‘હવે ક્યાં જાતિવાદ જેવું કશું રહ્યું જ છે?’ એવું કહેનારથી મોટો જાતિવાદી શખ્સ તમને શોધ્યો નહીં જડે. જેટલી સહજતાથી તેઓ આ વાક્ય ઉચ્ચારતા હોય છે, તેનાથી અનેકગણો દંભ અને જાતિવાદ તેમના મનમાં ભરેલો હોય છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, ભૂજ, જૂનાગઢ સહિતના તમામ મોટા શહેરોમાં તમને આ પ્રકારના જાતિવાદી તત્વો જોવા મળી જશે.
બાપુનગરની સોસાયટીમાં ચાલતો જાતિવાદ
જો કે અમદાવાદના બાપુનગર વિસ્તારની એક સોસાયટીએ તો હદ કરી નાખી. સોસાયટીના પટેલ ચેરમેને ઠરાવ કરી નાખ્યો છે કે, સોસાયટીમાં કોઈએ પણ રબારી, ભરવાડ, પટણી કે વાલ્મિકી સમાજની કોઈ વ્યક્તિને મકાન ભાડે કે વેચાણથી આપવું નહીં. ચાર વર્ષ પહેલા સોસાયટીએ કરેલો આ ઠરાવ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં છુપાયેલો જાદિવાદ ખુલીને સામે આવી ગયો છે. આ સોસાયટીના જાતિવાદી ચેરમેને ખૂલ્લેઆમ લોકોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે. આ સાથે જ તેમણે ગુજરાતના જાતિવાદી મોડેલની પણ પોલ ખોલી નાખી છે. જોવાનું એ રહેશે કે સરકાર તેના પર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં.

રબારી, ભરવાડ, પટણી, વાલ્મિકીને મકાન નહીં મળે
આ સમગ્ર મામલાની આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ન્યૂ જમનાનગર સર્વોદય કો.ઓ.હા.સોસાયટી લિ.ના કર્ણાવણી એપાર્ટમેન્ટના ચેરમેને એક ઠરાવ પસાર કરેલો છે. એ ઠરાવ મુજબ સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજની કોઈ વ્યક્તિને મકાન વેચાણથી કે ભાડેથી આપી શકાશે નહીં તેમ જણાવાયું છે. સોસાયટી દ્વારા આ ઠરાવ છેલ્લાં સાડા ચાર વર્ષથી અમલમાં હોવાનું જાણવા મળે છે. સોસાયટીના ચેરમેનપદે પટેલ સમાજની વ્યક્તિ છે અને તે કોંગ્રેસ સાથે જોડાયેલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન બેઠક યોજાઈ
ઠરાવનો ભંગ કરનારનું ગટર, પાણી કનેક્શન કાપી નખાશે
સોસાયટીનો આ ઠરાવ જે તે સમયે તેના નોટિસ બોર્ડ પર પણ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઠરાવમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, સોસાયટીમાં રબારી, ભરવાડ, પટણી અને વાલ્મિકી સમાજના લોકોને કોઈપણ મકાન વેચાણ કે ભાડેથી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, આ નિયમોનું પાલન નહીં કરનારના ઘરનું પાણી, ગટર અને પાર્કિંગ સહિતની સોસાયટી તરફથી આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે અને મકાન માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઠરાવમાં બીજી પણ અનેક કડક જોગવાઈઓ કરાઈ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઠરાવમાં વધુમાં જણાવાયું છે કે, સોસાયટીમાં અલગ અલગ જાતિના લોકો વસવાટ કરે છે અને દરેક જાતિના લોકોને 8 થી વધુ મકાન વેચાણ કે ભાડે આપવા માટે મંજૂરી નથી. સાથે જ તા. 30-6-2018ના ઠરાવ નં. 17 મુજબ મકાન ભાડે આપતા કે વેચાણનો સોદો કરતા પહેલા વેચાણ-ભાડે લેનારે સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને લેખિતમાં અરજી સાથે જરૂરી પુરાવા સાથે રૂબરૂ સોસાયટીની ઓફિસમાં હાજર રહેવાનું રહેશે. એ પછી સોસાયટીની મંજૂરી મળ્યા બાદ જ બાનાખત, દસ્તાવેજ કે ભાડાકરાર કરીને મકાન વેચાણ કે ભાડે આપી શકાશે.
ઠરાવમાં નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ
આ આખો મામલો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીની દાદાગીરી દર્શાવે છે. તેઓ સ્પષ્ટપણે જાતિવાદને પ્રોત્સાહન આપતા હોવાનું જણાય છે, જેનાથી બંધારણની કલમ 15, 15(1-2), 17 અને 14નો ભંગ થાય છે. એટલું જ નહીં આ ઠરાવ Protection of Civil Rights Act, 1955નો પણ ભંગ કરે છે. આ મામલે આઈપીસીની કલમ 499(માનહાનિ) અથવા અન્ય સંબંધિત કલમો હેઠળ ફરિયાદ થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી કોઈ પીડિત હોય તો પીડિત નાગરિક અધિકારોના ભંગ બદલ સિવિલ કોર્ટમાં નુકસાનીની માગણી કરી શકે છે. ઉપરાંત, બંધારણના અનુચ્છેદ 32 (સુપ્રીમ કોર્ટ) અથવા 226 (હાઈકોર્ટ) હેઠળ રિટ પિટિશન દાખલ કરી શકે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) જેવી સંસ્થા પણ આ મામલામાં હસ્તક્ષેપ કરીને પીડિતોને ન્યાય અપાવી શકે છે.
જો કે આ નોટિસને લઈને ખબરઅંતર.ઈન કોઈ પુષ્ટિ કરતું નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ નોટિસ અંગે આ સોસાયટીના આધારભૂત સૂત્રોનો સંપર્ક કરતા આજથી સાડા ચાર વર્ષ પહેલા આ નિયમ નક્કી થયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ચિકન બનાવવા વાસણ ન આપતા દલિત સાધુ પર ત્રિશૂળથી હુમલો











Users Today : 1662
આવું જ વાંકાનેર તાલુકા નાં ઝાંઝર ટૉકીઝ પાસે ની સોસાયટી માં પણ છે, ત્યાં દલિત સમાજ અને મુસ્લિમ સમાજ ને મકાન વેચાણ તથા ભાડે થી નહી આપવાનું…
*શા માટે જાતિવાદી માનસિકતા ધરાવતી સોસાયટીમાં
મકાન ખરીદવું કે ભાડે રાખવું જોઈએ…! જ્યાં સુધી
જાતિવાદી સરકારોનું નિર્માણ થતું રહેશે, ત્યાં સુધી જાતિવાદી કેન્સર વકરતુ રહેશે, એમાં કોઈ સંદેહ રહેતો નથી.જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન! ધન્યવાદ!