ગાંધીનગરમાં ગુજરાતના 20 દલિત અત્યાચારોના પીડિતો એક મંચ પર હશે!

ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
A historic reflection session on Dalit atrocities

ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ દાયકાથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST) સમાજ પર થતા અત્યાચારોની ઘટનાઓમાં ચિંતાજનક અને ભયાનક વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પણ દલિતો પર હત્યા, સામૂહિક હુમલા, સામાજિક બહિષ્કાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં થતા ભેદભાવના કિસ્સાઓ સતત સમાચારપત્રોની હેડલાઈન બની રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને વાચા આપવા અને પીડિતોને ન્યાય અપાવવાના હેતુથી ‘મહાગુજરાત SC-ST મહાસભા’ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરના ડૉ. આંબેડકર હોલ ખાતે એક ઐતિહાસિક “ચિંતન સભા અને પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગુજરાતના સામાજિક આંદોલનના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ઘટના બની રહેશે, કારણ કે અહીં માત્ર ભાષણો નહીં થાય, પરંતુ અત્યાચારના જીવંત પુરાવા સમાન પીડિત પરિવારો પોતાની આપવીતી રજૂ કરશે.

અનેક અત્યાચાર કેસોના પીડિતો ઉપસ્થિતિ રહેશે

આ ચિંતન સભામાં ગુજરાતના એવા કેસોની ચર્ચા થશે જેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવી હતી. જેમાં વર્ષ 2016નો કુખ્યાત ‘ઉના કાંડ’ મુખ્ય છે. મરેલી ગાયનું ચામડું ઉતારવા બદલ ગૌરક્ષકોના નામે આવેલા તત્વોએ દલિત યુવકોને કાર સાથે બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. આ કેસના મુખ્ય પીડિત વશરામભાઈ બાલુભાઈ સરવૈયા પોતે હાજર રહી ન્યાયની પ્રક્રિયામાં થતા વિલંબ વિશે વાત કરશે. તેવી જ રીતે, 2012માં થાનગઢમાં થયેલા પોલીસ ગોળીબારમાં ત્રણ નિર્દોષ દલિત યુવાનોની હત્યા કરવામાં આવી હતી, જેમના પિતા વાલજીભાઈ રાઠોડ આજે 14 વર્ષ પછી પણ ન્યાય માટે લડી રહ્યા છે, તેઓ પણ આ મંચ પરથી ગર્જના કરશે.

આ પણ વાંચો: આખા ગામના બ્રાહ્મણો પર એટ્રોસિટીની ફરિયાદ’ થઈ તે હકીકત છે?

આ ઉપરાંત, ઉનાના અંકોલાળી ગામે 2012માં દલિત યુવાનને જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટનાના પીડિત પીયુષ સરવૈયા, 2018માં અમરેલીમાં થયેલી મહેશ રતિલાલ ઝાલાની હત્યાના પરિવારજન દીપકભાઈ ઝાલા, અને 2020માં બનેલા ચંદ્રિકાબેન ભીખાભાઈ બોરીચા હત્યા કેસના પીડિતો પણ હાજર રહેશે. આ તમામ કેસો દર્શાવે છે કે સમય બદલાયો છે પણ દલિતો પ્રત્યેની માનસિકતામાં કોઈ સુધારો થયો નથી.

શિક્ષણ સંસ્થાઓમાં ફેલાયેલા જાતિવાદ સામે અવાજ ઉઠાવાશે

કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા અદ્રશ્ય જાતિવાદ પર પણ પ્રકાશ પાડવામાં આવશે. IIT બોમ્બેમાં અભ્યાસ કરતા અને જાતિવાદી ભેદભાવના ત્રાસથી આત્મહત્યા કરનાર તેજસ્વી વિદ્યાર્થી દર્શન સોલંકીના પિતા રમેશભાઈ સોલંકી હાજર રહેશે. તેમજ વર્ષ 2025માં જ પાંચ લોકોના ત્રાસથી આત્મહત્યા કરનાર અંકિત સોલંકીના પરિવારજનો પણ ન્યાયની માગણી સાથે જોડાશે.

