ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું

ગાંધીનગરના ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના SC-ST સમાજના પત્રકારોના રજિસ્ટર્ડ સંગઠન 'અજાજ મીડિયા ટ્રસ્ટ'નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
SC-ST journalists

ગાંધીનગરના સેક્ટર-12 માં ગઈકાલે તા. 26 ઓક્ટોબર 2025ના રોજ ડો.આંબેડકર હોલ ખાતે ગુજરાતના એકમાત્ર વિશ્વસનીય અને રજિસ્ટર્ડ અનુ.જાતિ અને અનુ.જનજાતિના પત્રકારોના સંગઠન ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી એસસી-એસટી સમાજના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહમિલન કાર્યક્રમ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર, લેખક, ચિંતક, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ ચંદુ મહેરીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ખ્યાતિપ્રાપ્ત સાહિત્યકાર, વક્તા અને જાણીતા કર્મશીલ રાજુ સોલંકી તેમજ અજાજ મીડિયા ટ્રસ્ટના પેટ્રન મૂળચંદ રાણા, સ્થાપક પ્રમુખ નટુભાઈ પરમાર, વર્તમાન પ્રમુખ રમેશ સોલંકી, મહામંત્રી ભરત દેવમણી, હિતેન્દ્ર પીઠડીયા, યોગીતાબેન પટેલ, અર્ચનાબેન પરમાર સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી અજાજના સભ્ય પત્રકાર ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

SC-ST journalists

ટ્રસ્ટના પ્રમુખ ભરત દેવમણીએ સંસ્થાના હિસાબો રજૂ કર્યા

કાર્યક્રમના પ્રારંભે અજાજના પ્રમુખ રમેશ સોલંકીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને અજાજ મીડિયા ટ્રસ્ટના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી સમગ્ર ગુજરાતમાંથી વધુને વધુ પત્રકારો અજાજ મીડિયા સાથે જોડાઈને સંગઠનને વધુ મજબૂત બનાવી એસટી એસટીના પત્રકારોને લગતા તેમજ સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણમાં કલમના માધ્યમથી તેમનું યોગદાન આપે તે માટે હાકલ કરી હતી. ત્યારબાદ અજાજ મીડિયા ટ્રસ્ટના મહામંત્રી ભરત દેવમણિએ સંસ્થાના હિસાબો રજૂ કરી આગામી સમયમાં ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવનાર કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી.

આ પણ વાંચો: કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..

SC-ST journalists

ચંદુ મહેરિયા, રાજુ સોલંકી, નટુભાઈ પરમારના ધારદાર વક્તવ્યો

આ પ્રસંગે મુખ્ય વક્તાઓ ચંદુભાઈ મહેરીયા, રાજુભાઈ સોલંકી અને નટુભાઈ પરમારે પ્રેરક વક્તવ્ય આપી સમયના બદલાવ અને સમાજની જરૂરિયાત મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોને જાગૃત બની સમાજ ઘડતરમાં તેમનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે વિવિધ દાખલા દ્રષ્ટાંતો સાથે વર્તમાન સમયમાં લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારો અને મીડિયા પર વધી રહેલા રાજકીય દબાણ અને ગોદી મીડિયાના વધી રહેલા પ્રભાવ પર પ્રકાશ પાડી આવા સંજોગોમાં પત્રકારોને તટસ્થ અને મક્કમતાથી સત્યની પડખે રહી સાચા સમાચારો અને અહેવાલો નીડરતાપૂર્વક  પ્રકાશિત કરવા તેમજ એસસી એસટી સમાજ પર થઈ રહેલા અત્યાચાર, અન્યાય અને શોષણ સામે મીડિયાના માધ્યમથી અવાજ બુલંદ બનાવવા હિમાયત કરી હતી.

SC-ST journalists

આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ નિવૃત્ત સનદી અધિકારી એમ.બી.પરમાર નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી ન શકતા તેમના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યભરમાંથી આવેલા એસટી-એસટી પત્રકાર ભાઈઓ-બહેનો દ્વારા  ‘ખુલ્લી ચર્ચા’માં અજાજ મીડિયા ટ્રસ્ટને વધુ મજબૂત બનાવવા મહત્વના સૂચનો રજૂ થયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ શ્રીમાળીએ અને આભારદર્શન બાબુભાઈ મેસરવાળાએ કર્યું હતું.

