દલિત સમાજ પર અત્યાચારનો સિલસિલો જારી છે. ઉત્તરપ્રદેશના કમલાપુર પોલીસ સ્ટેશનના લુધૌરા ગામમાં 35 વર્ષીય દલિત યુવક મનોજ ગૌતમની જૂની અદાવતમાં ગામના રાજપૂતો દ્વારા બજારમાંથી પરત ફરતી વખતે જાહેરમાં ઘેરીને લાઠી-ડંડાથી માર મારીને હત્યા કરી દેવામાં આવી છે. પિતાના લોહીથી લથપથ મૃતદેહને બાથ ભરીને દલિત યુવક મનોજની નાનકડી બાળકીઓ રડી રહી હતી, જે દ્રશ્ય જોઈને ગમે તેવો કઠણ માણસ પણ રડી પડે. આ ક્રૂર ઘટનાને કારણે નિર્દોષ પરિવાર નોંધારો બની ગયો છે અને શોકગ્રસ્ત પરિવારજનો ન્યાયની આશામાં ભટકવા મજબૂર બન્યા છે, પરંતુ હજુ સુધી ન્યાય ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
બજારમાંથી પરત ફરતી વખતે જાહેરમાં હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, લુધૌરા ગામના રહેવાસી 35 વર્ષીય મનોજ ગૌતમ ગુરુવાર સાંજે આશરે 6 વાગ્યે બજારથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અગાઉની અદાવત રાખીને કેટલાક લોકોએ તેમને નેશનલ હાઈવે-30 પર અચાનક ઘેરી લીધા હતા. આરોપ છે કે જાતિવાદી માનસિકતા ધરાવતા રાજપૂતોએ કોઈ પણ પ્રકારની દયા દાખવ્યા વગર મનોજ ગૌતમ પર લાઠી-ડંડાથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં મનોજ ગૌતમ ગંભીર રીતે ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તાત્કાલિક તેમને સારવાર અર્થે કસમંડા સ્થિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે લઈને પહોંચ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એક નિર્દોષ દલિત યુવકની આવી રીતે જાહેરમાં કરાયેલી હત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

બે મહિલાઓ સહિત 6 લોકો સામે ગુનો દાખલ
આ ઘટના બાદ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા મોડી રાત્રે શુભમ સિંહ, ધીરેન્દ્ર સિંહ, નરેન્દ્ર સિંહ તેમજ પરિવારની ધીરેન્દ્ર સિંહની પત્ની કલ્પના અને ધર્મેન્દ્ર સિંહની પત્ની સુનીતા સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અધિક્ષક અંકુર અગ્રવાલ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની 4 અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે અને તેમની સઘન શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ કડક પોલીસ બંદોબસ્ત છતાં રાજપૂતોએ દલિતનો વરઘોડો રોક્યો!
પરિવાર નોંધારો બન્યો, અંતિમ સંસ્કાર રોક્યા
મનોજ ગૌતમની આ પ્રકારે કરાયેલી હત્યાથી તેમનો પરિવાર સંપૂર્ણપણે નોંધારો બની ગયો છે. ઘરના એકમાત્ર કમાનારા મોભીનું અચાનક અવસાન થતાં પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પોલીસ-તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શુક્રવારે સાંજે પોસ્ટમોર્ટમ બાદ જ્યારે મનોજ ગૌતમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચ્યો, ત્યારે આક્રોશિત પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિવારે માંગ કરી હતી કે જ્યાં સુધી દોષિતોને કઠોર સજા નહીં મળે અને પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર નહીં કરે. પરિવારે 50 લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની મુખ્ય માંગણીઓ મૂકી છે.

ભીમ આર્મીના સમર્થનથી મામલો વધુ ગરમાયો
દલિત યુવકની હત્યા અને પરિવારની દયનીય સ્થિતિના સમર્થનમાં ભીમ આર્મીના કાર્યકરો મેદાને આવ્યા છે. ભીમ આર્મીના સંયોજક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ફોન દ્વારા નગીનાના સાંસદ તથા આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સાથે શોકગ્રસ્ત પરિવારની વાતચીત કરાવી હતી. ચંદ્રશેખર આઝાદે પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવામાં અને લડાઈમાં સાથ આપવાનું આશ્વાસન આપ્યું છે.
આ રાજકીય અને સામાજિક સમર્થન મળ્યા બાદ મામલો વધુ તીવ્ર બની ગયો છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોડી રાત સુધી પરિવારને મનાવવાના પ્રયાસો કરતા રહ્યા, પરંતુ પરિવાર પોતાની માંગણીઓ પર મક્કમ રહ્યો હતો. જાતિવાદી તત્વોના ત્રાસ સામે દલિત સમાજમાં સુરક્ષા અને ન્યાયની માંગ જોર પકડી રહી છે, અને વહીવટી તંત્ર માટે આ પરિસ્થિતિને શાંત કરવી એક મોટો પડકાર બની રહી છે.
આ પણ વાંચોઃ રાજપૂતોએ દલિત સગીરને નગ્ન કરી મુર્ગા બનાવી જૂતામાં પાણી પાયું











