ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDC સ્થિત સિનઝીલ ફાર્માકેમ કંપનીમાં ગત રાત્રે એક અત્યંત ભયાનક દુર્ઘટના ઘટી હતી. કંપનીના પ્લાન્ટમાં હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન અચાનક પ્રચંડ વિસ્ફોટ થતાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાની આશંકા વચ્ચે અફરાતફરી સર્જાઈ હતી અને સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
15 કિમી દૂર સુધી ધડાકો સંભળાયો, ટ્રેક્ટરનું ટાયર ફાટી ગયું
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે આશરે 10:30 થી 11:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કંપનીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક અને તીવ્ર હતો કે તેનો અવાજ ઘટનાસ્થળથી આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કંપનીથી 200 મીટર દૂર ઊભેલા ટ્રેક્ટરનું ટાયર પણ ફાટી ગયું હતું અને આસપાસની અન્ય કંપનીઓના સ્ટ્રક્ચર ધ્રૂજી ઊઠ્યા હતા. પ્લાન્ટની અંદર રહેલી મશીનરીના કટકા થઈને દૂર દૂર સુધી વેરાઈ ગયા હતા.

ગેસ લીકેજથી નાસભાગ મચી, ગ્રામજનોમાં આક્રોશ
વિસ્ફોટ થયા બાદ તુરંત જ કંપની પરિસરમાં ગેસ લીકેજ શરૂ થયો હતો. ઝેરી વાયુ ફેલાતાની સાથે જ સ્થળ પર હાજર શ્રમિકો અને આસપાસના લોકોની આંખોમાં તીવ્ર બળતરા શરૂ થઈ ગઈ હતી. જીવ બચાવવા માટે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવ સમયે કંપનીમાં આશરે 20 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગટર સફાઈ દરમિયાન બાપ-દીકરા સહિત 3નાં મોત, મૃતદેહો રઝળ્યાં
બીજી તરફ, સ્થાનિક ગ્રામજનો અને પ્રત્યક્ષદર્શીઓમાં કંપની સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીમાં અગાઉ પણ આગની ઘટના બની હતી અને દુર્ઘટના સમયે સાચો આંકડો છુપાવવાનો પ્રયાસ કરાય છે. ગેસ એટલી હદે ફેલાયો હતો કે નજીક ઊભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. ગ્રામજનોએ મૃતક શ્રમિકોના પરિવારોને પૂરેપૂરું યોગ્ય વળતર આપવાની અને કડક પગલાં ભરવાની માંગ કરી છે.
કંપનીને કામગીરી બંધ કરવાની નોટિસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ એસડીએમ મનીષા માનાણી, વાગરા પોલીસ, મામલતદાર તેમજ ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મે-જૂન મહિનામાં જ કાર્યરત થયેલી આ ફાર્મા કંપનીમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે જ કંપનીને કામગીરી બંધ કરી દેવાની નોટિસ ફટકારી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ બેદરકારી દાખવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
મિથાઇલ ડાયક્લોરાઇડ ગેસ લીક થયો હોવાની આશંકા
દુર્ઘટના દરમિયાન મિથાઇલ ડાયક્લોરાઇડ ગેસ લીક થયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જે હવામાં ઝડપથી ઉડી જતું અને જમીન પર ફેલાતું જોખમી રસાયણ છે. તેના સંપર્કમાં આવવાથી માથાનો દુખાવો, ચક્કર, ઊબકા અને બેભાન થવા જેવા લક્ષણો દેખાય છે તેમજ આંખો અને ત્વચા પર ગંભીર અસર થાય છે.
આવા ઔદ્યોગિક ગેસ લીકેજના કટોકટીભર્યા સમયે સામાન્ય નાગરિકોએ ઘરના દરવાજા-બારીઓ તરત જ બંધ કરી દેવા જોઈએ અને ભીનું કપડું નાક પર રાખવું જોઈએ. હવા વહી રહી હોય તેની વિરુદ્ધ દિશામાં જવું જોઈએ તેમજ તણખાથી બચવા માટે વીજળીના બટનો કે આગનો ઉપયોગ ન કરવો જોઈએ.
આ પણ વાંચોઃ ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?











