Adivasi Atrocity: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આદિવાસી સમાજમાંથી આવતા એક નિષ્ઠાવાન પોલીસ કોન્સ્ટેબલ પર ગત રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મેમ્કો વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક માથાભારે દરબાર શખ્સે પોલીસકર્મીને રસ્તામાં આંતરી, તેમની જ્ઞાતિ વિશે અત્યંત અપમાનજનક શબ્દો બોલી, દંડા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા પાછળ અગાઉની ફરજ દરમિયાન થયેલી સામાન્ય પૂછપરછની અદાવત જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
મામલો શું હતો
આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો, મૂળ નર્મદા જિલ્લાના ઢોલાર ગામના વતની અને હાલ નરોડા પોલીસ લાઈનમાં રહેતા જયેશભાઈ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. 6 એપ્રિલ, સોમવારના રોજ તેઓ પીએસઆઈ એમ.બી. ચાવડા અને અન્ય સાથી કર્મચારીઓ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા. રાત્રિના સમયે મંગલપાંડે હોલની બાજુમાં આવેલા જાહેર બગીચામાં એક યુવક શંકાસ્પદ હાલતમાં બેઠો હતો.

પોલીસની પ્રાથમિક ફરજ મુજબ, કોન્સ્ટેબલ જયેશ વસાવાએ તેની પાસે જઈને નામ પૂછ્યું હતું. જોકે, આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાએ અહંકારમાં આવી પોતાનું નામ આપવાની ના પાડી દીધી હતી. જ્યારે જયેશભાઈએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી, ત્યારે જીતેન્દ્રસિંહે ઉદ્ધત વર્તન શરૂ કર્યું હતું. તે સમયે પોલીસે તેને અટકાયતમાં લીધો હતો, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેણે માફી માંગી લેતા માનવતાના ધોરણે તેને કોઈ પણ કાયદેસરની કાર્યવાહી વગર જવા દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 34 વર્ષ પહેલા ફેક એન્કાઉન્ટર થયું, આદિવાસી મહિલાએ ન્યાય માટે જમીન વેચી દીધી
જાતિસૂચક અપશબ્દો કહી હુમલો કર્યો
પોલીસે જે ઉદારતા બતાવી હતી, તેને આરોપીએ પોતાની હાર માની લીધી હતી. આરોપી જીતેન્દ્રસિંહના મનમાં એ વાતની ભારે અદાવત હતી કે એક આદિવાસી પોલીસકર્મીએ તેને તેનું નામ પૂછવાની હિંમત કેમ કરી. આ જ બાબતની અદાવત રાખીને બીજા જ દિવસે એટલે કે 7 એપ્રિલની રાત્રે, જ્યારે જયેશભાઈ પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ તેમને આંતર્યા હતા.
જયેશભાઈ મેમ્કો રાજીવગાંધી ભવન પાસે એક હોટલ પર ભોજનનું પાર્સલ લેવા ઊભા હતા, ત્યારે જીતેન્દ્રસિંહ પોતાની બાઇક લઈને ત્યાં ધસી આવ્યો હતો. તેના હાથમાં લાકડી (દંડો) હતો. તેણે જાહેરમાં જ બૂમો પાડીને જયેશભાઈને જાતિવાચક ગાળો આપવાનું શરૂ કર્યું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આરોપી બોલી રહ્યો હતો કે, “કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી જ દેવાનો છે.” આરોપીએ કોન્સ્ટેબલ આદિવાસી હોવાથી તેમને નીચા દેખાડવા માટે અત્યંત અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર લાકડીના આડેધડ ઘા ઝીંક્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવકે મજૂરી માંગતા માલિકે ગોળના ઉકળતા કૂંડમાં ફેંકી દીધો!
એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
આ હુમલામાં જયેશભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ શહેરકોટડા પોલીસ અને મેઘાણીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભોગ બનનાર કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે જીતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ હત્યાની કોશિષ (Attempt to Murder) અને ખાસ કરીને એસ.સી./એસ.ટી. અત્યાચાર નિવારણ ધારો (Atrocity Act) મુજબ ગુનો નોંધ્યો છે.
આ કિસ્સો એ બાબત તરફ આંગળી ચીંધે છે કે આજે પણ સમાજમાં અમુક અસામાજિક તત્વોમાં જ્ઞાતિવાદનું ઝેર એટલું વ્યાપેલું છે કે તેઓ કાયદાના રક્ષક પર હુમલો કરતા પણ અચકાતા નથી. એક આદિવાસી પોલીસકર્મીએ પોતાની ફરજ બજાવી તે આરોપીને મન અપરાધ સમાન લાગ્યું. હાલમાં પોલીસે આરોપી જીતેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેથી ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી પર આવી રીતે હુમલો કરવાની હિંમત ન કરે.
આ પણ વાંચો: AAP ધારાસભ્યના સાળાએ દલિત પરિવારોના ઘર સળગાવી દીધાં!











*જ્યાં દેશને બચાવવાનો સમય છે, ત્યાં જાતિવાદનાં નામે શા માટે લોહી ઉકાળા કરવા પડે છે? શરીરને નુકશાન અને પૈસાની બરબાદી, આ જાતિવાદી શેતાનનું જ ખરાબ કામ છે! “જીવો અને જીવવા દો”! ધન્યવાદ!