અમદાવાદ(ahmedabad)ના ઝાંબાઝ બહુજન આગેવાન, એક્ટિવિસ્ટ, રેશનાલિસ્ટ અરૂણ પટેલ(arun patel retionalist)ની અમરેલી પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના ત્રણ વર્ષ જૂના કેસમાં ધરપકડ(amreli police arrested) કરી છે. છેલ્લાં ચાર દિવસથી અરૂણભાઈ અમરેલી જેલમાં છે. અરૂણભાઈની આ રીતે અચાનક થયેલી ધરપકડથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના બહુજન સમાજમાં મોટા પ્રત્યાઘાતો પડ્યા છે અને બહુજન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે બહુજન સમાજે પણ લડી લેવાનું નક્કી કરી લીધું હોય તેમ જણાય છે. આ મામલે વધુને વધુ લોકો અરૂણ પટેલના સમર્થનમાં આવી રહ્યા છે. અરૂણ પટેલની ધરપકડ મુદ્દે અમદાવાદમાં એક મોટી મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી બહુજન આગેવાનો, એક્ટિવિસ્ટો અને રેશનાલિસ્ટો હાજર રહી આગળની રણનીતિ ઘડશે અને અરૂણ પટેલના પરિવારને સધિયારો આપશે.
બાબરાના શખ્સની ફરિયાદના આધારે કેસ નોંધાયો
મનુવાદીઓ, ઢોંગી-ધૂતારાઓ, પાખંડીઓ, જાતિવાદી તત્વોને જાહેરમાં ખૂલ્લા પાડવા માટે જાણીતા અમદાવાદના બહુજન આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલ સોશિયલ મીડિયામાં દલિત-બહુજન સમાજનો એક મજબૂત અવાજ મનાય છે. અમદાવાદના બહુજન સમાજના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરૂણ પટેલે વર્ષો સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી ધર્મની આડમાં પોતાના રોટલાં શેકતા અને જાતિવાદ ફેલાવતા તત્વોને ખૂલ્લાં પાડ્યા છે. સોશિયલ મીડિયામાં તેમની વિશાળ ફેન ફોલોઇંગ હોવાથી તેમની પોસ્ટ હજારો લોકો શેર કરતા હતા. એ રીતે તેમની તર્કબદ્ધ દલીલો અને મુદ્દાસરની ચર્ચા હજારો, લાખો લોકો સુધી પહોંચી જતી હતી. અરૂણ પટેલની આ પ્રકારની તર્કબદ્ધ દલીલો મનુવાદી-જાતિવાદી તત્વોને કાયમ ખટકતી હતી. પરંતુ તેમની એ દલીલોમાં સત્યનો રણકો હોવાથી અને એ તર્કબદ્ધ દલીલોનો તેમની પાસે કોઈ નક્કર જવાબ ન હોવાથી તેઓ તેમને યેનકેન પ્રકારે કાયદાની ચૂંગાલમાં ફસાવવા માટેનો મોકો શોધતા હતા. અને આ કેસ તેનો જ એક ભાગ હોય તેમ જણાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી
ક્યા મામલે કેસ નોંધાયો હતો
અમરેલીના બાબરા શહેરના ગજેન્દ્ર શેખવા નામના 42 વર્ષના શખ્સે અરૂણ પટેલ સામે વર્ષ 2023ની એક ફેસબૂક પોસ્ટમાં કાઠી સમાજને બદનામ કરવાને લઈને બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગજેન્દ્ર શેખવા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રવક્તા તરીકે સેવા આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાથે જ તે વિવિધ હિંદુ સંગઠનો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અરૂણ પટેલ સામે તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 4 સપ્ટેમ્બર 2023ના રોજ તેઓ પોતાના વોટ્સએપમાં સર્ચ કરી રહ્યા હતા ત્યારે એક ગ્રુપમાં તેમને અરૂણભાઈએ ફેસબૂક પોસ્ટમાં કરેલી કોમેન્ટ જોવામાં આવી હતી. જેમાં તેમણે કથિત રીતે કાઠી અને હિંદુ સમાજની પ્રતિષ્ઠા ખરડાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એ પછી ગજેન્દ્ર શેખવાએ રાજકોટના તેના મિત્રો સાથે ચર્ચા કરીને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત હવે અરૂણભાઈ પટેલની તેમના અમદાવાદ ખાતેના નિવાસસ્થાનેથી ચાર દિવસ પહેલા અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

અરૂણ પટેલના સમર્થનમાં ગુજરાતભરના બહુજનો આગળ આવ્યા
અરૂણ પટેલની અમરેલી પોલીસે કરેલી ધરપકડ મુદ્દે હવે બહુજન સમાજ પણ આગળ આવ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બહુજન સમાજને લાગે છે કે, આ કેસનો મૂળ હેતુ અરૂણ પટેલના ટાર્ગેટ કરીને એ રીતે બહુજન સમાજના રેશનલ અવાજને દબાવી દેવાનો જણાય છે.
