દલિત સમાજના લોકો માટે ભારતમાં જાણે કાયદો વ્યવસ્થા જેવું કશું બચ્યું જ ન હોય તેમ દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી તેમના પર અત્યાચારના સમાચાર આવતા રહે છે. આવી જ એક ઘટનામાં એક 19 વર્ષના હોકીના ખેલાડી એવા દલિત વિદ્યાર્થીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું. ન્યાય માટે તેના પરિવારે હવે તેનો મૃતદેહ રસ્તા વચ્ચે મૂકીને ચક્કાજામ કરવો પડ્યો છે.
મામલો પંજાબનો છે. અહીંના ફિરોઝપુર જિલ્લાના જીરા વિસ્તારમાંથી કસ્ટોડિયલ ડેથનો અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે. પૂછપરછ માટે કસ્ટડીમાં લેવાયેલા 19 વર્ષીય દલિત યુવક જસનદીપનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજતાં ઉશ્કેરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે મૃતદેહને જીરાના વ્યસ્ત એવા શેરાવાલા ચોક ખાતે રોડ પર આડો રાખીને જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પઢારોની ઓળખ ‘મંજીરા નૃત્ય’ લુપ્ત થવાના આરે!
આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક નાગરિકો ઉપરાંત વિવિધ સામાજિક અને માનવાધિકાર સંગઠનોના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે, જેના કારણે વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે.
હોકી ખેલાડી બનવાનું સપનું રોળાયું
મળતી માહિતી મુજબ, બસ્તી મચ્છિયાંવાલાનો રહેવાસી અને 12 માં ધોરણનો વિદ્યાર્થી જસનદીપ એક આશાસ્પદ હોકી ખેલાડી હતો. તે દેશ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે હોકી રમવાનું અને દેશનું નામ રોશન કરવાનું સપનું જોતો હતો. તેણે રાજ્ય સ્તરની રમતગમત સ્પર્ધાઓમાં પણ સારો દેખાવ કર્યો હતો અને અનેક મેડલ પોતાના નામે કર્યા હતા. પરંતુ 16 નવેમ્બરની એક ઘટનાએ આ યુવા પ્રતિભાના જીવનનો આઘાતજનક અંત લાવી દીધો. આક્ષેપ છે કે કુલગઢી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેને પૂછપરછના બહાને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લીધો હતો.
આ પણ વાંચો: જય વસાવડા માફી ન માંગે તો મોં કાળું કરવા ચીમકી!

કસ્ટડીમાં અમાનુષી અત્યાચારનો આરોપ
પીડિત પરિવાર અને તેની માતા સરબજીત કૌરનો આક્ષેપ છે કે જસનદીપને કસ્ટડી દરમિયાન ભારે માનસિક અને શારીરિક ત્રાસ (થર્ડ ડિગ્રી ટોર્ચર) આપવામાં આવ્યો હતો. જ્યારે તેને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યો, ત્યારે અત્યાચારના કારણે તેની શારીરિક સ્થિતિ અત્યંત ગંભીર હતી. ઘરે પહોંચ્યા બાદ તેની તબિયત વધુ લથડતાં પરિવારે તેને તાત્કાલિક જીરાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે મોગાની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં આશરે 5 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ તેનું મોત થઈ ગયું હતું.
માતાએ હૈયાફાટ રુદન સાથે જણાવ્યું કે જસનદીપને અગાઉ કોઈ જ બીમારી નહોતી, તે સંપૂર્ણ સ્વસ્થ અને ખેલાડી હતો. પોલીસના બર્બર ત્રાસને કારણે જ તેનો જીવ ગયો છે. જ્યાં સુધી દોષિત પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં.
આ પણ વાંચો: હોટલની વેસ્ટેજ ચેમ્બરમાં ગૂંગળાઈ જવાથી 4 મજૂરોના મોત
પોલીસે આરોપો ફગાવ્યા, બીમારીનો દાવો કર્યો
બીજી તરફ, જીરા સિટી પોલીસ સ્ટેશનના પ્રભારી (SHO) જસવિંદર સિંહ બરાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પરિવારના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પોલીસનો દાવો છે કે ૧૯ વર્ષીય જસનદીપ કસ્ટડીના ત્રાસથી નહીં, પરંતુ કિડની (ગુર્દા)ની ગંભીર બીમારીથી પીડાતો હતો. પોલીસ સ્ટેશનમાં માત્ર સામાન્ય પૂછપરછ બાદ તેને સહીસલામત છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને સત્ય જાણવા માટે મૃતદેહનું સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ (PM) અને કાયદેસરની તપાસ બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: ઈડરના ડુંગરી ગામે દલિતો પટેલો વચ્ચે નાવણિયા મુદ્દે બબાલ











