Dalit News: કથિત વિશ્વગુરૂ આપણા દેશમાં દલિતો આજે પણ પોતાના ખુશીના પ્રસંગો પોતાની મરજી મુજબ ઉજવી શકતા નથી. જાતિવાદી તત્વોને કાયદાનો કોઈ ભય નથી, દલિત એટ્રોસિટીના ગંભીર કેસોમાં પણ આરોપીઓ આસાનાથી છૂટી જાય છે અને પછી ફરીથી પીડિત પરિવારને ધમકાવવા લાગે છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે જાતિવાદી ગુંડાઓને જાણે કાયદાનો કોઈ ભય જ નથી રહ્યો. આવું એટલા માટે લાગે કેમ કે, એક ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ જાતિવાદી રાજપૂતોએ વરઘોડો રોકીને તોફાન મચાવ્યું હતું.
મામલો મહિલાઓ માટે જીવતેજીવ નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના રાશમી પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુરા (હાડાખૈડી) ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી છે. ગામમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત હોવા છતાં રાજપૂત સમાજના કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક દલિત યુવકનો વરઘોડો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારે હોબાળો થયા બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ગણેશપુરા ગામમાં દલિત સમાજના યુવકના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળવાનો હતો. અનુસૂચિત જાતિ સમાજનો યુવક ઘોડી પર બેસીને વરઘોડો કાઢે તે ગામના જાતિવાદી રાજપૂતોને પસંદ નહોતું. આધુનિક યુગમાં પણ લોકો એવું માનતા હતા કે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવો તે માત્ર તેમનો અધિકાર છે. તેમની આવી માનસિકતાને કારણે દલિત વરરાજાના વરઘોડા પર હુમલો થવાની ભીતિ હતી. આથી વરરાજાના પરિવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. વરઘોડામાં તોફાન થવાની આશંકાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ ગામમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રજપૂતોએ વરઘોડો રોકતા દલિત કન્યા ઘોડી પર બેસી કલેક્ટર પાસે પહોંચી
પોલીસ પ્રોટેક્શન હેઠળ વરઘોડો શાંતિપૂર્ણ રીતે શરૂ થયો હતો અને ગામના માર્ગો પર આગળ વધી રહ્યો હતો. પરંતુ, વરઘોડો જ્યારે ગામની મધ્યમાં આવેલા પ્રખ્યાત ચારભુજા મંદિર પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં હાજર રાજપૂત અને અન્ય ઉચ્ચ જ્ઞાતિના કેટલાક શખ્સોએ પોલીસની હાજરી છતાં વરઘોડો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સોએ દલિત વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરી જવા માટે દબાણ કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો. જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા કરાયેલા આ તોફાનને કારણે સ્થળ પર તણાવ વ્યાપી ગયો હતો.
જો કે, ઘટનાસ્થળે હાજર પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ સુરક્ષા વચ્ચે જ વરઘોડાને આગળ ધપાવીને તેના નિર્ધારિત સ્થળ સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ બાદ રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં રાત્રિ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું હતું.

આ પણ વાંચોઃ 150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
પીડિત પક્ષની ફરિયાદના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. એડિશનલ એસપી સરિતા સિંહ અને ડીએસપી શિવપ્રકાશના સુપરવિઝન હેઠળ રાશમી પોલીસ સ્ટેશનના અધિકારી રતન સિંહ અને તેમની ટીમે વરઘોડો રોકનારા અને અસામાજિક કૃત્ય કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં દેવેન્દ્ર સિંહ ઉર્ફે પપ્પુ સિંહ રાજપૂત (ઉં.વ. 42), ગણેશ સિંહ રાજપૂત (ઉં.વ. 40), ભંવરપુરી ગોસ્વામી (ઉં.વ. 67) અને પ્રભુલાલ જાટ (ઉં.વ. 45) નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાબંદ કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સામાજિક સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા બગાડનારા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને ગામમાં શાંતિ જાળવવા અપીલ કરાઈ છે.
આ પણ વાંચોઃ બે પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો!











