Bageshwar Dham Accident: ચિઠ્ઠી વાંચીને લોકોના દુઃખ દૂર કરી દેવાનો દાવો કરતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના જ ધામમાં અકસ્માતની આગાહી કરી શક્યા નથી. મધ્યપ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાં આરતી દરમિયાન તંબુ તૂટી પડવાથી મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ભક્તનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે 10થી વધુ ભક્તો ઘાયલ થયા હતા. ભારે પવન અને તંબૂ ઉભઓ કરવામાં થયેલી કથિત બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે.
શું થયું હતું?
મળતી માહિતી મુજબ, મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. એ વખતે ભારે પવન તંબૂ ઉભો કરવામાં થયેલી કથિત બેદરકારીને કારણે અચાનક એક ભારે તંબુ પડી ગયો હતો. જેમાં કેટલાક લોકો તંબુ નીચે દટાઈ ગયા અને અંધાધૂંધી મચી ગઈ. આ સમય દરમિયાન, તંબુ બાંધવા માટે ઉપયોગમાં લેવાતા લોખંડના સળિયાથી માથામાં ઈજા થતાં એક ભક્તનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વહીવટીતંત્ર અને ધામ વ્યવસ્થાપન સમિતિએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
આ પણ વાંચો: ખેડબ્રહ્માના રતનપુરમાં દિવાલ પડતા બે આદિવાસી બાળકોના મોત
મૃતકનું નામ શ્યામ લાલ કૌશલ છે અને તે 50 વર્ષનો હતો. તે અયોધ્યાનો રહેવાસી હતો પરંતુ તેનું મૂળ ગામ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં છે. નજીકમાં રહેતા અન્ય પરિવારના સભ્યો પણ તેની સાથે અહીં પહોંચ્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ ઉજવવા ભક્તો પહોંચ્યા હતા
ભારતમાં અનેક અકસ્માતો ધાર્મિક ભીડના કારણે થતા રહે છે. આ અકસ્માત પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણીને લઈને ભેગી થયેલી ભીડના કારણે સર્જાયો હતો. ભારત અને વિદેશથી હજારો ભક્તો આજે બાગેશ્વર ધામમાં એકઠા થયા છે. કારણ કે 4 જુલાઈએ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ છે. 4 જુલાઈથી ગુરુ પૂર્ણિમા સુધી બાગેશ્વર ધામમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે. જેમાં ભાગ લેવા માટે ભારે ભીડ એકઠી થઈ છે.
50 હજારથી વધુ ભક્તો ભેગા થયા છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ 1 થી 3 જુલાઈ દરમિયાન કથિત દિવ્ય દરબાર યોજ્યો હતો. આજે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ દિવસ છે. ગુરુ પૂર્ણિમા અને જન્મોત્સવ માટે દેશ-વિદેશમાંથી ૫૦ હજારથી વધુ ભક્તો એકઠા થવાની ધારણા છે. આ કાર્યક્રમ માટે ગઢા ગામમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તો મંગળવારે જ અહીં આવવા લાગ્યા હતા. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ અકસ્માતને કુદરતી આપદા ગણાવી
આ અકસ્માત બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેને કુદરતી આપદા ગણાવી દીધો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક આપદા પર કોઈનું નિયંત્રણ નથી હોતું. અમને દુઃખ છે કે એક વ્યક્તિ હવે શરીરથી જીવિત નથી અને અમુક લોકો ઘાયલ થયા છે. તકેદારીના ભાગરૂપે અને આ ઘટનાને કારણે અમે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કર્યા છે. મારો જન્મદિવસ સામાન્ય રીતે મનાવવામાં આવશે. કોઈ ઝાકમઝોળ કે સંગીત જેવા કાર્યક્રમો નહીં થાય. માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરાશે અને ભંડારો થશે.
પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તંત્ર દ્વારા આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડાપ્રધાન મોદી અને ભાજપની નજીક હોવાથી તેમની પર કોઈ કાર્યવાહી થઈ નથી. તેની જગ્યાએ જો અન્ય કોઈ વ્યક્તિ હોત તો ક્યારનો કેસ થઈ ગયો હોત અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હોત. પણ હિંદુત્વ અને અંધશ્રદ્ધાની આ જ તો ખૂબી છે કે તેમાં નજર સામે રહેલું સત્ય પણ લોકોને દેખાતું નથી.
આ પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