બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ગોઢ ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠકમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીઓ પર આકરો દંડ લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગામે નક્કી કર્યું છે કે, પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીના પરિવારને રૂ. 1 લાખનો દંડ કરવો અને તે પરિવારનો સામાજિક બહિષ્કાર કરવો. આ સંપૂર્ણપણે દેશના બંધારણ અને કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે, જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી.
મામલો શું છે?
બનાસકાંઠાના દાંતીવાડાના ગોઢ ગામે તા. 19 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, પંચ અને ગામલોકોની બેઠકમાં દેશના બંધારણ અને કાયદાની વિરુદ્ધ જઈને સમાજનું પોતાનું બંધારણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગામની કોઈ યુવતી કે યુવક પ્રેમ લગ્ન કરે તો તેમને રૂ. 1 લાખનો દંડ અને તે પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કુંવારી યુવતીઓ જો મોબાઇલ ફોન રાખે તો તેને રૂ. 51 હજારનો દંડ કરવાનું ને યુવક-યુવતી જો ભાગીને લગ્ન કરે તો રૂ. 1 લાખનો દંડનું નક્કી કરાયું છે. હવે આ નિયમો સામે અનેક કાનૂની અને સામાજિક સવાલો ઊભા થઈ રહ્યાં છે.
આ પણ વાંચો: દલિત યુવકને કોલેજે જાતિનું પ્રમાણપત્ર ન આપતા UK માં નોકરી ન મળી!
ગોઢ ગામમાં તા. 19 નવેમ્બર 2025ના રોજ યોજાયેલી સમાજ બેઠકમાં એવા બંધારણના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જેને લઈને આખા વિસ્તારમા ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગામમાં બહુમતી વસ્તી ઠાકોર સમાજની છે. આ સમાજના લોકોએ મળીને લેખિતમાં એક ફતવો બહાર પાડ્યો છે અને તેના પર સહીઓ કરી છે. આ ફતવામાં સમાજના કહેવાતા આગેવાનો અને વડીલોનું કહેવું છે કે, પરંપરા અને શિસ્ત જળવાઈ રહે, તે માટે આ નિયમો જરૂરી છે.
બંધારણના આર્ટિકલ 21નો ખૂલ્લેઆમ ભંગ કરાયો
હવે સવાલ એ છે કે, પુખ્ય વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની સ્વતંત્રતા આ દેશનું બંધારણ આપે છે. લગ્ન કરવાનો અધિકાર બંધારણના અનુછેદ 21 દ્વારા પ્રદાન કરવામાં આવેલ “જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર”નું એક અગત્યનું અંગ માનવામાં આવે છે. ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે આર્ટિકલ 21 ની વ્યાખ્યા વિસ્તૃત કરીને તેમાં “લગ્ન કરવાનો અધિકાર” નો સમાવેશ કર્યો છે. આ અધિકારને વ્યક્તિની વ્યક્તિગત પસંદગી અને અધિકારનો એક મહત્વપૂર્ણ ભાગ ગણવામાં આવે છે.
વર્ષ 2018માં શર્મિલા ફક્રે બનામ કેરળ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જાહેર કર્યું હતું કે એક પુખ્ત વ્યક્તિને તેના જીવનસાથીની પસંદગી કરવાનો અધિકાર અનુછેદ 21 હેઠળની વ્યક્તિગત સ્વતંત્રતા અને આત્મનિર્ણયના અધિકારનો એક અભિન્ન ભાગ છે.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ JCB થી દલિત મહિલાનું ઘર તોડી નાખ્યું
લતા સિંહ બનામ ઉત્તર પ્રદેશ રાજ્ય (2006) ના કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે બે પુખ્ત વ્યક્તિનું એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય તેમની વ્યક્તિગત જિંદગીનો એક ભાગ છે અને તે અનુછેદ 21 હેઠળ સુરક્ષિત છે. આર્ટિકલ 19(1)(a) કેટલાક કેસોમાં લગ્નની સ્વતંત્રતાને “વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા” સાથે પણ જોડવામાં આવી છે, કારણ કે લગ્ન એ સામાજિક અભિવ્યક્તિનું એક સ્વરૂપ છે. એવામાં ગોઢ ગામના લોકોનો કોઈ બે પુખ્ત વયના વ્યક્તિ વ્યક્તિગત સ્વતંત્રતા હેઠળ લગ્ન કરે, તો તેના બદલામાં દંડ કરવો તે કાનૂની અને નૈતિક રીતે કેટલો યોગ્ય છે તે સવાલ છે. આ સ્પષ્ટપણે દેશના બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. કાયદા નિષ્ણાતો જણાવે છે કે ભારતનું બંધારણ પુખ્ત વયની વ્યક્તિને પોતાની મરજી મુજબ લગ્ન કરવાનો અધિકાર આપે છે. ત્યારે ગોઠ ગામના ઠાકોર સમાજનું આ બંધારણ શું દેશના બંધારણમાં આપવામાં આવેલી વ્યક્તિગત સ્વતંત્રતાને પડકારે છે?