એસસી-એસટી સમાજના દિગ્ગજ પત્રકારો-લેખકોનો જમાવડો

આ કાર્યક્રમમાં બહુજન સમાજના દિગ્ગજ લેખકો, પત્રકારો અને કર્મશીલોનો જમાવડો જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં લેખકો રમણ વાઘેલા, કવિ સાહિલ પરમાર, અમિત જ્યોતિકર, ધીરૂભાઈ કોટવાલ, ભરત ચૌહાણ, ભાનુભાઈ દવે, ગિરીશ મારૂ, શૈલેષ ચૌહાણ, ડો.નરસિંહદાસ વણકર, ગુલાબદાસ પટેલ, તુષાર પરમાર, ભૂપેન્દ્ર શ્રીમાળી, સુરેશ પારઘી, વિરાગ સુતરિયા, યોગેન્દૂ ચૌહાણ, સી.જે.રાઠોડ, નારણભાઈ વાઘેલા, પદ્મરાજ હિતેચ્છુ, મૂળચંદ રાઠોડ, અણદાભાઈ ચાવડા, નિલેશ ઈટાલીયા, હરેશ મકવાણા, નગીનચંદ્ર ડોડીયા, મોહન બાલુવાકર, કલ્પેશ વોરા, અજીત સોલંકી, જયેશ વેગડા, રસીલાબેન પરમાર, રવીના કોટવાલ, એડવોકેટ અર્ચના સોલંકી, બલદેવ વાઘેલા, નીતિન દલાલ, કનુભાઈ પરમાર, જયેશ વેગડા, રાજુ ઝાલા, ભીખુભાઈ, આર.એલ.પરમાર, મુકેશભાઈ પરમાર તથા પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ અને જનજાતિના મિડિયાકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SC-ST journalists

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા

ગુજરાતના પ્રથમ દલિત સામયિકનું સ્મારક ઉભું થવું જોઈએઃ ચંદુ મહેરિયા

કાર્યક્રમમાં ચંદુભાઈ મહેરિયાએ તેમના અધ્યક્ષીય વક્તવ્યમાં ૧૯૩૦માં લલ્લુભાઈ મકવાણાના તંત્રીપદે અમદાવાદથી શરૂ થયેલા ગુજરાતના સૌ પ્રથમ દલિત સામયિક ‘નવયુવક’ને ૨૦૩૦માં ૧૦૦ વર્ષ પુરા થાય છે ત્યારે એમની સ્મૃતિમાં અમદાવાદમાં સ્મારક ઊભું કરવા, એ કાળથી આ સમય સુધીના પ્રતિષ્ઠિત દલિત સામયિકોનું કોઈ કાયમી સંગ્રહાલય ઊભું કરવા અને ગુજરાતમાં પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક-ડિજિટલ મિડિયા ક્ષેત્રે કાર્યરત દલિત-આદિવાસી મિડિયાકર્મીઓનો ડેટાબેઝ ઊભો કરવા અને દલિત-આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને મુખ્યધારાના મિડિયામાં સ્થાન ન પામતા આ વર્ગના પ્રશ્નો સામે સંગઠનની શક્તિથી અવાજ ઉઠાવવા અને એની આગેવાની લેવા ‘અજાજ’ સંગઠનને આહ્વાન કર્યું હતું.

ગોદી મીડિયા પહેલેથી ગોદી, જાતિવાદી, બ્રાહ્મવાદી છેઃ રાજુ સોલંકી

પોતાના બેબાક લેખન અને વક્તવ્ય માટે જાણીતા અને કાર્યક્રમના અતિથિ વિશેષ એવા કર્મશીલ રાજુભાઈ સોલંકીએ, ‘ગોદી મિડિયા’ એ કેવળ આજની હકીકત નહીં પણ તે તો પહેલેથી જ ગોદી, જાતિવાદી અને બ્રાહ્મણવાદી રહ્યું હોવાના સંખ્યાબંધ આંખ ઉઘાડતા ઐતિહાસિક ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે ગુજરાતના ખ્યાતિપ્રાપ્ત દૈનિકોમાં કામ કરતી વખતે તેમને થયેલા ‘જાતિવાદી મીડિયા’ના સાક્ષાત્કારના દિલધડક અનુભવો-પ્રસંગો વર્ણવ્યા હતા.

SC-ST journalists

પૂર્વ સંયુક્ત માહિતી અધિકારી નટુભાઈ પરમારે શું કહ્યું?

અતિથિરૂપે ઉપસ્થિત નટુભાઈ પરમારે વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ તેમના તાજા પ્રકાશિત પુસ્તક ‘2024 : The Election That Surprised India’માં ભારતીય મીડિયાના ‘ગોદી મીડિયા’ તરફના પ્રયાણ, ભારતીય ઈતિહાસમાં આ પૂર્વે ક્યારેય નહીં એવા શાશકપક્ષ પ્રેરિત આજના અભૂતપૂર્વ ‘મિડિયા મેનેજમેન્ટ’, તેના ખેલંદાઓ અને ‘ગોદી મીડિયાના ભાવિ’ પર, એક જાણતલ પત્રકાર તરીકે જે સિલસિલાબંધ હકીકતો રજૂ કરી છે, તેના કેટલાક મહત્વના અંશો આધારિત વક્તવ્ય રજૂ કર્યું હતું.

(અહેવાલ- રમેશ સોલંકી, પાટણ, તસવીરોઃ મૃગેશ ગોહેલ, ગાંધીનગર)

આ પણ વાંચો: દલિત રાજનીતિની વાતો કરતા પક્ષોએ SC અનામત સીટો પર રમત કરી!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
વિનોદ પરમાર
વિનોદ પરમાર
17 days ago

હું આપના આર્ટિકલ નિયમિત રૂપે વાંચુ છું. હું આપનો આભાર પ્રકટ કરું છું

Natubhai Parmar
Natubhai Parmar
17 days ago

Thank you so much ‘khabarantar’ !

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x