A historic reflection session on Dalit atrocities

અમદાવાદ જેવા વિકસિત શહેરોમાં પણ દલિતો સુરક્ષિત નથી, તેની સાક્ષી પૂરે છે 2023નો વાસણાનો કાર ચડાવી હત્યા કરી દેવાનો કેસ અને ઘાટલોડિયામાં હરગોવનભાઈ મફાભાઈ પરમાર પર થયેલો સામૂહિક હુમલો. રાયખડના ધ્રુવ જાદવ અને રામોલ હત્યા કેસના પીડિત પરિવારો પણ આ ઐતિહાસિક સભાનો ભાગ બનશે. પોરબંદરના ભોળડર ગામમાં થયેલી હત્યા અને ત્યારબાદ આખા પરિવારની હિજરતની ઘટના એ બાબતની સાક્ષી પૂરે છે કે આજે પણ જમીન-મકાન હડપવા માટે અને સામાજિક દરજ્જો નીચો બતાવવા માટે કેવા અત્યાચારો ગુજારવામાં આવે છે.

આ પણ વાંચો: ‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

પોરબંદરના વીંઝરાણા ગામના માજી સરપંચ સુમનભાઈ ચાવડા પર થયેલો જીવલેણ હુમલો અને નરોડામાં અનિતાબેન વાઘેલાની બળાત્કારની કોશિશ બાદ થયેલી હત્યા જેવા કેસો સમાજની સુરક્ષા પર સવાલ ઉભા કરે છે.
જિગ્નેશ મેવાણીનું સમાજરત્ન એવોર્ડથી સન્માન કરાશે

આ ચિંતન સભામાં માત્ર વેદના જ નહીં, પણ લડતની શક્તિ પણ જોવા મળશે. દલિતો અને વંચિતોના હકો માટે સદાય અગ્રેસર રહેતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું ‘સમાજરત્ન’ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ સન્માન તેમના વર્ષોના સંઘર્ષ અને પીડિતોને ન્યાય અપાવવાની તેમની મક્કમતાની સ્વીકૃતિ છે. સભામાં અત્યાચાર સામે અડગ રહીને લડત આપનાર તમામ પીડિત પરિવારોનું જાહેર બહુમાન પણ કરવામાં આવશે, જેથી તેમને સામાજિક ટેકો મળી રહે.

આ પણ વાંચો: થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર કેસનું શું થયું?

મહાસભાના આયોજકો દ્વારા આ દિવસે કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ અને ભાવિ રણનીતિ પણ સ્પષ્ટ કરવામાં આવશે. જેમાં SC/ST એટ્રોસિટી એક્ટનો રાજ્યમાં કડક અને અસરકારક અમલ થાય, પીડિત પરિવારોને ઝડપી વળતર અને કાયદાકીય સહાય મળે, અને આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે (જેમ કે માંડલ તાલુકાના વરમોર ગામના કેસમાં અત્યાચાર થયો) તેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે.

સાંજે ૪:૦૦ વાગ્યે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં તમામ પીડિતો અને સામાજિક આગેવાનો મીડિયા દ્વારા સરકાર અને વહીવટીતંત્રને જગાડવાનો પ્રયાસ કરશે. આ આખો કાર્યક્રમ સવારે 10.00 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જેમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં ભીમ યોદ્ધાઓ અને માનવ અધિકાર કાર્યકરો ઉમટી પડશે તેવી અપેક્ષા છે. આ ચિંતન સભા આવનારા સમયમાં ગુજરાતમાં દલિત અધિકારોની લડત માટે નવી દિશા નક્કી કરશે.

(વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, પ્રદેશ પ્રમુખ, એસસી-એસટી મહાસભા, ગુજરાત)

આ પણ વાંચો: ન્યાય કે મજાક? ઉના કાંડમાં 10 વર્ષ બાદ 5 આરોપીને માત્ર 5 વર્ષની સજા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x