહાસ ધરાવતા કેરળે આ સિધ્ધિ હાંસલ કરી છે. ગરીબોની ઓળખ માટેનાં અન્ય રાજ્યોના અભિગમ કરતાં કેરળે જુદો માર્ગ લીધો. તેણે ગરીબીની રેખા તળે જીવતા કેરળવાસીઓની ભાળ મેળવવા માટે રાજ્યના હજારો કુશળ કર્મચારીઓને લગાવ્યા. તેને કારણે ૬૪,૦૦૬ અત્યધિક ગરીબ પરિવારોની ઓળખ પ્રસ્થાપિત થઈ શકી. ૨૦૨૧થી રાજ્ય સરકારે અતિ ગરીબી નાબૂદી પ્રોજેકટ (EXTREME POVERTY ERADICATION PROJECT- EPEP) શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચે, 6 વર્ષમાં 95 આરોપીનાં મોત

જેને પેટ પૂરતું ખાવા મળતું નથી, રહેવા ઘર નથી, માંદા પડે તો દવાખાને જવાના પૈસા નથી, બાળકોને ભણાવી શકાતાં નથી, કોઈ રોજી નથી અને અત્યંત નિમ્ન જીવનધોરણ જીવે છે તેવા ચોસઠ હજાર કુટુંબોને તેમની જરૂરિયાતો પૂરી પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચય બની. કારગર યોજના અને તેના બહેતર અમલીકરણ થકી અતિ ગરીબોને તેમાંથી મુક્ત કરી શકાયા છે.

પાંચમી પંચવર્ષીય યોજના(૧૯૭૪-૭૯) અને ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન ગરીબી નાબૂદીને પ્રાધાન્ય મળ્યું હતું. ઈન્દિરાજીએ ગરીબી હટાવોના નારાને ચૂંટણી સૂત્ર બનાવ્યું. લગભગ ત્યારથી ગરીબી દેશના શાસકોના રાજકીય એજન્ડાનો ભાગ બની છે. જો વ્યક્તિની આવક કે ખર્ચ નિર્ધારિત ન્યૂનતમ સ્તરથી નીચે હોય તો તે વ્યક્તિ ગરીબ ગણાય છે. વ્યક્તિના જીવન ધોરણ અને કલ્યાણને સીધી રીતે અસર કરનાર તથા એકબીજા સાથે સંબંધિત આહાર, આરોગ્ય, આવાસ અને શિક્ષણનો અભાવ બહુ આયામી ગરીબી છે. વિશ્વ બેન્કના વૈશ્વિક માનકો પ્રમાણે રોજના રૂ.૬૨ કરતાં ઓછામાં જીવન ગુજારો કરતી વ્યક્તિ ભારતમાં ગરીબીની રેખા હેઠળ જીવતી કહેવાય છે.

ગરીબીનું માપન વ્યક્તિની આવક અને ખર્ચની ક્ષમતાના માપદંડે કરવામાં આવે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ( GHI) ચાર માપદંડો- અલ્પ પોષણ, બાળ મૃત્યુ દર, ઓછું વજન અને ઓછી ઉંચાઈ- ના આધારે નક્કી થાય છે. તેમાં દરેક દેશનો જીએચઆઈ સ્કોર એકત્ર કરીને પછી તેના પરથી રેન્કિંગ કરવામાં આવે છે. માનવ વિકાસ આંક કે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI) લાંબુ અને આરોગ્યપ્રદ જીવન, જ્ઞાન સુધીની પહોંચ અને સારું જીવન ધોરણ –એ માનવ વિકાસના ત્રણ મુખ્ય આયામોમાં ઉપલબ્ધિઓના સારાંશ પરથી આપવામાં આવે છે. મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ(MPI) કે બહુ આયામી ગરીબી આંકમાં આરોગ્ય, શિક્ષણ અને જીવન સાથે જોડાયેલા દસ માપદંડોમાંથી ૧/૩ ના અભાવથી વ્યક્તિને ગરીબ ઠેરવવામાં આવે છે. ભારતમાં નીતિ આયોગે આ સંકેતકો પર આધારિત ગરીબી સૂચકાંક જારી કર્યો છે.

આ પણ વાંચો: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ ગયો!

નીતિ આયોગના નેશનલ મલ્ટી ડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ(2023) પ્રમાણે દેશમાં બહુ આયામી ગરીબી સરેરાશ ૧૪.૯૬ ટકા છે. જ્યારે કેરળમાં તે માત્ર ૦.૫૫ ટકા જ છે. જે હવે ભૂતકાળ બની છે. ગુજરાતનો ગરીબી ઈન્ડેક્સ ૯.૦૩ છે. ગુજરાતના ગામડાઓમાં ૧૭.૧૫ અને શહેરોમાં ૩.૮૧ ટકા વસ્તી ગરીબીની રેખા હેઠળ જીવે છે. ગુજરાત કરતાં ગરીબીમાં પાછળ હોય તેવા રાજ્યો રાજસ્થાન, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહાર જ છે.

ભારતમાં ગરીબી ઘટી રહી હોવાનો સરકારનો દાવો છે. ગરીબી માપવાની વિવિધ પધ્ધતિઓનું સાચું પરિણામ મેળવવા હાલના નીતિ આયોગની પૂર્વેના યોજના આયોગે ૨૦૦૯માં તેંડુલકર સમિતિ અને ૨૦૧૨માં રંગરાજન સમિતિની રચના કરી હતી. તેંડુલકર સમિતિએ ઉપભોગ-વ્યયના આધારે ૨૦૦૪-૦૫ અને ૨૦૧૧-૧૨ દરમિયાન ૧૩.૭ કરોડ લોકો ગરીબીની બહાર આવ્યા હોવાનું જણાવ્યું હતુ. રંગરાજન સમિતિએ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૧-૧૨ વચ્ચે ૯.૨ કરોડ લોકો નિર્ધનતાથી મુક્ત થયાનું જણાવ્યું હતું. નીતિ આયોગે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ‌- UNDP) ના હવાલેથી કહ્યું છે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯-૨૧ના ગાળામાં ભારતે ૧૩.૫ કરોડ લોકોને બહુ આયામી ગરીબીની બહાર કાઢ્યા છે. ભારતમાં ગરીબી ૨૪.૮૫ ટકાથી ઘટીને ૧૪.૯૬ ટકા જ થઈ ગઈ છે. વિશ્વ બેન્ક્નું અનુમાન છે કે ભારતે પાછલા દાયકામાં ૧૭.૧ કરોડ લોકોને ગરીબીથી આઝાદ કર્યા છે. વૈશ્વિક અનુમાન તો હવે ભારતમાંથી ૩૭.૮ કરોડ લોકો ગરીબી મુક્ત થતાં દેશમાં ૨.૩ ટકા જ ગરીબો હોવાનું છે.

આ પણ વાંચો: બોલો લો! ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી!

આપણે ગરીબી મુક્ત થઈ રહ્યા છીએ તેનું કારણ ભારત સરકારના ગરીબ કલ્યાણ કાર્યક્રમોની અસર છે તેમ કહેવાય છે. પોષણ, આવાસ, રાંધવાના સંસાધનો, સ્વચ્છતા જેવા કલ્યાણ કાર્યક્રમોની સીધી અસર ગરીબોને તેમની નિર્ધનતામાંથી મુક્ત કરીને નિમ્ન મધ્યમ વર્ગમાં લઈ ગઈ છે. આ હકીકત સ્વીકારીએ તો કેરળ અને દેશ માટે મોટો પડકાર હવે તેઓ ફરી ગરીબીની ગર્તામાં ધકેલાય નહીં તે જોવાનો છે.
ભારતે વિકસિત દેશ હોવાનું લક્ષ્ય હાંસલ કરવા ગરીબી મુક્ત થવું અનિવાર્ય છે. પરંતુ છેક ઈન્દિરા ગાંધીના વારાથી દેશ ગરીબીમાં ઘટાડાની યોજનાઓ ઘડે છે નહીં કે તેની પૂર્ણ નાબૂદીની. ગરીબીનું ઉન્મૂલન જરૂરી છે નહીં કે તેનું શમન તે સરકારો અને નીતિ નિર્માતાઓને સમજાતું તો હશે પણ તે દિશાના પ્રયત્નો જણાતા નથી.

ખેડૂતો, વિધવાઓ, મહિલાઓ, બેરોજગારો કે બીજા વંચિતોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરાવવાથી તેમની ગરીબી કામચલાઉ તો ઘટે છે પરંતુ તે ગરીબી નાબૂદીનો સાચો ઉપાય નથી. ગરીબી નાબૂદી માટે તો ગરીબોને ગરિમા સાથે યોગ્ય જીવન ધોરણ અપનાવી શકે તેવા રોજગારની ઉપલબ્ધિ કરાવવાનો છે. દુનિયામાં આપણે પાંચમા કે ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનવાના હોઈએ તો અર્થવ્યવસ્થાના વિકાસ સાથે આવકના પુનર્વિતરણને પણ સમાન મહત્વ મળવું જોઈશે. ઉત્પાદકતા વૃધ્ધિની સાથે કલ્યાણ કાર્યક્રમોમાં સુધારા કરવા પડે. એક વારનો ગરીબ પુન: ગરીબ ન બને તેવા સામાજિક સલામતી તંત્રની વ્યવસ્થા કરવી પડે.

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
maheriyachandu@gmail.com

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x