LPG સિલિન્ડરના એક બાટલા માટે યુવકે 200 કિમી. દૂર જવું પડ્યું!

LPG સિલિન્ડરની તંગીનો હૃદયદ્રાવક કિસ્સો. પથારીવશ માતા-પિતા માટે એક મજબૂર દીકરાએ ઓફિસમાં રજા રાખી 200 કિમીનો પ્રવાસ ખેડ્યો. 9 કલાક લાઈનમાં ઉભો રહ્યો. ગેસ મળ્યો કે નહીં?
LPG viral video

પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસરો હવે માત્ર આંતરરાષ્ટ્રીય સરહદો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે ભારતના અંતરિયાળ ગામડાઓના ગરીબ પરિવારોના રસોડા સુધી પહોંચી ગઈ છે. સમગ્ર દેશમાં અત્યારે એલપીજી (LPG) સિલિન્ડરની ભારે કટોકટી સર્જાઈ છે, જેના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

આ કટોકટીનો સૌથી હૃદયદ્રાવક કિસ્સો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક માળી તરીકે કામ કરતા યુવાને તેના પથારીવશ અને ગંભીર રીતે બીમાર માતા-પિતા માટે રાંધણ ગેસના એક સિલિન્ડરની વ્યવસ્થા કરવા 200 કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. આટલું જ નહીં, કડકડતી ઠંડીમાં વહેલી સવારે 8 કિલોમીટર પગપાળા ચાલીને તેણે 9 કલાક સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવું પડ્યું ત્યારે માંડ એક સિલિન્ડર મળ્યું હતું. આ ઘટના વર્તમાન ઉર્જા સંકટ અને સામાન્ય જનતાની વધતી જતી લાચારીનું ખૂબ જ ગંભીર અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

પથારીવશ માતાપિતા માટે 200 કિમીનો પ્રવાસ ખેડ્યો

બારાબંકી જિલ્લાના ટીંડોલા બરેઠી ગામનો રહેવાસી અરુણ કુમાર શાહજહાંપુર જિલ્લામાં માળી તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અરુણના માથે જવાબદારીઓનો પહાડ છે, કારણ કે તેનો પરિવાર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેની માતા તાજેતરમાં જ બ્રેઈન હેમરેજની શિકાર બની છે અને પિતા કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડી રહ્યા છે. હાલમાં તેના માતા-પિતા પથારીવશ છે અને તેઓ પોતાની સામાન્ય જરૂરિયાતો માટે પણ અન્ય પર નિર્ભર છે.

આ પણ વાંચો: “અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”

આ ઉપરાંત અરુણના પરિવારમાં તેની બે નાની દીકરીઓ પણ છે જેઓ શાળાએ જાય છે. આખા પરિવારમાં કમાનાર તે એકમાત્ર સભ્ય હોવાથી તેને ઘરેથી 200 કિમી દૂર નોકરી કરવી પડે છે. જ્યારે તેને ગામડેથી ફોન આવ્યો કે ઘરમાં રાંધણ ગેસ બિલકુલ ખતમ થઈ ગયો છે અને સ્થાનિક એજન્સી દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવતી નથી, ત્યારે તે ચિંતામાં મુકાઈ ગયો હતો. બીમાર માતા-પિતા અને બાળકો માટે ભોજન બનાવવાની ગંભીર સમસ્યા ઉભી થતા તેણે તાત્કાલિક નોકરી પરથી એક દિવસની રજા લીધી અને 200 કિલોમીટરની મુસાફરી કરીને પોતાના વતન પહોંચ્યો હતો.

વહેલી સવારે 8 કિ.મી. ચાલીને ગેસ એન્જસીએ પહોંચ્યો

અરુણ કુમારે જણાવ્યું હતું કે તેણે લગભગ ચારથી પાંચ દિવસ પહેલા જ ઓનલાઈન સિલિન્ડર બુક કરાવ્યું હતું, પરંતુ યુદ્ધની અસરોને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જતા એજન્સી દ્વારા તેને ઘરે પહોંચાડવામાં આવ્યો નહોતો. ઘરે રાંધણ ગેસ ન હોવાથી ચૂલો સળગવો મુશ્કેલ હતો, તેથી અરુણે જાતે જ ગેસ એજન્સી પર જઈને સિલિન્ડર લેવાનો નિર્ધાર કર્યો હતો. બુધવારે વહેલી સવારે જ્યારે આખું ગામ ગાઢ નિદ્રામાં હતું, ત્યારે 3.00 વાગ્યે અરુણ પોતાના ઘરેથી નીકળી ગયો હતો.

