રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુથ આઈકોન બહેન કુમારી માયાવતીજીના 15મી જાન્યુઆરી 2026ના રોજ ઉજવાયેલા 70મા જન્મદિવસ નિમિત્તે એક સુંદર પહેલ કરવામાં આવી છે. અહીં બહુજન રાજનીતિમાં વિશ્વાસ ધરાવતા કેટલાક યુવાનોના સહકારથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત આરોગ્ય અધિકારી ડૉ.ધીરેન ઘીવાલા સાહેબ દ્રારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના આંબેડકરનગર ખાતે ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું ‘બહેન કુમારી માયાવતીજી આરોગ્ય ભવન’ ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
ડૉ.ધીરેન ઘીવાલા બહુજન રાજનીતિમાં વિશ્વાસ ધરાવતા લડાયક બહુજન યોદ્ધા છે. જિંદગીના અનેક વર્ષો તેમણે બહુજન સમાજની સેવા માટે આપ્યા છે. નિવૃત્તિ પછી પણ તેમણે તેમનું સેવાકાર્ય સતત ચાલું રાખ્યું છે. અગાઉ તેઓ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે બહુજન સમાજ પાર્ટીના વડા બહેન કુમારી માયાવતીજીના જન્મદિવસે અનોખી પહેલ કરીને માત્ર રૂ.5માં દર્દીઓની સારવાર કરતું ‘બહેન કુમારી માયાવતીજી આરોગ્ય ભવન’ ખૂલ્લું મૂક્યું છે. તેમને રાજકોટના યુવાન ડૉ. ભાવિન પરમાર સહિતના લોકોનું સક્રિય પીઠબળ મળ્યું છે.

આ પણ વાંચો: કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી
ડૉ.ભાવિન પરમાર બહુજન સમાજ માટે સતત ચિંતિત યુવાન છે. આ તમામ લોકોએ મળીને આ આરોગ્ય ભવન શરૂ કર્યું છે, જે આંબેડકરનગરના લોકોનું આરોગ્ય સાચવશે.

ડૉ.ધીરેન ઘીવાલાના જણાવ્યા મુજબ તેમનું વર્ષોથી સપનું હતું કે, રાજકોટમાં બહુજન સમાજના લોકો માટે એક એવી આરોગ્ય સેવા શરૂ કરવામાં આવે, જ્યાં તેમને નજીવા દરે આરોગ્ય સેવાઓ મળી શકે. બહેન કુમારી માયાવતીજીએ 15મી જાન્યુઆરીના રોજ 70મો જન્મદિવસ ઉજવ્યો, તે પ્રસંગે અમારું આ સપનું સાકાર થયું છે.
અમે શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના આંબેડકરનગર ખાતે ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું ‘બહેન કુમારી માયાવતીજી આરોગ્ય ભવન’ ખૂલ્લું મૂક્યું છે. આ આરોગ્ય ભવનથી આ વિસ્તારના અનેક ગરીબ લોકોને ફાયદો થશે. બહેનજીને અમારા તરફથી જન્મદિવસ નિમિત્તે ભેટ આપવાનો આ નાનકડો પ્રયાસ છે.
આ પણ વાંચો: દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati











