બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે બે દિવસ પહેલા મોડી રાત્રે એક દલિત સગીરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં હવે પોલીસે રાણપુરના ધારપીપળી ગામના પારસ ધરજીયા નામના આરોપીને ઝડપી લીધો છે. મૃતક સગીરના પિતાએ પારસ ધરજીયા અને તેના મિત્રો વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધારપીપળા ગામના પારસ ધરજીયા અને તેના મિત્રોએ મૃતક સગીરને ફોન કરીને બોલાવીને હત્યા કરી હોવાનું કહેવાય છે.
એ પછી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. સગીરની હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. રાણપુર પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ડીવાયએસપી મનીષા દેસાઈ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો: અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લેવાયું
મામલો શું હતો?
મળતી માહિતી મુજબ, મૃતક દલિત યુવક હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી (ઉં.વ.17) ધંધુકા કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પરિવારજનો પાસેથી મળેલી માહિતી અનુસાર, બે દિવસ પહેલા હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખસોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો. હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોને ચિંતા થવા લાગી હતી. તેમણે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન, ગામની પાણીની ટાંકી પાસેથી હર્ષદનો મૃતદેહ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારજનો અને સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હતો અને તેના પર ઈજાના ગંભીર નિશાનો જોવા મળ્યા હતા. યુવકનો હાથ ભાંગી નાખ્યો હોવાની, ગળું દબાવ્યાના અને છરીના ઘા માર્યા હોવાના નિશાનોની વાત ચર્ચાઈ હતી. બાદમાં આ મામલો હત્યાનો જ હોવાનું સ્પષ્ટ થયું હતું.
દલિત સમાજના અગ્રણીઓ, આગેવાનો હોસ્પિટલ દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, અગ્રણીઓ અને સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. સમાજમાં આક્રોશ એટલો પ્રબળ હતો કે લોકોએ સર્વસંમતિથી એક જ નિર્ણય જાહેર કર્યો હતો કે, જ્યાં સુધી પોલીસ આ ઘાતકી કૃત્યને અંજામ આપનાર હત્યારાઓને ઝડપી પાડશે નહીં, ત્યાં સુધી હર્ષદનો મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?
સમાજના આ નિર્ણયને પગલે પોલીસ પ્રશાસન પર દબાણ વધ્યું હતું. મામલાની ગંભીરતાને જોતા DYSP, LCB સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જાળીલા ગામે અને બોટાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા સહિતનો મસમોટો પોલીસ કાફલો જાળીલા ગામે બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે જાળીલા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સગીરના મૃતદેહ પર ઈજાના અનેક નિશાન મળ્યા
બોટાદના DYSP મહર્ષિ રાવલના જણાવ્યા મુજબ, હર્ષદ સોલંકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. મૃતદેહ પર ઉઝરડા અને ઈજાના નિશાનો સ્પષ્ટપણે મળી આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અમુક શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ આ ઘટનાને હત્યાની શંકાની દિશામાં જ ગંભીરતાથી તપાસી રહી છે.
આ પણ વાંચો: “દેશની 90 ટકા વસ્તી દલિત-OBCની, પણ સેનામાં 10 ટકા લોકોનો કબ્જો”
હત્યારાઓને સજા મળે તો જ અમને શાંતિ થશેઃ પરિવારજનો
હર્ષદ સોલંકીની હત્યા બાદ તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે બે દિવસ પહેલા રાત્રે હર્ષદને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને ઘરની બહાર બોલાવ્યો હતો. હર્ષદ બહાર ગયા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતાં અમને ચિંતા થવા લાગી હતી અને તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી. અમારા ગામની જે પાણીની ટાંકી છે ત્યાંથી હર્ષદ સોલંકીનો મૃતદે મળી આવ્યો હતો. અમારી માંગ છે કે આમાં જે કોઈ આરોપીઓ હોય તેઓને ઝડપી લઈને સખત સજા થાય તો જ અમને ન્યાય મળશે.
કેબિનેટ મંત્રી પ્રધ્યુમન વાજાએ પરિવારની મુલાકાત લીધી
જાળીલાની આ ઘટનાની જાણ થતા રાજ્યના કેબિનેટ મંત્રી પ્રધ્યુમન વાજા જાળીલા ગામે દોડી આવ્યા હતા. તેમણે મૃતક યુવકના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના આપી હતી. મંત્રીને મળતા પરિવારજનો માં આક્રંદ સાથે ગમગીન વાતાવરણ સર્જાયું હતું. મંત્રીએ આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરાવવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: બોટાદમાં ચોરીના આરોપી સગીરને પોલીસે એટલો માર્યો કે કિડની ફેલ થઈ ગઈ!












*હર્ષદ સોલંકીનાં કાતિલ અને ઠંડે કલેજે મર્ડર કરનારાને
રાજકીય દબાણ મળે તે પહેલાં જ બન્ને હત્યારાઓને
જેલ હવાલે કરો પછી જ ઊંડી તપાસને આગળ વધારશો…! દલિત યુવાનો અને યુવતીઓ શા માટે હત્યાનાં શિકાર બને છે, સમાજ સાથે કઈ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી કામ કરી રહી છે? તે પણ ઊંડી તપાસનો વિષય છે. હર્ષદ નાં આત્માને શાંતિ મળે એવી તથાગત ભગવાન બુદ્ધને અંત:કરણથી પ્રાર્થના તથા દુ:ખી પરિવાર ને મારી સાંત્વના વ્યક્ત કરૂં છું…!