આ પણ વાંચો: મોદીરાજમાં ED એ 6444 કેસ નોંધ્યા, સજા માત્ર 56માં થઈ!

તેની પાસે વાહન ન હોવાથી તેણે 8 કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું હતું. જ્યારે તે ગેસ એજન્સી પર પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ લાંબી કતાર લાગી હતી. એજન્સી સવારે 10 વાગ્યે ખુલવાની હતી, છતાં અરુણ 7 કલાક વહેલો પહોંચીને લાઈનમાં ઉભો રહ્યો હતો. અંતે, બપોરે 12 વાગ્યે, એટલે કે સતત 9 કલાકની લાંબી રાહ જોયા બાદ તેને એક સિલિન્ડર મળ્યું હતું. અરુણના જણાવ્યા મુજબ, વધતા જતા ભાવો અને મોડા પુરવઠાને કારણે મજૂર વર્ગ અને ગરીબ પરિવારો માટે હવે બે ટંકનું ભોજન બનાવવું પણ સંઘર્ષ સમાન બની ગયું છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા અને સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) દ્વારા પ્રકાશમાં આવતા જ જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બારાબંકીના જિલ્લા સપ્લાય ઓફિસર રાકેશ તિવારીએ તાત્કાલિક અસરથી આ બાબતની તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગેસ એજન્સી દ્વારા અરુણ કુમારને તે જ દિવસે સિલિન્ડર પૂરો પાડવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા ગેસ એજન્સીને સૂચના આપવામાં આવી છે કે બીમાર માતા-પિતા ધરાવતા આ પરિવારને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. અરુણને હવે ગેસ એજન્સીનો સીધો સંપર્ક નંબર પણ આપી દેવામાં આવ્યો છે, જેથી તે જ્યારે પણ શાહજહાંપુરથી રજા લઈને આવે ત્યારે તેને લાઈનમાં ઉભા રહેવાની જરૂર ન પડે અને સિલિન્ડર સીધું ઘરે પહોંચાડી શકાય. અરુણે પુષ્ટિ કરી છે કે તેને સિલિન્ડર મળી ગયો છે અને હવે તેના પરિવારને થોડા સમય માટે રાહત થશે.

આ પણ વાંચો: ‘SC-ST-OBC સ્ત્રી પર બળાત્કાર કરવાથી તીર્થનું ફળ મળે!’

યુદ્ધે સામાન્ય ભારતીયોનું જીવવું હરામ કર્યું

અરુણ કુમારની આ આપવીતી માત્ર એક વ્યક્તિની સમસ્યા નથી, પરંતુ તે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક ગેસ કટોકટીની ભારતીય સામાન્ય જનતા પરની માઠી અસરનું પ્રતિબિંબ છે. રશિયા-યુક્રેન બાદ હવે પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવમાં વધારો થયો છે અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધની ભયાનકતા જ્યારે અરુણ જેવા એક સામાન્ય માળીના જીવનને સ્પર્શે છે, ત્યારે તે સાબિત કરે છે કે દુનિયા કેટલી પરસ્પર જોડાયેલી છે.

જે વ્યક્તિ આખો મહિનો મહેનત કરીને પૈસા કમાય છે, તેને પોતાના બીમાર માતા-પિતા માટે રાંધણ ગેસ લેવા માટે પણ આખા દિવસની મજૂરી ગુમાવવી પડે અને 200 કિમી દૂરથી આવવું પડે તે વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: બોલો લો! ઉનામાં બે વર્ષથી ચાલતી નકલી બીએડ કોલેજ ઝડપાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x