અમદાવાદના એક બહુજન એક્ટિવિસ્ટ નામ ન આપવાની શરતે જણાવે છે કે, “સવર્ણ હિંદુઓમાં પણ એક ચોક્કસ જાતિના લોકો દેશ આઝાદ થયા પછી પણ પોતે જાણે કાયદાથી પર હોય તેમ વર્તી રહ્યાં છે. દલિતો પર થતા મોટાભાગના અત્યાચારોમાં આ ચોક્કસ જાતિના લોકોનો ફાળો મોટો છે. ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દલિત-બહુજન સમાજ પર થતા મોટાભાગના કેસોમાં આ લોકોની દાદાગીરીને કારણે જ ન્યાય મળતો નથી. તેઓ હજુ પણ જાણે પોતે ગામના રાજા હોય અને બાકી સૌ રૈયત હોય તેમ વર્તે છે.
પોલીસ વિભાગમાં પણ આ ચોક્કસ જાતિના લોકોની પહોંચ હોવાથી દલિત અત્યાચારના કેસોમાં પીડિતોને ન્યાય મળતો નથી. એટ્રોસિટીના સેંકડો કેસોને આ ચોક્કસ જાતિના લોકો પોલીસ ચોપડા સુધી પહોંચવા જ દેતા નથી. હવે એ જ લોકો અરૂણ પટેલ જેવા બૂલંદ અવાજને દબાવવા માટે પોલીસ વિભાગમાં તેમની વગનો આશરો લઈ રહ્યા હોય તેમ લાગે છે. પણ અમે તેમની આ ચાલને સફળ થવા દઈશું નહીં. અમે અરૂણ પટેલ અને તેમના પરિવારની સાથે છીએ. તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. જેથી કાયદાના ડરે અન્ય રેશનાલિસ્ટો જાતિવાદ અને પાખંડનો પર્દાફાશ કરતા અટકે.”
આ પણ વાંચોઃ અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો યોજાશે
સોશિયલ મીડિયામાં અરૂણ પટેલના સમર્થનમાં હેશટેગ ચાલ્યું
ફેસબૂક પોસ્ટમાં કોમેન્ટ કરવા બદલ અમરેલી પોલીસ દ્વારા અરૂણ પટેલની કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં સોશિયલ મીડિયામાં પર #IAmWithArunPatel #SupportArunPatel #TruthNeverFails #SocialJustice #Ambedkarite #CommittedPerson સહિતના અનેક હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે અને વધુને વધુ લોકો અરૂણ પટેલના સમર્થનમાં આવી રહ્યાં હોવાનું જણાય છે. એક ફેસબૂક યૂઝરે લખ્યું હતું કે, “સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકની એક પોસ્ટમાં કૉમેન્ટ કરવા બદલ આપણાં બંધુ અરુણ પટેલની અમરેલી પોલીસ દ્વારા 4 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી છે. અરૂણ પટેલ સત્યનિષ્ઠ, નિઃસ્વાર્થ સેવા અને સમાજ માટે જીવંત પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે. ગરીબ-પછાત વર્ગ માટે હંમેશા ખભેખભો મિલાવીને તેમના દુઃખમાં કાયમ ઉભા રહે છે. સત્ય માટે લડવું એ જ તેમની ઓળખ છે. જૂઠ ક્ષણિક જીતે, પણ સત્ય ક્યારેય હારતું નથી. અરૂણભાઈ તેનું જીવંત ઉદાહરણ છે. હું અરૂણ પટેલ સાથે છું.”
આ પણ વાંચોઃ અમદાવાદની આ સોસાયટીમાં રબારી, દેવીપૂજક, વાલ્મિકીને ઘર નહીં મળે











અરુણ પટેલની કોમેન્ટ કે પોસ્ટ હંમેશા સંવિધાનની અને કાયદાની મર્યાદામા જ હોય છે… આ કેસમા પણ અરુણ પટેલ નિર્દોષ છુટશે…
કોઈની પણ પોસ્ટ પર કોમેન્ટ કરવી એનાં કરતાં વધુ સારું તો એનાં એકાઉન્ટ ને બ્લોક કરવા રિપોર્ટ કરી શકાય…. હું પણ અરુણ પટેલ ના સમર્થન માં છું….
જય ભીમ….