હિંદુ યુવા વાહિનીના એક નેતાને રેપ કેસમાં જામીન મળતા તેમના સમર્થકોએ તેમનું ફૂલહારથી સ્વાગત કરતા વિવાદ સર્જાયો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બળાત્કારના કેસમાં એક વિદ્યાર્થીની પર બળાત્કારના કેસના આરોપીને જામીન મળતા ફૂલ-હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીની પર રેપના કેસમાં આઠ મહિના જેલમાં વિતાવ્યા બાદ જામીન પર મુક્ત થયેલા આરોપીનું ફૂલ-હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે અને વિપક્ષી દળોએ આ ઘટનાને લઈને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના 17 મે 2026ના રોજ ડાસના જેલની બહાર બની હતી. વીડિયોમાં દેખાતી વ્યક્તિ ‘હિન્દુ યુવા વાહિની'(Hindu Yuva Vahini)ની ગાઝિયાબાદ શાખાનો પૂર્વ વડા સુશીલ પ્રજાપતિ છે. પ્રજાપતિ પર ગાઝિયાબાદમાં કાયદાનો અભ્યાસ કરતી (LLB) વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાનો ગંભીર આરોપ છે. આ કેસમાં આઠ મહિના જેલમાં રહ્યા બાદ કોર્ટે તેને જામીન આપ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેના સમર્થકોએ તેને ફૂલ-હાર પહેરાવ્યા હતા, નારેબાજી કરી હતી અને તેને ખંભા પર બેસાડીને આખા વિસ્તારમાં તેનું હીરોની જેમ સરઘસ કાઢ્યું હતું.

આ પણ વાંચોઃ દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું
અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા
સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ વાયરલ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર શેર કરીને રાજ્ય સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આ ઘટનાને અત્યંત ગંભીર અને નિંદનીય ગણાવી છે. યાદવે લખ્યું કે, બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને જામીન મળવા પર ફૂલોનો વરસાદ અને ભવ્ય સ્વાગત કરવું એ શરમજનક છે. આ સંગઠનની પ્રશંસા તાજેતરમાં ખુદ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે, આવી સંસ્થાઓ અને સત્તાધારી ભાજપનું આ જ અસલી ચરિત્ર છે, જ્યાં મહિલા સન્માનની વાતો વચ્ચે ગુનેગારોને ખુલ્લું સંરક્ષણ મળી રહ્યું છે.
કોંગ્રેસે તેને ભયજનક ટ્રેન્ડ ગણાવ્યો
આ ઘટના અંગે કોંગ્રેસે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ આલમે જણાવ્યું હતું કે, બળાત્કારના આરોપીનું જાહેર સંસ્થાઓ દ્વારા આ પ્રકારે વિજય સરઘસ કાઢવું એ એક સભ્ય સમાજ માટે કલંક સમાન છે. આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ સમાજમાં હિંસક માનસિકતા ફેલાવવાના એક મોટા એજન્ડાનો ભાગ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત અસામાજિક તત્વો અને ગુનેગારો કોઈ પણ ડર વગર જાહેરમાં આવું કૃત્ય કરી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે તેમને સત્તાધારી ભાજપ સરકારનું સંપૂર્ણ સંરક્ષણ પ્રાપ્ત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કાયદો અને વ્યવસ્થા તેમજ મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિપક્ષી પક્ષોએ આ મામલે સરકાર પાસે જવાબની માંગ કરી છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું












