દલિતો સાથે ભેદભાવ માત્ર અસ્પૃશ્યતા, મારામારી, હત્યા કે અપમાન પુરતો મર્યાદિત નથી. સરકારી હોસ્પિટલોમાં પણ દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોય છે. આવી જ એક ઘટનામાં એક દલિત પ્રસુતાનું મોત થઈ ગયું.
ઘટના ઉત્તરપ્રદેશના આગ્રાની છે. અહીંના ફતેહાબાદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) માં આરોગ્ય કર્મચારીઓની બેદરકારીએ એક દલિત પ્રસુતાનો જીવ લઈ લીધો હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, ડિલિવરીના ત્રણ કલાક પછી મહિલાને રજા આપી દેવામાં આવી હતી. ઘરે પહોંચ્યા પછી તેણીને વધુ પડતો રક્તસ્ત્રાવ થયો, જેના કારણે તેનું મોત થઈ ગયું. પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના ફતેહાબાદના થોક ચાચીપુરા ગામમાં બની હતી.
પરિવારજનોએ શું આક્ષેપો કર્યા
મીડિયા રિપોર્ટ્સ થોક ચાચીપુરાના રહેવાસી સુનિલની પત્ની વર્ષા (27) ને 21 ઓક્ટોબર, 2025 ના રોજ ફતેહાબાદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પ્રસૂતિ પીડા દરમિયાન દાખલ કરવામાં આવી હતી. સાંજે લગભગ 4 વાગ્યે વર્ષાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ANM એ એક હજાર રૂપિયા માંગ્યા હતા પરંતુ તેમણે પાંચસો રૂપિયા ચૂકવ્યા. દાયણ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને સફાઈ સ્ટાફે પણ પૈસા માંગ્યા અને સુનીલે બધાને પૈસા ચૂકવી દીધા. હોસ્પિટલ સ્ટાફે મંગળવારે સાંજે પાંચ વાગ્યે વર્ષાને રજા આપી અને તેને ઘરે મોકલી દીધી. બુધવારે સવારે 11 વાગ્યે, વર્ષાને ખૂબ લોહી નીકળવા લાગ્યું. તે બેભાન થઈ ગઈ.
આ પણ વાંચો: એક દલિત નેતાને વિચાર આવ્યો અને દેશમાં રાજધાની એક્સપ્રેસ શરૂ થઈ
એમ્બ્યુલન્સને ફોન ન લાગતા તેને ઓટોમાં સેન્ટ્રલ હેલ્થ સેન્ટર (CHC) લઈ જવામાં આવી. ત્યાંના ડોક્ટરોએ તેને આગ્રા રેફર કરી. અંતે વર્ષાનું SN મેડિકલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, CHC એ તેને ડિલિવરીના માત્ર ત્રણ કલાક પછી ઘરે મોકલી દીધી. જેના કારણે વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે વર્ષાનું મોત થઈ ગયું હતું.
સમાજવાદી પાર્ટીના નેતાએ સવાલો ઉઠાવ્યા
આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના નેતા ઋષિ વાલ્મીકીએ આરોપ લગાવ્યો હતો કે પ્રસુતાને હોસ્પિટલમાંથી ડિલિવરીના ત્રણ કલાકમાં રજા આપીને ઘરે મોકલી દેવામાં આવી હતી. તેના પરિવાર પાસેથી પણ સીએચસીના લોકો દ્વારા પૈસા પડાવવામાં આવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જો દોષિતો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ હોસ્પિટલ સામે વિરોધ પ્રદર્શન કરશે.
CHC ના ઇન્ચાર્જે શું કહ્યું?
આ ઘટના બાદ સીએચસીના અધિક્ષક ડૉ. ઉદય પ્રતાપ સિંહ રાવલે જણાવ્યું હતું કે આ મામલો તેમની જાણમાં નથી. તેઓ આ મામલે તપાસ કરાવશે, અને જો આ કેસમાં કોઈ બેદરકારી જોવા મળશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આદિવાસી પ્રસુતા પાસે હોસ્પિટલે પલંગ સાફ કરાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, સરકારી હોસ્પિટલોમાં આવી બેદરકારી અને સુવિધાઓના અભાવનો આ પહેલો અહેવાલ નથી. અગાઉ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના લાલપુર ગામમાં આદિવાસી મહિલા રોશની મારાવીને હોસ્પિટલના પલંગ સાફ કરવા માટે બોલાવવામાં આવી હતી. આ ઘટના 31 ઓક્ટોબર, 2024 ના રોજ બની હતી. રોશની મારાવી અને તેના પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. રોશનીના પતિ અને સસરાનું મોત થયું હતું, જ્યારે તેના સાળા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગર્ભવતી રોશનીને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડિલિવરી બાદ હોસ્પિટલે રોશનીને લોહીથી ખરડાયેલી પથારી સાફ કરવા માટે મજબૂર કરી હતી.
આ પણ વાંચો: દલિત વૃદ્ધોએ ખાટલા પરથી ઉઠીને ‘રામ રામ’ ન કહેતા છરીથી હુમલો
બળાત્કારનો ભોગ બનેલી સગીરાને સારવાર નહોતી મળી
અગાઉ પટનાના મુઝફ્ફરપુરમાં પણ આવી જ એક ઘટના બની હતી. 26 મે, 2025 ના રોજ અહીંના કુધની પોલીસ સ્ટેશનના એક ગામમાં 10 વર્ષની સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેને ગંભીર હાલતમાં પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવારની રાહ જોતા છ દિવસ સુધી જીવન મરણ ઝોલાં ખાધા બાદ 31 મે 2025ના રોજ સગીરાનું મોત થયું હતું. પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તે ચાર કલાક સુધી એમ્બ્યુલન્સમાં પડી રહી, પરંતુ બેડ અને સારવારના અભાવે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સમાં ચાર કલાક રહ્યા પછી, તેણીને એક વિભાગથી બીજા વિભાગમાં દોડવા માટે મજબૂર કરવામાં આવી હતી.
વર્ષા વાલ્મીકીનું મોત સરકાર-આરોગ્યતંત્રની ગંભીર નિષ્ફળતા
યુપી, બિહાર સહિતના ધર્માંધ અને જાતિવાદી રાજ્યોમાં દલિતો, આદિવાસીઓને સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર નથી મળી રહી. સરકારી હોસ્પિટલોની દયનીય સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે કે હોસ્પિટલોમાં પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમયસર એમ્બ્યુલન્સ ન મળવી અને ડોકટરો તથા સ્ટાફની બેદરકારી સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. આગ્રાની વર્ષા વાલ્મીકિનું મોત સ્પષ્ટ કરે છે કે, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં દલિત મહિલાઓ માટે બાળકને જન્મ આપવા જેવી બાબતો પણ જીવલેણ સાબિત થઈ રહી છે. ત્રણ કલાકની અંદર મહિલાને રજા આપવી અને પછી વધુ પડતા રક્તસ્રાવથી મોત થાય તે દર્શાવે છે કે, આ માત્ર બેદરકારી જ નથી, પરંતુ સરકાર અને આરોગ્ય તંત્રની ગંભીર નિષ્ફળતાનું પરિણામ છે.
આ પણ વાંચો: ભાઈને પકડવા આવેલી પોલીસને જોઈ દલિત કિશોર નદીમાં કૂદી જતા મોત











Users Today : 1747