જૂનાગઢના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ અનુસૂચિત જાતિના લોકો માટે ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.
મામલો શું હતો
સમગ્ર વિવાદની શરૂઆત કડવા પાટીદાર સમાજ સંચાલિત પટેલ કેળવણી મંડળના આંતરિક વિવાદ દરમિયાન થઈ હતી. ચેતન ફળદુ, જેઓ પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુના પુત્ર છે, તેમની એક ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ વાતચીતમાં ચેતન ફળદુ જ્ઞાતિના જ એક અન્ય આગેવાન સાથે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે અનુસૂચિત જાતિ (SC) સમાજ માટે અત્યંત વાંધાજનક, ગેરબંધારણીય અને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચો: ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ
ઓડિયો ક્લિપ વાયરલ થતા દલિત સમાજમાં રોષ
આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા જ અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો અને યુવાનોએ આ બાબતે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જૂનાગઢના જ એક જાગૃત યુવાને આ ઓડિયો ક્લિપને પુરાવા તરીકે રજૂ કરી ચેતન ફળદુ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ધારાસભ્યે પણ કાર્યવાહીની માંગ કરી
આ મુદ્દે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે બંધારણીય હોદ્દા પર બેઠેલા કે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિઓ દ્વારા આ પ્રકારે કોઈ જ્ઞાતિ કે જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી ચલાવી લેવાય નહીં. ધારાસભ્યએ પોલીસ તંત્ર પાસે ચેતન ફળદુ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગણી દોહરાવી હતી.
આ પણ વાંચો: એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા

એ-ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદના આધારે ચેતન ફળદુ વિરુદ્ધ SC-ST ACT
હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપની સત્યતા તપાસવા માટે તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી શકે છે.
હાલમાં આ મામલે જૂનાગઢમાં ભારે ચર્ચા જાગી છે. જાણીતા બિલ્ડર અને પ્રતિષ્ઠિત સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર સામે થયેલી આ કાર્યવાહીને પગલે પોલીસ હવે આગામી સમયમાં ધરપકડ સહિતના કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
આ પણ વાંચો: મહાકુંભની મોનાલીસાના પતિ વિરુદ્ધ POCSO અને એટ્રોસિટીની FIR નોંધાઈ