કાયદાનો ભંગ થાય છે તેનો ગામલોકોને ખ્યાલ નહીં હોય?
આ તરફ ગામના આગેવાનોનું કહેવું છે કે, સામાજિક પરંપરા જાળવવાની સાથે વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. ત્યારે સવાલ એ થાય કે સમાજ દ્વારા એક લાખનો દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે કેટલો કાયદેસર છે? તેમને આ ઓથોરિટી કોણે આપી? શું ગામલોકોને કોર્ટ કે કાયદાની જરાય બીક નથી રહી? ન્યાય હિતમાં કોઈ પણ અસંસ્થાગત સમૂહ આર્થિક દંડ લાદી શકે નહીં. તે માટેની સ્પષ્ટ કાનૂની મર્યાદાઓ છે. કોઈ પરિવારનો સમાજમાંથી બહિષ્કાર કરવો એ માનવાધિકારના ભંગ તરીકે ગણાય છે. સામાજિક બહિષ્કાર માનસિક અને સામાજિક શોષણ સમાન છે.
બનાસકાંઠાના ગોઢ ગામે પોતાનું બંધારણ નક્કી કર્યું છે. જેમાં પ્રેમ લગ્ન કરનારને 1 લાખ દંડ સાથે તેનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.#banaskanthagodh pic.twitter.com/EHcsXkl9GS
— khabar Antar (@Khabarantar01) November 20, 2025
આ પણ વાંચો: મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ
ઘટનાને લઈને સામાજિક, નૈતિક, કાનૂની સ્તરે ચર્ચા ઉભી થઈ
ઠાકોર સમાજનું આ બંધારણ સામંતવાદી માનસિકતાનું પ્રતિક હોય તેમ જણાય છે. ગામના ઠાકોર સમાજના વડીલો પરંપરા બચાવવા આ પગલાંને જરૂરી કહે છે. બીજી તરફ યુવાનો કહે છે કે બદલાતી દુનિયામાં સંવાદ અને સમજણ વધારે મહત્વની છે. ત્યારે દાંતીવાડાના ગોઢ ગામનો આ મુદ્દો વ્યક્તિગત સ્વતંત્રતા, પરંપરા અને કાનૂની હક્ક વચ્ચેના સંતુલનનો સવાલ બની ગયો છે. ઠાકોર સમાજે બહાર પાડેલા આ કથિત બંધારણે એ ચર્ચા ફરી જીવંત કરી દીધી છે કે — સમાજના નિયમો કેટલી હદ સુધી વ્યક્તિના અધિકારોને નિયંત્રિત કરી શકે? સમાજ શું નક્કી કરે અને વ્યક્તિ શું પસંદ કરે— બંને વચ્ચે સંતુલન જાળવવું સમયની માંગ છે. ગોઢ ગામના તાજેતરના નિર્ણયોને લઈને હવે કાનૂની, સામાજિક અને નૈતિક ત્રણેય સ્તરે મોટી ચર્ચા ઉભી થઇ છે.
આ પણ વાંચો: વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં યુવતી તણાઈ ગઈ













અંગૂઠા છાપ હવે બંધારણ જ બદલવા બેઠાં છે, સાલાઓ તમને સમાનતા બંધુત્વ પ્રતિનિધિત્વ દરેક પ્રકારના સમાન ન્યાય પણ બંધારણ જ આપે છે, ગામ આખું ગાંડુ લાગે છે ગામમાં કોઈ ભણેલો વ્યક્તિ હોય તેવું માનવામાં આવતું નથી