ઉત્તરપ્રદેશના કન્નૌજમાં એક દલિત યુવકનું વિચિત્ર સ્થિતિમાં મોત થઈ ગયું. રવિવારે બપોરે કન્નૌજના એક ગામમાં તે દલિત યુવકના મોટા ભાઈની શોધમાં પોલીસ તેના ઘરે આવી હતી. યુવકનો ભાઈ અપહરણના કેસમાં વોન્ટેડ હતો. 16 વર્ષીય દલિત કિશોર પોલીસથી બચવાનો પ્રયાસ કરતી વખતે નદીમાં કૂદી ગયો હતો. કન્નૌજના પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું હતું કે બેદરકારી બદલ PSI, SHO અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દરમિયાન, કિશોરને શોધવા માટે તરવૈયા અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમ સાથે કાળી નદીમાં શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે એક સબ-ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલની બનેલી પોલીસ ટીમ દલિત કિશોરના ઘરે જઈને તેના મોટા ભાઈની શોધ કરવા લાગી હતી. આ કેસ આ વર્ષે જાન્યુઆરીમાં 16 વર્ષની છોકરીના અપહરણ સાથે સંબંધિત છે.
આ પણ વાંચો: થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુઓ બુદ્ધના અસ્થિઓના દર્શન કરવા વડોદરા આવ્યા
અપહરણ કેસની તપાસ કરી રહેલા સબ-ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું હતું કે, ગુમ થયેલી છોકરી છેલ્લા કેટલાક મહિનાઓથી એક યુવાનના સંપર્કમાં હતી. યુવકનું ઘર છોકરીના ઘરથી 15 કિલોમીટર દૂર હતું. યુવકના અપહરણમાં સંડોવણી હોવાની માહિતી મળતાં, સબ-ઇન્સ્પેક્ટર એક કોન્સ્ટેબલ સાથે યુવકના ઘરે પહોંચ્યા હતા. જ્યારે તેના પરિવારે પોલીસને જાણ કરી કે તે ઘરે નથી ત્યારે પોલીસ અધિકારીઓ નજીકના ખેતરોમાં ગયા હતા, જ્યાં તે યુવકનો નાનો ભાઈ કામ કરતો હતો.
પોલીસ અધિક્ષક વિનોદ કુમારે જણાવ્યું હતું કે, “પોલીસકર્મીઓને નજીક આવતા જોઈને કિશોર ગભરાઈને દોડવા લાગ્યો, પછી ખેતરથી થોડે દૂર વહેતી કાળી નદીમાં કૂદી ગયો. પ્રાથમિક અહેવાલો અનુસાર, કિશોરને ડર લાગ્યો હતો કે, પોલીસ તેના મોટા ભાઈ સાથે સંકળાયેલા અપહરણ કેસમાં તેની ધરપકડ કરવા આવી છે.”
આ પણ વાંચો: નડિયાદમાં ભાજપે કોંગ્રેસ પ્રમુખ સહિત 6 સામે એટ્રોસિટીની ફરિયાદ કરી
આ દરમિયાન, રાજ્યમંત્રી અસીમ અરુણ અને DIG (કાનપુર) હરીશ ચંદ્રાએ મૃતક કિશોરના પરિવારની મુલાકાત લીધી હતી. સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અરુણે જણાવ્યું હતું કે સરકાર કિશોરના પરિવાર સાથે ઉભી છે અને દોષિત પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
બાદમાં તેમણે પરિવાર અને ડીઆઈજી સાથે મુલાકાત કરી અને યુવકની માતાને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે પરિવારને 5 વીઘા જમીન, મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર, બાળ કલ્યાણ યોજના હેઠળ બંને બાળકો માટે દર મહિને રૂ. 2,500 અને તેમની માતાને પેન્શનનું વચન પણ આપ્યું હતું. જો કે, આ બધું મળે ત્યારે ખરું. હાલ તો યુપી પોલીસની ઘોર બેદરકારીને કારણે એક નિર્દોષ દલિત કિશોરે જીવ ગુમાવ્યો છે અને તે હવે પાછો આવી શકે તેમ નથી.
આ પણ વાંચો: 4 વર્ષની દલિત દીકરીને ખેતરમાં ખેંચી જઈ 4 યુવકોએ ગેંગરેપ કર્યો











Users Today : 769