દુનિયાના વિકસિત દેશો વૈજ્ઞાનિક સંશોધન દ્વારા સતત નીતનવી શોધ કરીને પ્રગતિ કરી રહ્યાં છે. બીજી તરફ આપણો કથિત વિશ્વગુરૂ ભારત દેશ હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રદ્ધામાં આળોટીને સતત અધોગતિ તરફ ગતિ કરી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તાંત્રિક વિધિ કરીને નિર્દોષ લોકોને છૂપો ખજાનો કાઢી બતાવવો, ધંધા-રોજગારમાં પ્રગતિ કરાવી દેવી, નોટોનો વરસાદ કરવો જેવી લાલચો આપીને છેતરવામાં આવે છે. અંધશ્રદ્ધામાં રાચતા લોકો આ બધી બાબતોમાં એ હદે વિશ્વાસ ધરાવતા થઈ જાય છે કે, આ માટે તેઓ નિર્દોષ લોકોની બલિ ચડાવી દેતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના આણંદ જિલ્લાના એક ગામમાં સામે આવી છે. જ્યાં એક શખ્સે સંતાનપ્રાપ્તિ માટે તાંત્રિક વિધિ દરમિયાન એક નિર્દોષ બાળકીની બલિ ચડાવી દેતા ચકચાર મચી ગઈ છે.
આણંદના આંકલાવ તાલુકાના નવાખલ ગામની ઘટના
આણંદના નવાખલ ગામે એક પાંચ વર્ષની બાળકી તુલસીનો તેના કાકાના મિત્રે સંતાનપ્રાપ્તિની તાંત્રિક વિધિ માટે બલિ ચડાવી દીધો હતો. આરોપી શખ્સે ઘરેથી રમવા માટે નીકળેલી તુલસીનું અપહરણ કરી તેની હત્યા કરીને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. નવાખલ ગામની પાંચ વર્ષની બાળકી તુલસી સોલંકી ગઈકાલે સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ રાત પડવા છતાં તે ઘેર પાછી ન ફરતાં પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
ભૂવાના કહેવાથી બાળકીની બલિ ચડાવી દીધી
દરમિયાન પોલીસે શકમંદને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાળકીને કાકાના મિત્રે ભુવાના કહેવાથી બલિ ચડાવી હતી અને સિંઘરોટ નદીમાં ફેંકી દીધી હતી. પોલીસે NDRFની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી છે. તુલસીના પરિવારજનો દ્વારા મંદિરે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યાંય મળી નહોતી. આખરે, પરિવારજનોએ આંકલાવ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બાળકીના કાકાનો મિત્ર જ હત્યારો નીકળ્યો
તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પઢિયાર શંકાની સોય ગઈ હતી. પોલીસે તેને અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં અજય પઢિયાર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી કે, તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવા કહ્યું હતું. અજય પઢિયારે બાળકી તુલસીનું બાઈક પર અપહરણ કરીને ઉમેટા લઈ ગયો હતો. ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંઘરોટ નાની નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી.
NDRF દ્વારા બાળકીની શોધખોળ શરૂ
આરોપી અજયની કબુલાત બાદ પોલીસે NDRFની ટીમને સાથે રાખી તુલસીની લાશ શોધવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. નિર્દોષ બાળકીની તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટના માનવતાને શરમાવે છે.
પોલીસે તપાસ હાથ ધરી
પોલીસે અજય પઢિયાર વિરુદ્ધ કડક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તાંત્રિક વિધિમાં સામેલ અન્ય લોકોની પણ તપાસ હાથ ધરી છે. આ ઘટના તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. સમાજમાં આવા કિસ્સાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલાં અને જાગૃતિ અભિયાન જરૂરી છે.
આ પણ વાંચો: ભાજપ નેતાએ દલિત એન્જિનિયરને કેમેરા સામે જૂતાથી માર માર્યો